પુરુષ

કઈ રીતે આવકારશો તમે નવા વર્ષને? આયોજન તો ઘણા બધાં હશે, પણ…

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

આપણે ત્યાં એવી ઉક્તિ અથવા તો માન્યતા છે કે જન્મદિવસે કે નવા વર્ષના દિવસે તમે જે કરો એ આખું વર્ષ થાય! એટલે જ આપણે ત્યાં નવા વર્ષે અને જન્મદિવસે વહેલા ઊઠી જવાનો રિવાજ છે કે પછી આ બંને દિવસે ઈશ્ર્વરના દર્શન કરાય કે પછી વડીલોના આશીર્વાદ લેવાય છે.

જો કે, ઈસુ વર્ષ વિશે આપણે એમ માનીએ છીએ એ કંઈ આપણું નવું વર્ષ થોડું છે? વાત પણ સાચી. પહેલી જાન્યુઆરીથી આપણે નવું વર્ષ શરૂ કરતા નથી. આપણે તો કારત સુદ એકમથી આપણું નવું વર્ષ શરૂ કરીએ, પરંતુ વિરોધાભાસ પાછો એ પણ છે કે આપણે ભલે એનું નવું વર્ષ ન માનીએ, પણ આપણું આખું વર્ષ વિક્રમ સવંતના આધારે જ વીતતું હોય છે. આપણે ય થર્ટીફર્સ્ટની ઉજવણીમાં ભાગ તો લઈએ જ છીએ.

-તો પછી આપણે પહેલી જાન્યુઆરીએ નવા વર્ષ જેવી ભાવના રાખવી કે ન રાખવી?

આ પ્રશ્ર્નનો ઉત્તર એ બાબત પર જ આધાર રાખે છે કે આપણે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ભાગ લઈએ છીએ કે નહીં! જો આપણે માટે થર્ટી ફર્સ્ટ સામાન્ય દિવસ જેવો જ હોય, એમાં આપણે ગમેએમ કરીને દારુ-ચિયાર્સની પાર્ટી ગોઠવીને કે પછી અડધી રાત સુધી ઠુમકા લગાવતા રહીએ અને પછી કહીએ કે આપણે આ નવા વર્ષ સાથે કેટલા ટકા? તો એ આપણો દંભ કહેવાય.

ખેર, થર્ટી ફર્સ્ટની ઉજવણીની વાત જવા દઈએ તો પણ આપણે દર વર્ષે આપણો જન્મદિવસ ઉજવીએ છીએ કે દર વર્ષે આપણી ઉંમર ગણીએ કે હું ત્રીસનો-ચાળીસનો કે પચાસનો થયો એ ગણતરીઓ કંઈ આપણી વિક્રમ સવંત મુજબની નથી હોતી. આપણે ઇસુના જ કોઈક ૧૯૭૦-૮૦ કે ૧૯૯૦ના વર્ષ અને એકથી એકત્રીસની કોઈક તારીખને આપણે જન્મદિવસ ગણીને ઉજવીએ છીએ.

એટલું જ નહીં, આપણા સ્વજનોના મૃત્યુ ઈસુ વર્ષના આધારે જ યાદ કરીશું. બ્યાસીમાં મારા બા ગયેલાં, નેવુંમાં બાપુજી! આવનારી લોકસભાની ચૂંટણી જેનો મુદ્દો ભલે હિન્દુ બહુમત હશે, પરંતુ આપણે એમ કહીશું કે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી!

ટૂંકમાં, ડાબે કે જમણે કાન પકડીને પણ આપણે ઈસુ વર્ષ સાથે સંકળાઈ રહેવું તો પડશે. એમાં કંઈ ખોટું પણ નથી. પછી જેમ આપણે આપણા નવા વર્ષ માટે જેટલાં તૈયાર કે ઉત્સાહમાં રહીએ એવો જ ઉત્સાહ આપણી ઈશુ નવા વર્ષ માટે પણ રાખીએ. ‘વ્હોટ્સઍપ’ પર એવી ભાટાઈઓ ન કરીએ કે ‘એ કંઈ આપણું નવું વર્ષ થોડું કહેવાય! હેપી ન્યૂ યર કહેવાનું ટાળો!’

આ બધા કરતાં થર્ટી ફર્સ્ટનો સૂર્યાસ્ત મનભરીને માણીએ અને ઈશ્વરનો આભાર માનીએ કે આ વર્ષમાં તેં મને ઘણુંબધું આપ્યું. કદાચ આ વર્ષમાં આપણી પાસેથી કશુંક છીનવાઈ પણ ગયું હોય! તો ઈશ્ર્વરને એ માટે પણ પ્રાર્થના કરીએ કે આ વર્ષે મારી સાથે બન્યું એવું આવતે વર્ષે ન બને… અને નવા વર્ષના સૂર્યોદયને પણ એ જ ઉત્સાહ સાથે આવકારીએ! મોડી રાત સુધી ઢીચવા કરતાં વહેલી સવારે ઊઠીને વર્ષ ૨૦૨૪ના સૂર્યોદયને માણવો એ વધુ મહત્ત્વનું કહેવાય!

આખરે સૂર્યોદય એ નવી ઊર્જા- નવી ચેતનાનું પાવરહાઉસ છે. એને નીરખતા જ આપણા મનની ઘણી અવઢવો દૂર થઈ જાય છે. વળી, નવા વર્ષના સૂર્યોદયને નિહાળતા આપણે આપણી જાતને કેટલાંક વચન પણ આપી શકીએ કે પાછલાં વર્ષોમાં સંબંધ કે આરોગ્યને લઈને કરેલી કેટલીક ભૂલ ને આ વર્ષે નથી કરવી. આ વર્ષે કામમાંય આળસ નથી કરવી કે શક્ય એટલું આરોગ્યનું ધ્યાન રાખવું છે..

જોગાનુજોગ, નવું વર્ષ સોમવારને દિવસે જ છે. વર્ષનો પણ પહેલો દિવસ અને અઠવાડિયાનો પણ પહેલો દિવસ! તો એ પહેલાં દિવસથી શક્ય એટલા વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરીએ અને બાકીના સમયને વાંચન અથવા યોગ જેવી વાતમાં ઉપયોગમાં લઈએ, જેથી આપણો સ્ક્રિન ટાઈમ ઓછો થાય.

આખરે આ અને આવનારાં અનેક વર્ષોમાં સ્ક્રિન ટાઈમ એ આપણી અત્યંત મોટી સમસ્યા બની રહેશે. આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય આપણા સ્ક્રિન ટાઈમ પર નિર્ભર રહેશે. એવા સમયે આપણું ઓનલાઈન કરતાં ઑફલાઈન પર મશગૂલ રહેવું અત્યંત મહત્ત્વનું બની જાય છે… તો આવનારા વર્ષના પહેલાં દિવસથી આપણે એ પ્રેક્ટિસ પણ શરૂ કરીએ અને શક્ય એટલું ઓછું સ્ક્રોલિંગ કરીએ. કદાચ આટલી બાબતનું પણ ધ્યાન રાખીશું તો આપણે એક સારી શરૂઆત કરી કહેવાશે.. પછી ધીમે,પણ ગતિએ આપણું વર્ષ પણ અત્યંત સ-રસ જશે!
તમને-મને ને આપણને બધાને હેપીવાલા ન્યૂ યર…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…