મહારાષ્ટ્ર

મહાયુતિમાં ભંગાણના એંધાણ? લોકસભાની ચૂંટણીમાં શિંદે જૂથ જેટલી જ બેઠકો જોઇએ, છગન ભુજબળની માંગણી

નાસિક: મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારે કયો ભૂકંપ આવશે એની આગાહી કોઇ કરી શકે એમ નથી. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલ પાથલના એંધાણ પણ લાગી રહ્યાં છે. એક તરફ ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકો અને વડા પ્રધાનના પદને લઇને મતભેદો થવાની ચર્ચાઓ થઇ રહી છે ત્યાં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ભંગાણના એંધાણ લાગી રહ્યાં છે.

હાલમાં જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે લોકસભાની બેઠકોની વહેંચણી અંગે નિવેદન કરતાં મહાયુતિની સરકારમાં પણ મતભેદો થવાની શક્યાતાઓ વર્તાઇ રહી છે. છગન ભુજબળે શિંદે જૂથને જેટલી બેઠકો ફાળવવામાં આવશે તેટલી જ બેઠકોની માંગણી કરી છે. ત્યારે હવે આખરે મહાયુતિનો આ રથ ક્યાં જઇ અટકશે તે અંગે તો રાજકીય પંડિતો પણ ભવિષ્યવાણી કરી શકતાં નથી.

લોકસભાની ચૂંટણીને લઇને મહાયુતિ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે એવા સમયે જ છગન ભુજબળે બેઠકોની વહેંચણીને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે શિંદે જૂથના જેટલાં વિધાનસભ્યો મહાયુતિમાં સામેલ થયા છે તેટલાં જ વિધાનસભ્યો અમારા પણ છે, તેથી જેટલી બેઠકો શિંદે જૂથને મળશે તેટલી જ અજિત પવાર જૂથને પણ મળવી જોઇએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button