PAK Vs AUS 2nd Test: બીજા દિવસે પાકિસ્તાનની ઘાતક બોલિંગ, ઓસ્ટ્રેલિયન ટીમ આટલા રનમાં જ સમેટાઈ
મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયન બેટ્સમેનનો દબદબો જોવા મળ્યો હતો ત્યાર બાદ બીજા દિવસે પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાની બોલરોએ બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બાકીના સાત બેટ્સમેનોને માત્ર 131 રનમાં જ આઉટ કરી દીધા હતા. ઓસ્ટ્રેલીયન ટીમ લંચ પહેલા 318 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને એક વિકેટ ગુમાવીને 89 રન બનાવી લીધા છે.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર આમર જમાલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. વરસાદથી પ્રભાવિત થયેલા પહેલા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 187 રન રહ્યો હતો અને ટીમ સારી સ્થિતિમાં દેખાઈ રહી હતી. મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે 187 રનથી ઇનિંગ આગળ વધારી હતી. પહેલા દિવસે અણનમ રહેલા બેટ્સમેન માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે દિવસની બીજી ઓવરમાં ટીમને 200 રન સુધી પહોંચાડી દીધી હતી, પરંતુ તરત જ હેડની વિકેટ પડી હતી.
આ પછી લાબુશેને મિચેલ માર્શ સાથે પાંચમી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટેલિયન બેટિંગ ફરી સ્થિર થતી જોવા મળી રહી હતી, ત્યારે આમિર જમાલે લુબશાન(63)ને અબ્દુલ્લા શફીકના હાથે કેચ આઉટ કરાવીને ટીમને મહત્વની સફળતા અપાવી હતી. સેટ બેટ્સમેન લાબુશેનને આઉટ થયા બાદ ટીમ સતત વિકેટો ગુમાવતી રહી. આખી ટીમ બીજા દિવસના પ્રથમ સેશનમાં જ 96.5 ઓવરમાં 318 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ફાસ્ટ બોલર આમિર જમાલે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે શાહીન આફ્રિદી, મીર હમઝા અને હસન અલી પણ બે-બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાન હાલમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 0-1 પાછળ છે. ઓસ્ટ્રેલિયન ટીમે પર્થમાં પ્રથમ ટેસ્ટ 360 રનથી જીતી હતી. સિરીઝની ત્રીજી ટેસ્ટ 3 જાન્યુઆરી 2024થી રમાશે.