લાડકી

પ્રથમ મહિલા પદ્મશ્રી: આશાદેવી આર્યનાયકમ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

આશાદેવી આર્યનાયકમ…. આ નામ સાંભળ્યું છે?
નામ થોડુંક અજાણ્યું જણાય, પણ પચાસ અને સાઠના દાયકામાં આશાદેવીનું કામ એટલું જાણીતું હતું કે ભારત સરકારે પદ્મ પુરસ્કારોનો આરંભ કર્યો ત્યારે જાહેર સેવાઓ બદલ ૧૯૫૪માં દેશના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કર્યાં હતાં. આ જ વર્ષમાં પદ્મશ્રીથી સન્માનિત કરાયેલી મહિલાઓમાં પેરીન કેપ્ટન, અમલપ્રવા દાસ અને એકમ્મા મથાઈનો પણ સમાવેશ કરાયો હતો, પરંતુ પદ્મશ્રીથી પુરસ્કૃત થયેલાઓની યાદીમાં પહેલું નામ આશાદેવીનું જ હતું. એ દ્રષ્ટિએ પદ્મશ્રીથી સન્માનિત થયેલી પ્રથમ મહિલા તરીકે આશાદેવી આર્યનાયકમનું સ્મરણ કરવામાં આવે છે ! જેમને પુરસ્કૃત કરેલાં એમાં પેરીન કેપ્ટન, અમલપ્રવા દાસ અને એકમ્મા મથાઈ ઉપરાંત આશાદેવીનો પણ સમાવેશ
આશાદેવીનો જન્મ લાહોરમાં ૧ જાન્યુઆરી ૧૯૦૧ના થયો. પિતા ફણીભૂષણ અધિકારી અને માતા સરજૂબાલા દેવી. બન્ને ધાર્મિક સ્વભાવનાં હતાં. શિક્ષણવિદ પણ ખરાં. ભક્તિપંથમાં માનતા. ફણીભૂષણ દિલ્હીમાં પ્રાધ્યાપક હતા. દિલ્હીમાં એની બેસન્ટ સાથે એમનો પરિચય થયો. એની બેસન્ટ ફણીભૂષણને વારાણસી લઈ ગયા. ત્યાં એ દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્યરત થયા. એથી આશાદેવીનું બાળપણ લાહોર અને વારાણસીમાં વીત્યું.

વારાણસીમાં ભણવાની સારી તકો હતી, પણ બંગાળી માધ્યમની શાળાઓ ન હતી. ફણીભૂષણ અને સરજૂબાલા દેવી પોતાની લાડકવાયી આશાદેવીને બંગાળી ભાષાના જ્ઞાનથી વંચિત રાખવા માગતાં નહોતાં. એમણે આશાદેવીને શાળામાં બેસાડવાની સાથે ઘરમાં જ બંગાળી ભણાવે એવા શિક્ષકની વ્યવસ્થા કરી. સરજૂબાલા દેવી પણ આશાદેવીને બંગાળી ભાષા ઉપરાંત સંગીત શીખવતી.
વધુ પડતાં વાંચનને કારણે કે બીજા કોઈ કારણસર, આશાદેવીની એક આંખમાં તકલીફ ઊભી થઈ. બી.એ.ની પરીક્ષા માથે હતી. ચિકિત્સકોએ આશાદેવીની આંખોને આરામ કરવાની સલાહ આપી. અન્યથા આંખોની રોશની જતી રહેશે એવી ચેતવણી પણ આપી. પરીક્ષા નજીક હતી. શું કરવું ? સરજૂબાલા દેવીએ રસ્તો કાઢ્યો. એ પોતે વાંચીને સંભળાવતી અને આશાદેવી સાંભળતી. મા વાંચે ને દીકરી સાંભળે… આ રીતે આશાદેવીએ પરીક્ષાની તૈયારી કરી. પરિણામ એ આવ્યું કે બી.એ.માં આશાદેવી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ.

