AUS VS PAK: ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચમાં એક્સ્ટ્રા રનનો વરસાદ
મેલબોર્નઃ મેલબોર્નમાં અત્યારે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પહેલી ઇનિંગમાં 318 રન કર્યા બાદ કાંગારૂઓ ટીમે કેર વર્તાવ્યો છે. બીજા દિવસની રમતના અંતે 194 રનના સ્કૉર પર પાકિસ્તાનની 6 વિકેટો ઝડપી લીધી છે, પરંતુ આ મેચમાં અત્યાર સુધી એક્સ્ટ્રા રનનો વરસાદ થયો છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગમાં પાકિસ્તાનના બોલરોએ આપેલા એક્સ્ટ્રા રન મોંઘા પડ્યા હતા, જ્યારે કાંગારુ બોલરોએ એક્સ્ટ્રા રન આપવામાં કસર બાકી રાખી નહોતી.
પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન બેટરોએ બહુ આક્રમક રમત રમી શક્યા નહોતા, પરંતુ પાકિસ્તાની બોલરોએ એક્સ્ટ્રા રન આપવામાં પણ કોઈ કસર બાકી રાખી નહોતી, તેમાંય વળી વિકેટકિપર રિઝવાને તેમાં મોટું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન બેટસમેનોએ તબક્કાવાર વિકેટ ગુમાવી હતી, પરંતુ પાકિસ્તાની બોલરોએ બાવન રન એક્સ્ટ્રા આપ્યા હતા, જેમાં 20 રન બાય અને પંદર રન લેગ બાયના મળ્યા હતા.
વિકેટકિપર મહોમ્મદ રિઝવાને એકલા લેગબાયના 15 રન આપ્યા હતા, જ્યારે બે રન નોબોલ, અને પંદર વાઈડ આપ્યા હતા. કુલ મળીને બાવન રન એક્સ્ટ્રા આપ્યા હતા. જો બાવન રન એક્સ્ટ્રા ન આપ્યા હોત તો 300 રન પણ ઓસ્ટ્રેલિયા પાર કરી શક્યું નહોત.
ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે તેની છેલ્લી છ વિકેટ માત્ર 68 રનના ગાળામાં ગુમાવી દીધી હતી. એક સમયે કાંગારૂઓનો સ્કોર માત્ર 4 વિકેટે 250 રન કર્યા હતા, પરંતુ પાકિસ્તાની બોલરોએ કાંગારૂઓને 318 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 63 રન કર્યા હતા. જ્યારે મિચેલ માર્શે 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 41 રનની ઇનિંગ રમી હતી. મિચેલ સ્ટાર્ક 09 રન, કેપ્ટન પેટ કમિન્સ 13 અને નાથન લિયોને 08 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા.
પાકિસ્તાન માટે ફાસ્ટ બોલર આમિર જમાલ સૌથી સફળ રહ્યો હતો. આમિરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેણે માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે શાહીન શાહ આફ્રિદીએ ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરીને પેવેલિયન મોકલ્યા હતા. આ સિવાય મીર હમઝા અને હસન અલીને પણ બે-બે વિકેટ મળી હતી. સલમાન આગાએ પણ એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાને બીજા દિવસે 194 રને છ વિકેટ ગુમાવી છે. ઓપનર ઈમામ ઉલ હક માત્ર 10 રન કરી વહેલો આઉટ થઈ ગયો હતો, પરંતુ આ પછી શાન મસૂદ અને અબ્દુલ્લા શફીકે બીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. અબ્દુલ્લા શફીક 109 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 62 રન કરીને આઉટ થયો હતો. જ્યારે મસૂદ 76 બોલમાં 54 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ સિવાય બાબર આઝમ 1 રન, સઈદ શકીલ 9 રન અને આગા સલમાન 5 રન કરીને આઉટ થયા હતા. હવે મોહમ્મદ રિઝવાન 34 બોલમાં 29 રન કરીને અણનમ છે. તેની સાથે આમિર જમાલ 02 રન પર છે. પંચાવન ઓવરમાં પાકિસ્તાને છ વિકેટ ગુમાવીને 194 રનનો સ્કોર કર્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 22 રન એક્સ્ટ્રા આપ્યા છે. બે દિવસમાં બંને ટીમે અત્યાર સુધીમાં 74 રન એક્સ્ટ્રા રન આપ્યા છે, જ્યારે આગામી ત્રણ દિવસમાં એક્સ્ટ્રાનો સ્કોર ક્યાં પહોંચશે એ સમય કહેશે.