ઓસ્કાર વિનર ‘Parasite’ ફિલ્મનો અભિનેતા મૃત અવસ્થામાં મળી આવ્યો, આત્મહત્યાની શંકા
સિઓલ: ઓસ્કાર એવોર્ડ વિજેતા સાઉથ કોરિયન ફિલ્મ “પેરાસાઇટ” માં તેની ભૂમિકા માટે જાણીતા અભિનેતા લી સન-ક્યુન બુધવારે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં તેમણે આત્મહત્યામાં કરી હોવાનું જાણવા મળ્યું છે, તપાસ એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.
અહેવાલો મુજબ સેન્ટ્રલ સિઓલના એક પાર્કમાં કારમાં લી સન-ક્યુનનો મૃતદેહ મળી આવ્યો હતો. 48 વર્ષીય લી મારિજુઆના અને અન્ય સાયકોએક્ટિવ ડ્રગ્સના ઉપયોગ અંગે પોલીસ તપાસ હેઠળ હતો. સ્થાનિક સમાચાર પત્રોના અહેવાલ મુજબ આ સ્કેન્ડલને પગલે અભિનેતાને ટેલિવિઝન અને અન્ય કમર્શિયલ પ્રોજેક્ટ્સમાંથી દૂર કરવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીને મળવા ઈંચિયોન પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા પહેલા તેમણે ઓક્ટોબરના અંતમાં પત્રકારો સાથે સંક્ષિપ્તમાં વાત કરી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, “આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સામેલ થવાથી ઘણા લોકોને ભારે નિરાશા પહોંચાડવા બદલ હું દિલથી ક્ષમા ચાહું છું. હું મારા પરિવાર માટે દિલગીર છું, જે આ ક્ષણે આવી મુશ્કેલ પીડા સહન કરી રહ્યું છે.
દક્ષિણ કોરિયાની પ્રતિષ્ઠિત કોરિયા નેશનલ યુનિવર્સિટી ઓફ આર્ટ્સના સ્નાતક લીએ 2001 માં “લવર્સ” નામના ટેલિવિઝન સિટકોમથી અભિનયની શરૂઆત કરી હતી. બાદમાં વિવિધ ભૂમિકાઓ ભજવવા બદલ તેને ઘણા એવોર્ડ્સ મળ્યા હતા.
દિગ્દર્શક બોંગ જૂન-હોની 2019ની ઓસ્કાર-વિજેતા ફિલ્મ “પેરાસાઇટ” માં રોલ માટે વૈશ્વિક સ્તરે જાણીતા થયા હતા.
દક્ષિણ કોરિયામાં ગેરકાયદેસર ડ્રગ્સ પર અત્યંત કડક કાયદાઓ છે, આ વર્ષે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ડ્રગ હેરફેર કરનારાઓ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા.