ચંડીગઢ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બુધવારે વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ વીરેન્દ્ર આર્ય અખાડા પહોંચીને બજરંગ પુનિયા અને અન્ય રેસલર્સને મળ્યા હતા. છારા રેસલર દીપક પુનિયાનું ગામ છે. રેસલર્સ દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીને મળ્યા બાદ બજરંગ પુનિયાને રાહુલ ગાંધીની મુલાકાત અંગે કહ્યું કે તેઓ અમારી રોજની કુસ્તીની દિનચર્યા સમજવા અને જોવા આવ્યા હતા. તેમણે અમારી સાથે કુસ્તી પણ કરી અને કસરત પણ કરી.
એક અહેવાલ મુજબ, રાહુલ ગાંધી બુધવારે રોહતકની મુલાકાત પણ લઈ શકે છે, જ્યાં તેઓ કુસ્તીના કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ દેવ કોલોની સ્થિત મેહર સિંહ અખાડાની પણ મુલાકાત લઇ શકે છે. એવું માનવામાં આવે છે કે તેઓ રોહતક જતા સમયે ઝજ્જરમાં કુસ્તીબાજોને મળ્યા હતા.
રેસલર્સ સાથે રાહુલ ગાંધીની મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અંગે ફરી વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં WFIનું નવું સંગઠન રદ કર્યું છે. એટલું જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. સંજય સિંહને બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનનો આરોપ છે.
Taboola Feed