સરકારે આશાદેવીને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ જવાનો અને સ્કોલરશિપ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. એ સમયે આશાદેવીની ઉંમર માત્ર સોળ વર્ષ હતી. માતાપિતાને આવડી નાની ઉંમરની દીકરીને એકલી ઠેઠ ઇંગ્લેન્ડ મોકલવાનું ઠીક ન લાગ્યું. એથી વારાણસીમાં જ આશાદેવીએ સ્નાતકેત્તર અભ્યાસ કર્યો. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ. મહિલા મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાઈ ગઈ.
આ તબક્કે આશાદેવીના જીવનમાં નવો વળાંક આવ્યો. બન્યું એવું કે ફણીભૂષણ અધિકારીના પરિવારનો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. ફણીભૂષણ માટે ટાગોરનું શાંતિનિકેતન પોતાના ઘર જેવું જ હતું. ગુરુદેવના નિવાસ ઉત્તરાયણ નજીક જ એમને એક ઘર પણ અપાયેલું. ફણીભૂષણ અધિકારી નિવૃત્તિ પછી આ જ ઘરમાં રહેલા. પિતાના સંબંધોને પગલે આશાદેવીને પણ ગુરુદેવ ટાગોર સાથે ઘરોબો હતો. થયું એવું કે ગુરુદેવે યુરોપ જવાનું હતું. તેમને પોતાની અનુપસ્થિતિમાં શાંતિનિકેતનની છાત્રાઓની જવાબદારી લઈ શકે એવી યોગ્ય મહિલાની તલાશ હતી. આ શોધ આશાદેવી પર આવીને સમાપ્ત થઈ. વારાણસીથી આશાદેવીને શાંતિનિકેતન તેડાવાઈ. એને શાંતિનિકેતનમાં નિયુક્ત કરવામાં આવી.

શાંતિનિકેતનમાં આશાદેવી અત્યંત લોકપ્રિય થઈ ગઈ. બધાં એને ‘દીદી’નું લાડકું સંબોધન કરતાં. આ અરસામાં રવીન્દ્રનાથ ટાગોર નિશ્ર્ચિંત થઈને યુરોપમાં પોતાનું કામ કરી રહેલા. યુરોપ પ્રવાસ દરમિયાન શ્રીલંકાના પ્રતિભાશાળી યુવાન ઈ. ડબ્લ્યૂ. આર્યનાયકમ સાથે ટાગોરનો ભેટો થયો. આર્યનાયકમ નોકરીની શોધમાં હતા. ટાગોરે એમને શાંતિનિકેતન આવવાનું આમંત્રણ આપ્યું. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાનું હોય. આર્યનાયકમે ટાગોરનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. શાંતિનિકેતન આવીને વસ્યા. ટાગોરના અંગત સચિવ તરીકે દસ વર્ષ સુધી કામ કર્યું. આ ગાળામાં આશાદેવી અને આર્યનાયકમનો પરિચય થયો. પરિચય પરિણયમાં પરિણમ્યો. ગુરુદેવ ટાગોરે બન્નેના વિવાહ કરાવ્યા. વિવાહને પગલે દીકરી મીઠુ અને દીકરા આનંદનો જન્મ થયો.
આશાદેવી અને આર્યનાયક્મ શાંતિનિકેતનનાં શાંત વાતાવરણમાં પેલી પોપટબેલડીની જેમ આંબાની ડાળે ને સરોવરની પાળે લીલાલહેર કરવા લાગ્યાં. પણ ગાંધીજીનો પોકાર સાંભળીને ધીમે ધીમે આશાદેવીનું મન અશાંત થવા લાગ્યું. ગાંધીજીએ કહેલું કે શિક્ષણનું દૂધ પ્રત્યેક બાળકને મળવું જોઈએ. પણ શાંતિનિકેતનમાં એ શક્ય નહોતું. કારણ શાંતિનિકેતનમાં માત્ર શ્રીમંત બાળકોનું વિદ્યાલય બની ગયેલું. ગરીબ બાળકો માટે શાંતિનિકેતનમાં જગ્યા જ નહોતી. એથી આશાદેવી અને આર્યનાયકમે શાંતિનિકેતનની નોકરી છોડી દીધી. બન્ને વર્ધા જઈ વસ્યાં. જમનાલાલ બજાજના મારવાડી વિદ્યાલયમાં જોડાયાં.

