ગુજરાતમાં કોવિડ-૧૯ સબ-વેરિયન્ટના ૩૬ દરદી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં હવે કોરોનાનો ફરી એકવાર અજગરી ભરડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ના ૩૬ કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત ૮ રાજ્યમાં કુલ ૧૦૯ કેસ છે. જેમાં ગુજરાત સૌથી ટોચ પર હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે કોરોનાના નવા વેરિયંટના અમદાવાદ મનપા ચોપડે એકપણ કેસ હોવાનો કોઈજ સત્તાવાર રિપોર્ટ નથી તેવું મનપાના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં જે.એન.૧ વેરિયન્ટના સૌથી વધુ ૩૬ કેસ છે. અમદાવાદ શહેરમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના ૪૨ એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જોધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે ૪૧ દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી યુએસથી, દુબઈથી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોનાથી મોતનો સિલસિલો ફરી ચાલુ થયો
છે. લાંબા સમય બાદ મનપા ચોપડે કોરોનાના કારણે મોત નોંધાયું છે. મંગળવારે દરિયાપુરના ૮૨ વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. મહિલા કોવિડ ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યાં હતાં.
દેશમાં કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટ જેએન-વનના ચાર વધુ કેસ નોંધાતા દેશમાં આ નવા વેરિયન્ટના દર્દીની સંખ્યા ૨૬ ડિસેમ્બર સુધી વધીને ૧૦૯ થઈ છે.
ગુજરાતમાં ૩૬, કર્ણાટકમાં ૩૪, ગોવામાંથી ૧૪, મહારાષ્ટ્રમાં નવ, કેરળમાં છ, તથા રાજસ્થાન અને તામિળનાડુ દરેકમાં એક કેસ નોંધાયા હતા. આના મોટા ભાગના દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં રખાયા છે અને હૉસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી નથી એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉક્ટર વી. કે. પોલે કહ્યું હતું કે ગયા અઠવાડિયે આ નવા વેરિયન્ટની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. તેમણે રાજ્યોને ટેસ્ટની સંખ્યા વધારવાની અને નિરીક્ષણ સિસ્ટમને સુદૃઢ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે અને દેશમાં જેએન-વનના કેસના નિદાન થયા હોવા છતાં ચિંતાની કોઈ વાત નથી કારણ કે કોરોનાના ચેપગ્રસ્ત દરદીના ૯૨ ટકાએ ઘરે જ સારવાર લેવાનું પસંદ કર્યું છે અને આ સૂચવે છે કે આ સૌમ્ય બિમારી છે.
અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી નથી અને જે બીજી બીમારીને લીધે હૉસ્પિટલમાં દાખલ થયા છે તેમને કોરોના થયો હોવાનું માલૂમ પડ્યું છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રના આરોગ્ય સચિવ સુધાંશ પંતે તહેવારની મોસમમાં કોરોનાના નિયંત્રણ અને મેનેજમેન્ટની રણનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવી સલાહ આપી હતી કે સંક્રમણની સંભાવના ઘટાડવા જાહેર આરોગ્યનાં પગલાં લો. રાજ્યોને કોવિડ-૧૯ની આરોગ્ય ખાતાની નવી નિરીક્ષણ નીતિના કડક પાલનની સૂચના આપી હતી. રાજ્યોને દરેક આરોગ્ય કેન્દ્રમાં ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીના કેસ જિલ્લાવાર નોંધવાની સૂચના આપી છે, જેથી કોરોના કેસમાં ઉછાળો આવે તો તરત જ ધ્યાનમાં આવે.
