નવી દિલ્હી: ઉત્તરભારત સહિત દિલ્હી એનસીઆરમાં ઠંડી તેની ચરમ સીમાએ પહોંચી ગઇ છે. ઠંડીની સાથે સાથે વધી રહેલ ધૂમ્મસને કારણે લોકોને ભારે કનડગત થઇ રહી છે. દિલ્હી જાણે ધૂમ્મસની ચાદરમા સંતાઇ ગઇ છે. ધૂમ્મસને કારણે નજીકની વસ્તુ પણ દેખાઇ નથી રહી. જેને કારણે રસ્તા પર વાહનો કીડીની ગતીએ જઇ રહ્યાં છે. સ્કૂલ, કોલેજ અને નોકરી માટે જવા નિકળેલા લોકોને આ ધૂમ્મસને કારણે ભારે તકલીફ થઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી એનસીઆર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાનમાં આવેલ ફેરફારોને કારણે દિલ્હીમાં મંગળવારે પણ ધૂમ્મસ થવાયેલું રહ્યું. આઇજીઆઇ એરપોર્ટ સહિત દિલ્હીના ઘણાં વિસ્તારોમાં દ્રષ્યતા શૂન્ય હતી. પ્રાદેશિક હવામાન ખાતા મુજબ મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયુ હતું. જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું.
બુધવારે હવાની દિશામાં ફેરફાર આવી શકે છે. અંદાજો છે કે ઉત્તર-પશ્ચિમ દિશાથી ઠંડા પવનો ફૂંકાશે. હવામાન ખાતા દ્વારા બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાત દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ દિવસ દરમીયાન આકાશ સ્વચ્છ રહેશે. પણ વહેલી સવારે ઘણી જગ્યાએ ધૂમ્મસ છવાયેલું રહેશે. દરમીયાન મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સીયસ રહેવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની આગાહી મુજબ ઠંડા પવનોને કારણે દિવસ દરમીયાન તાપમાન ઓછું થઇ શકે છે.
1 જાન્યુઆરી સુધી દિલ્હીમાં સવારે ધૂમ્મસ રહેવાની શક્યાતાઓ છે. હવામાન ખાતા મુજબ મંગળવારે મુંગેશપુરમાં લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જે અન્ય વિસ્તારો કરતાં સૌથી ઓછું હતું અને ઠંડુ હતું. લોદી રોડ સાત ડિગ્રી સેલ્સિયસની સાથે બીજા નંબર પર હતું.
ધૂમ્મસને કારણે મંગળવારે પણ રાજધાનીની વિમાન અને રેલ સેવા ખૂબ જ પ્રભાવિત થઇ હતી. રસ્તા પર વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. ઘણી જગ્યાએ સવારે ટ્રાફીકજામની સમસ્યા સર્જાઇ હતી. એરપોર્ટના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ દિલ્હીમાં ધૂમ્મસની પરિસ્થિતી આગામી 24 કલાક સુધી રહેશે.
હવામાન ખાતા દ્વારા 30 ડિસેમ્બરના રોજ નોર્થ ઇસ્ટના ઘણાં રાજ્યો, તમિળનાડૂ, કેરલ અને પુડુચેરીમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેથી હવામાન ખરાબ હોવાને કારણે દિલ્હી ઉપરાંત ઘણાં રાજ્યોમાં ધૂમ્મસની ચાદર જોવા મળશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને