પાકિસ્તાન કાશ્મીરમાં બોમ્બ ફેંકે તો ભારત બેસી રહેશે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ભારતમાં કેટલાક નમૂના એવા છે કે જે ખાય છે તો ભારતનું પણ ભારતનું ખોદવામાં કોઈ કસર રાખતા નથી. એ લોકો મોં ખોલે ત્યારે મોટા ભાગે કંઈક ને કંઈક અવળવાણી જ નીકળતી હોય છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા આવા નમૂનાઓમાંથી એક છે. ફારુક અબ્દુલ્લાએ મોટું કાશ્મીર મુદ્દે ફરી ભારત-પાકિસ્તાન મંત્રણાની તરફેણ કરીને કહ્યું છે કે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે વાતચીત નહીં થાય અને કોઈ ઉકેલ નહીં શોધાય તો આપણી દશા પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થઈ જશે.
ગાઝા અને પેલેસ્ટાઈન પર ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે એ રીતે પાકિસ્તાન પણ ભવિષ્યમાં કાશ્મીર પર બોમ્બમારો કરતું હશે એવું આડકતરી રીતે ફારૂક અબ્દુલ્લાએ કહી દીધું છે. અબ્દુલ્લા નાટકબાજીમાં પાવરધા છે તેથી એવું પણ કહી દીધું કે, મને કહેતા દુ:ખ થાય છે કે આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભવિષ્ય તરફ ધકેલાઈ જઈશું. આજે ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે એ રીતે કાશ્મીરમાં પણ કંઈપણ થઈ શકે છે, ફક્ત અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે, અલ્લાહ અમારા પર દયા કરો.
ફારૂક અબ્દુલ્લાએ આ જ્ઞાનની સરવાણી ગયા સપ્તાહે પૂંછમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં વહાવી છે. ૨૧ ડિસેમ્બરે સાંજે લગભગ પાંચ વાગ્યે રાજૌરી-પૂંચ સેક્ટરના સુરનકોટ વિસ્તારમાં આતંકવાદીઓએ ભારતીય લશ્કરનાં બે વાહન પર હુમલો કરતાં ચાર જવાન શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરનાં વાહનો આતંકવાદીઓના સફાયો કરવા માટેના ઓપરેશન માટે જઈ રહ્યાં હતાં ત્યારે થયેલા હુમલામાં ત્રણ નાગરિકે પણ જીવ ગુમાવ્યા છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ૨૫ ડિસેમ્બરે જન્મદિવસ હતો. ફારૂક અબ્દુલ્લાએ મોકાનો લાભ લઈને વાજપેયીને પણ યાદ કરી લીધા ને કહી દીધું કે, વાજપેયીજીએ કહ્યું હતું કે મિત્રો બદલી શકાય છે પણ પાડોશી બદલી શકાતા નથી. આપણે આપણા પડોશીઓ સાથે સારી રીતે રહીશું તો બંને દેશ પ્રગતિ કરશે પણ દુશ્મનાવટને પોષીશું તો આગળ વધી શકવાના નથી. અબ્દુલ્લાના દાવા પ્રમાણે વડા પ્રધાન મોદી પણ એ જ કહે છે કે, યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી અને મુદ્દાઓને વાતચીતથી ઉકેલવા પડશે પણ વાતચીત ક્યાં થઈ રહી છે?
વેલ, ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીરની હાલત પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થશે તેની વાત કરી છે તેનો પહેલાં જવાબ આપી દઈએ. ગાઝા-પેલેસ્ટાઈન અને ઈઝરાયલની સમસ્યા અલગ છે ને બંનેની સરખામણી ના થઈ શકે પણ ફારૂકને લાગતું હોય કે, ભવિષ્યમાં પાકિસ્તાન કાશ્મીરમાં બોમ્બમારો કરશે ને આપણે હાથ પર હાથ મૂકીને બેસ રહીશું તો ફારૂકે તેમના મગજનો ઈલાજ કરાવવો જોઈએ.
પાકિસ્તાન ભારત પર બોમ્બ ફેંકે ને ભારત કશું કર્યા વિના બેસી રહે એટલું નબળું ૧૯૪૭માં પણ નહોતું ને અત્યારે ૨૦૨૩માં પણ નથી. ભારતે ૧૯૪૭માં પણ પાકિસ્તાનના આક્રમણનો તેની જ ભાષામાં જવાબ આપીને પાકિસ્તાનીઓને ઊભી પૂંછડીએ ભાગવાની ફરજ પાડેલી જ. જે ભૂલ થઈ એ રાજકારણીઓએ કરી, બાકી ભારતીય લશ્કરની મર્દાનગી એ વખતે પણ શંકાથી પર હતી ને આજે પણ શંકાથી પર છે.