અમદાવાદના ૬૦૦થી વધુ બાળકો ડેન્ગ્યૂની ઝપટમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કુમળીવયના ૬૦૦ કરતા વધુ બાળકો ડેન્ગ્યૂની ઝપટમાં આવી ગયા છે જયારે શહેરના પૂર્વ પટ્ટામાં કોલેરાના રોગચાળાએ માઝા મૂકી છે એકજ સપ્તાહમાં કોલેરાના આઠ કેસ નોંધાતા તંત્ર ફરી એક વખત દોડતું થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં જીવલેણ માનવામાં આવતા ડેન્ગ્યૂ, કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગ સતત વધી રહ્યા છે. ચાલુ વર્ષ તા. ર૪મી ડિસેમ્બર સુધી ડેન્ગ્યૂના ર૪૯૯ કેસ ક્ધફર્મ થયા છે. ડેન્ગ્યૂની ઝપટમાં નાના બાળકો પણ આવી રહ્યા છે. ૦ થી ૮ વર્ષ સુધીના ૬૪૩ બાળકો ડેન્ગ્યૂના સકંજામાં આવ્યા છે મતલબ કે ડેન્ગ્યૂના કુલ કેસના પચ્ચીસ ટકા દર્દી નાના બાળકો છે. શહેરના પશ્ચિમ પટ્ટામાં ડેન્ગ્યૂના કેસ મોટી સંખ્યામાં નોંધાયા હતા પરંતુ હાલના તબકકે ડેન્ગ્યૂએ પૂર્વ અને પશ્ચિમની ભેદરેખા મીટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ડેન્ગ્યૂના ર૪૯૯ કેસ પૈકી પૂર્વ વિસ્તારમાં ૧૪૬૯ કેસ અને પશ્ર્ચિમ વિસ્તારમાં ૧૦૩૦ કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ પૂર્વ ઝોનમાં પર૭ અને દક્ષિણ ઝોનમાં ૪૮૬ ક્ધફર્મ થયા છે જ્યારે ગોમતીપુર, રામોલ, લાંભા, ગોતા સહિત છ વોર્ડમાં કેસની સંખ્યા ૧૦૦ને પણ પાર કરી ગઈ છે તેવી જ રીતે ચીકનગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. વર્ષ દરમિયાન ચીકનગુનિયાના પ૪ કેસ ક્ધફર્મ થયા છે જ્યારે સાદા મેલેરિયા ૧૧૮ર અને ઝેરી મેલેરિયાના ૧૬૯ કેસ ક્ધફર્મ થયા છે. શહેરમાં કોલેરાના એક સપ્તાહ દરમિયાન નવા આઠ કેસ નોંધાયા છે જયારે ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના કુલ કેસની સંખ્યા ૯૦ થઈ છે. કોલેરાના મહત્તમ કેસ પૂર્વ અને દક્ષિણ ઝોનમાંથી બહાર આવ્યા છે. શહેરના દક્ષિણ ઝોનમાં કોલેરાના ૪૮ અને પૂર્વ ઝોનમાં ૩૯ કેસ નોંધાયા છે. તેવી જ રીતે ઝાડા-ઊલટીના ૭૦૦૬, કમળાના ર૦૩ર કેસ નોંધાયા છે જેમાં મધ્ય ઝોનમાં ૧પ૭, પશ્ર્ચિમ ઝોનમાં ૧રપ, ઉત્તર પશ્ર્ચિમ ઝોનમાં ૯૭, દક્ષિણ પશ્ર્ચિમ ઝોનમાં ૭૪, ઉત્તર ઝોનમાં ૩ર૩, પૂર્વ ઝોનમાં ૩પ૮ અને દક્ષિણ ઝોનમાં પ૭પ કેસ ક્ધફર્મ થયા છે. જ્યારે મનપા હદની બહાર રહેતા ૩ર૩ દર્દીઓ પણ તંત્રના ચોપડે નોંધાયા છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કમળાના ૧પ૧, સરસપુર-૮૬, કુબેરનગર-૬ર, બાપુનગર-૬૪, વટવા-૧૧૪ અને લાંભામાં ૧૩૪ કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાના નવા દર્દીમાં એક દિવસમાં ૫૨૯નો ઉછાળો આવ્યો હતો. બુધવારના આંકડા પ્રમાણે કુલ સક્રિય કેસ ૪,૦૯૩ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ દર્દીનું મોત થયું હતું. આમાં બે કર્ણાટકના અને એક ગુજરાતના હતા. મરણાંક ૫,૩૩,૩૩૭નો થયો છે.
જેએન-વનનો પહેલો કેસ ઑગસ્ટ ૨૦૨૩માં લક્સેમબર્ગમાં નોંધવામાં આવ્યો હતો.
અમદાવાદમાં કોરોનાના આઠ નવા કેસ નોંધાયા: આંકડો ૪૨ પર પહોંચ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં બુધવારે નવા કેસ નોંધાયા છે. જેમાં પાંચ પુરૂષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો ૪૨ પર પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારમાંથી કોરોનાના આઠ કેસ નોંધાયા હતા. જેમાંથી ત્રણ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. તેમણે અમેરિકા, દુબઈ અને મથુરાનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ પોઝિટિવ આવ્યા છે. હાલમાં શહેરમાં ૪૨ કોરોનાના એક્ટિવ કેસો સામે આવ્યા છે. બીજી બાજુ શહેરના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના વોર્ડ વિસ્તારોમાં કોરોનાના સૌથી વધુ ૨૫ એક્ટિવ કેસ નોંધાયા છે. શહેરમાં હાલ કોરોનાના ૩૫ એક્ટિવ કેસ છે. જેમાં એક દર્દી ખાનગી હોસ્પિટલમાં આઈસોલેટ છે. જ્યારે ૩૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, એક પછી એક નવા વેરિએન્ટના પોઝિટીવ કેસો સામે આવી રહ્યાં છે, ત્યારે રાજ્યના દરેક અર્બન હેલ્થ સેન્ટરોમાં ટેસ્ટિંગ ચાલી રહ્યા છે. જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરવામા આવ્યા છે.