નેશનલ

ગાઢ ધુમ્મસનો સામનો કરવા માટે રેલવેએ કમર કસી, ટ્રેનોમાં 20,000 ફોગ પાસ ડિવાઈસ લગાવવાનો નિર્ણય

નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ઉત્તર ભારતના રાજ્યો પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જવા માંડે છે. આજે એટલે કે 27મી ડિસેમ્બરે ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસ રેલ્વે ટ્રાફિકને અસર કરે છે. જો કે, હવે ગાઢ ધુમ્મસને પહોંચી વળવા માટે રેલવેએ કમર કસી છે. રેલવે ટ્રેનોમાં ફોગ ડિવાઈસ લગાવવાનું કામ કરી રહ્યું છે. આ ફોગ પાસ ડિવાઈસની મદદથી ટ્રેનો ગાઢ ધુમ્મસમાં પણ વિલંબ વિના અને સુરક્ષિત રીતે દોડી શકશે.

રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેનોમાં લગભગ 19,700 જીપીએસ-આધારિત નેવિગેશન ઉપકરણો લગાવવામાં આવ્યા છે. આ ઉપકરણો ફોગ પાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ફોગ પાસ ઉપકરણો મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરતી વખતે ઓછામાં ઓછા વિક્ષેપ અને વિલંબ સાથે ટ્રેન ચલાવવામાં લોકો પાઇલટ્સને મદદ કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોગ પાસ ડિવાઈસની મદદથી ટ્રેનોનું સંચાલન સરળતાથી કરવામાં આવશે.


રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે અમે ફોગ ડિવાઈસની ખરીદી વધારીએ છીએ જેથી અમારી પાસે જરૂરિયાતના સમયે ઉપયોગ કરવા માટે ઉપકરણોનો પૂરતો સ્ટોક હોય. તેમણે જણાવ્યું કે માર્ચ 2021માં અમારી પાસે લગભગ 12,742 ફોગ પાસ ડિવાઇસ હતા. તેમણે કહ્યું કે નવી ટ્રેનોના આગમનને કારણે ટ્રેનોની સંખ્યા વધી રહી છે, તેથી અમે ફોગ પાસના સાધનોની ખરીદી પણ વધારી છે.


ફોગ પાસ ઉપકરણ શું છે?
રેલવે દ્વારા વર્ષ 2018માં ફોગ પાસ ડિવાઈસ રજૂ કરવામાં આવ્યું હતું. તે એક હેન્ડ-હેલ્ડ પોર્ટેબલ ડિવાઇસ છે જે લોકો પાઇલટ્સને ગાઢ ધુમ્મસમાં મદદ કરવા માટે આપવામાં આવે છે. આ ઉપકરણ તેમને સિગ્નલ, માનવ સહિત અને માનવરહિત ક્રોસિંગ ગેટ્સ, કાયમી ગતિ પ્રતિબંધો વગેરે જેવા નિશ્ચિત સ્થાન વિશે ઓનબોર્ડ રીઅલ-ટાઇમ માહિતી પ્રદાન કરે છે.


આ ઉપકરણ ભૌગોલિક ક્રમમાં આવતા ત્રણ નિશ્ચિત સ્થળને દર્શાવે છે અને જ્યારે આ સ્થળ 500 મીટરના અંતરે હોય ત્યારે ધ્વનિ સંદેશ પણ આપે છે. આ સાધન ટ્રેનના એન્જિનની ગતિ, ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં લાગતો સમય પણ દર્શાવે છે. તેનો ઉપયોગ તે રેલ્વે ઝોનમાં કરવામાં આવી રહ્યો છે જ્યાં ટ્રેનો ધુમ્મસ પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button