આ મર્દાનગીનો પરચો પાકિસ્તાનને ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯માં મળેલો જ છે. આઝાદી પછીનાં ૨૫ વર્ષમાં પાકિસ્તાનનાં બે ઊભાં ફાડિયાં થઈ ગયાં એ ભારતને કારણ જ શક્ય બન્યું. ભારતીય આર્મી આજે પણ એ પરાક્રમ કરી જ શકે છે ને પાકિસ્તાનનાં બે નહીં પણ ચાર ફાડિયાં કરી શકે છે. ટૂંકમાં પાકિસ્તાન ભારતના જમ્મુ અને કાશ્મીર પર બોમ્બમારો કરે ને ભારત ચૂપચાપ તમાશો જોઈ રહેશે એ વાતમાં માલ નથી. પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનીઓને મારશે. ને જ્યાં સુધી અલ્લાહની મહેરબાનીનો સવાલ છે, અલ્લાહે પહેલાં જ તમારા પર દયા કરી દીધી છે ને એટલે જ તમે ભારત સાથે છો.
ફારૂકે ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાની તરફેણ કરી છે પણ સવાલ એ છે કે, મંત્રણાથી દૂર કોણ ભાગી રહ્યું છે? ભારતે તો વારંવાર પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે પણ પાકિસ્તાન જ પોતાની હરકતોથી દોસ્તીના હાથને ઝાટકી નાંખે છે. વાજપેયીજીએ પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવેલો ને બસ ભરીને પાકિસ્તાન ગયેલા. પાકિસ્તાને તેનો બદલો કારગિલમાં હુમલો કરીને આપ્યો. નરેન્દ્ર મોદી પોતે ૨૦૧૫માં સામે ચાલીને નવાઝ શરીફને મળવા માટે પાકિસ્તાન ગયેલા. વગર નિમંત્રણે મોદી પાકિસ્તાન ગયેલા ને સામેથી દોસ્તીની પહેલ કરેલી. પાકિસ્તાને તેના બદલામાં ઉરી અને પઠાણકોટમાં હુમલા કર્યા. પાકિસ્તાનની આ હરકતો પછી પણ આપણે વાતચીતની પિપૂડી વગાડ્યા કરીએ તો એ નામર્દાનગી કહેવાય. ભારતે એવા નામર્દ બનવાની જરાય જરૂર નથી.
ફારૂક ડહાપણ ડહોળે છે કે. યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી એ વાત સાચી છે પણ તેમણે યુદ્ધ કોણ કરી રહ્યું છે તેની વાત કરવી જોઈએ. ભારત તો યુદ્ધ કરી જ રહ્યું નથી. યુદ્ધ પાકિસ્તાન કરી રહ્યું છે, આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડીને અને ભારતીય જવાનો તથા નાગરિકોની હત્યા કરીને પાકિસ્તાન યુધ્ધ કરી રહ્યું છે, આતંકવાદીઓના ખભે બંદૂક મૂકીને પ્રોક્સી વોર ચલાવી રહ્યું છે.
પાકિસ્તાન જે દિવસે આ પ્રોક્સી વોર બંધ કરી દેશે એ દિવસે બધું સરખું થઈ જશે. બલ્કે વાતચીતની પણ જરૂર નહીં પડે ને આપોઆપ બધા પ્રશ્ર્નો ઉકેલાઈ જશે.
અત્યારે જે માહોલ છે એ જોતાં ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની નહીં પણ જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. પાકિસ્તાનના પીઠ્ઠુ આપણા જવાનો અને નાગરિકોને મારે છે એ સહન કરી શકાય તેમ નથી એ જોતાં ભારતે પાકિસ્તાન સાથે વાતચીત નહીં કઈ રીતે કરી શકાય એ વિશે નહીં પણ પાકિસ્તાનને પાંસરું કઈ રીતે કરી શકાય એ વિચારવાની જરૂર છે. ભારતને કનડતા આતંકીઓના નેટવર્કને કઈ રીતે રફેદફે કરીને કાયમ માટે આ કંકાસનો કાંટો કાઢી શકાય ને કાશ્મીરમાં કાયમ માટે શાંતિ સ્થાપી શકાય એ વિશે વિચારવાની જરૂર છે.