આ અરસામાં, ૧૯૩૭માં ગાંધીજીએ સેવાગ્રામમાં શિક્ષણ સંમેલનનું આયોજન કર્યું. આશાદેવી અને આર્યનાયકમ પણ એમાં ઉપસ્થિત રહ્યાં. ગાંધીજીએ પોતાના દક્ષિણ આફ્રિકાના દિવસોથી માંડીને જીવનભર શિક્ષણના પ્રયોગો કરેલા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ અને તેમના સાથીઓએ ફિનિક્સ આશ્રમમાં અને એ પછી ટોલ્સટોય ફાર્મમાં બાળકોના શિક્ષક તરીકે પણ કામ કરેલું. ત્યાં શિક્ષણ જીવન સાથે જોડાયેલું હતું અને પ્રત્યેક પ્રવૃત્તિનો શિક્ષણના સાધન તરીકે ઉપયોગ થતો. ગાંધીજીએ કામ કરતાં કરતાં શીખવાના સિદ્ધાંતની સેવાગ્રામના સંમેલનમાં અસરકારક રજૂઆત કરેલી.
આશાદેવી અને આર્યનાયકમ આ નયી તાલીમથી અત્યંત
પ્રભાવિત થયાં. તેમણે મારવાડી વિદ્યાલય છોડી દીધું. સેવાગ્રામ આવીને વસ્યાં. ગાંધીજીના આશ્રમની નજીક નયી તાલીમ સંકુલનું નિર્માણ કરાયું. આશાદેવી અને આર્યનાયકમ વિભિન્ન રાજ્યોના નયી તાલીમ સંગઠનકર્તાઓને પ્રશિક્ષિત કરવા લાગ્યાં. ગામમાં રહેતાં બાળકો માટે એક વિદ્યાલય પણ શરૂ કર્યું. પોતાનાં અને આશ્રમવાસીઓનાં બાળકોને પણ આ વિદ્યાલયમાં દાખલ કર્યાં. સંગઠનકર્તાઓના પ્રશિક્ષણ માટે આ વિદ્યાલય એક પ્રયોગશાળા બની ગયું. આશાદેવી નયી તાલીમનાં મુખ્ય સ્તંભ બની ગયાં. પ્રત્યેક ક્ષણ વ્યસ્તતાની ક્ષણ હતી. વિદ્યાર્થીઓને ખેતરમાં કૃષિકાર્ય કરાવવા ઉપરાંત ભણાવવાનું, રોજબરોજનું ભોજન રાંધવાના માધ્યમથી રસોઈઘરમાં પણ શિક્ષણ આપવાનું… સહુ કોઈ આશાદેવીને મા અને આર્યનાયકમને બાબા કહેતાં. તેઓ ગામના વિદ્યાર્થીઓ માટે જ નહીં, સંપૂર્ણ ભારતના શિક્ષક-પ્રશિક્ષણ માટે આવનારાઓ માટે પણ મા અને બાબા બની ગયાં.

ગાંધીજીના મૃત્યુ પછી આશાદેવી ફરીદાબાદ ચાલ્યાં ગયાં. શરણાર્થીઓની દેખભાળ કરવામાં પરોવાયાં. બાળકો માટે વિદ્યાલયો શરૂ કર્યા. દરમિયાન વિનોબા ભાવેની હાકલથી ભૂદાન આંદોલનમાં જોડાયાં. આર્યનાયકમની પ્રબળ ઈચ્છને કારણે વતન શ્રીલંકા ગયાં. પણ ૨૦ જૂન ૧૯૬૮ના હૃદયરોગના હુમલાને પગલે એમનું મૃત્યુ થયું. એ પછી આશાદેવી સેવાગ્રામમાં જ રહ્યાં. દીકરી મીઠુ લગ્ન કરીને અમેરિકા જઈ વસેલી અને દીકરો આનંદ નાનપણમાં જ મૃત્યુ પામેલો. પતિ પણ સાથ છોડીને ચાલ્યા ગયા. સ્વજનો ગુમાવ્યાનું દુ:ખ હૈયામાં ધરબી દઈને સમાજનો ભેખ લીધો. પણ તબિયત કથળી. એક આંખ એમણે ગુમાવી દીધી. તાવમાં સપડાયાં. એથી સારવાર માટે નાગપુર લઈ જવાયાં. ફેફસાનાં કેન્સરનું નિદાન થયું. ૩૦ જૂન ૧૯૭૦ના એમનું મૃત્યુ થયું.

આશાદેવીના અવસાનનાં સોળ વર્ષ પહેલાં ભારત સરકારે એમના યોગદાનની નોંધ લઈને ૧૯૫૪માં જાહેર સેવા બદલ એમને પદ્મશ્રીથી નવાજ્યાં. એ વર્ષે પેરીન કેપ્ટનને સ્વદેશી આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવવા બદલ, અમલપ્રવા દાસને રચનાત્મક કાર્યો બદલ અને એકમ્મા મથાઈને સ્ત્રીઓના ઉત્થાન માટેનાં કાર્યો સહિત સમાજસેવા કરવા બદલ પદ્મશ્રીથી પુરસ્કૃત કરાયેલાં. પછીનાં વર્ષોમાં તો ઘણી સ્ત્રીઓને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવી, પણ પદ્મશ્રીથી પુરસ્કૃત થનારી પ્રથમ મહિલાઓની સૂચિમાં સ્થાન મેળવવું એ આ ચારેય મહિલાની સિદ્ધિ જ ગણાશે!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત