અમદાવાદ: ફ્રાન્સમાં ચાર દિવસ સુધી ફસાયેલા રહ્યા બાદ ભારતથી ઉપડેલી ‘ડંકી ફ્લાઈટ’ ગઈ કાલે મુંબઈ પરત ફરી હતી. જેમાં ૩૦૩માંથી 276 મુસાફરો પરત ફર્યા છે. નિકારાગુઆ જઈ રહેલા રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના આ પ્લેનને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું, ફ્રાન્સની ઓથોરીટીને શંકા હતી કે ફ્લાઇટ એરબસ એ340 દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી હતી. ભારતીય એજન્સીઓ મુસાફરોની પૂછપરછ કરી રહી છે, આ મામલાની તપાસમાં ગુજરાત પોલીસે એન્ટ્રી કરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ ફ્લાઇટમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતના છે, જે બાદ હવે ગુજરાત પોલીસ મુસાફરોની પૂછપરછ કરશે. લોકોને ખોટા સપના બતાવીને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતી ગેંગના એજન્ટો અને તેમના નેટવર્કને શોધી કાઢવાનો પ્રયાસ પોલીસે શરૂ કર્યો છે. આ માટે કેટલીક ટીમો બનાવવામાં આવી છે.આ ટીમો ફ્લાઈટમાં પરત ફરેલા મુસાફરોની પૂછપરછ કરશે.
ગુજરાત સીઆઈડી ક્રાઈમની ટીમે એવા લોકોની શોધ શરૂ કરી છે જેમણે ફ્લાઈટમાં સવાર મુસાફરોને અમેરિકા અને અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા અપાવવાનું વચન આપ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો ભોગ બનેલા લોકોને પૂછશે કે તેમને કેવા વચનો આપવામાં આવ્યા હતા. ફ્લાઇટમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના છે. જ્યારે આ મુસાફરો મુંબઈથી ગુજરાત પહોંચશે ત્યારે પોલીસ તેમની પૂછપરછ કરશે.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મુસાફરોને અમેરિકા અને અન્ય દેશોમાં જવા માટે આપવામાં આવેલા દસ્તાવેજો કેવી રીતે બનાવવામાં આવ્યા. આ રીતે કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે અને કોણ આ રીતે પ્રવાસ કરવા માંગે છે તે પણ જાણવા મળશે. ગેરકાયદેસર ઘૂસણખોરીમાં સામેલ અલગ-અલગ એજન્ટો સાથે મળીને કામ કરે છે. ગ્રામ્ય અને જિલ્લા સ્તરે કામ કરતા એજન્ટો આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કિંગપિન દ્વારા નિયંત્રિત થાય છે.
આ ફ્લાઈટને ડંકી ફ્લાઈટ પણ કહેવામાં આવી રહી છે, કારણ કે યુરોપિયન દેશો અને અમેરિકામાં દસ્તાવેજો વિના પ્રવેશ કરનારા લોકોને ડંકી કહેવામાં આવે છે.
નિકારાગુઆ જતી ફ્લાઈટ થોડા સમય માટે વેટ્રી એરપોર્ટ પર રોકાઈ હતી, ત્યારબાદ 25 પેસેન્જર્સે ફ્લાઈટમાં ચઢવાની ના પાડી દીધી હતી. આ મુસાફરોએ ફ્રાન્સ પાસેથી આશ્રય માંગ્યો હતો. આ 25 લોકો હજુ પણ ફ્રાન્સમાં છે.
Taboola Feed