રામલલાના મોસાળથી અયોધ્યા આવશે 3000 મેટ્રિક ટન ચોખા, ભંડારાના પ્રસાદમાં થશે ઉપયોગ
છત્તીસગઢ: અયોધ્યામાં તૈયાર થઇ રહેલા ભવ્ય શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાનાર છે, અને આ સમારોહમાં દેશના દરેક ખૂણામાંથી કોઇને કોઇ ચીજવસ્તુ ભગવાનના ચરણોમાં સમર્પિત થઇ રહી છે, દાનની સરવાણી વહી રહી છે, ત્યારે છત્તીસગઢમાંથી 3000 મેટ્રિક ટન ચોખા અયોધ્યામાં મોકલાશે તેવી વિગતો મળી રહી છે.
છત્તીસગઢ એ ભગવાન શ્રીરામનું મોસાળ છે, જેમ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે તેમ છત્તીસગઢમાં પણ મહોત્સવમાં યોગદાન આપવા માટે ચોખાની ખેપ તૈયાર કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિષ્ણુદેવ સાય 28 ડિસેમ્બરે ચોખાથી ભરેલા ટ્રકને લીલી ઝંડી બતાવીને અયોધ્યા રવાના કરશે જે 30 ડિસેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મહાભંડારો યોજાનાર છે તેમાં આ ચોખાનો ઉપયોગ થશે. છત્તીસગઢના અનેક જિલ્લાઓમાંથી ચોખાની ગુણો એકત્રિત કરવામાં આવી રહી છે.
છત્તીસગઢના મનેન્દ્ર ગઢના ધારાસભ્ય તથા કેબીનેટ પ્રધાન શ્યામબિહારી જાયસ્વાલે જણાવ્યું હતું કે છત્તીસગઢ એ ભગવાન શ્રીરામના માતા કૌશલ્યાની જન્મભૂમિ છે આથી ભગવાન શ્રીરામ અમારા ભાણેજ થયા. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય રામમંદિર બની રહ્યું છે તેની ઉજવણી અમે અહીંયા પણ કરીશું. હું અહીંના તમામ લોકોને અપીલ કરી રહ્યો છું કે ભવ્ય રામમંદિરના ઉત્સવ નિમિત્તે પોતપોતાના ઘરોમાં દીપ પ્રગટાવી તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે. કેટલાક વિસ્તારોમાં કલશ ભ્રમણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
“તમામ રાઇસ મિલ મળીને પ્રદેશના 3000 ટન સારી ક્વોલિટીના ચોખા 28 ડિસેમ્બરે અયોધ્યા માટે રવાના કરી રહ્યા છે. તમામ ધાર્મિક સંગઠનો, સામાજીક સંગઠનો અને છત્તીસગઢના લાખો લોકો અન્નદાન માટે આગળ આવ્યા છે..” તેવું કેબીનેટ પ્રધાન શ્યામબિહારી જાયસ્વાલે ઉમેર્યું હતું.