ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના નિયમ જાહેર કરાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં લિકર પરમિશન અંગે નિયમો મંગળવારે સરકારે જાહેર કર્યો હતા. અધિકૃત અધિકારીની મંજૂરી બાદ જ ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને મુલાકાતીઓ દારૂનું સેવન નિયત રેસ્ટરાં કે શોપમાં કરી શકશે.
જાહેર કરવામાં આવેલા નિયમો અનુસાર હોટેલ, કલબ, રેસ્ટરાંને લાઇસન્સ મળશે. માત્ર અધિકૃત અને મુલાકાતીઓ લિકરનું સેવન કરી શકશે. તથા ગિફ્ટ સિટીના કર્મચારીઓએ લિકર એક્સેસની મંજૂરી લેવી પડશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત અધિકારી દ્વારા પરમિટ અપાશે.
નશાબંધી નિયામકે જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ કામગીરી કરશું. અધિકૃત રીતે મુલાકાત લઈ રહેલા મુલાકાતીઓને પરમિશન મળશે. પરમિટ માટે એફએલ પ્રકારનું લાઇસન્સ મેળવવાનું રહેશે. આ લાઇસન્સધારકે ખરીદેલા જથ્થાની માહિતી રાખવી પડશે. દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવી શકાશે નહીં. તથા ૨૧ વર્ષથી વધુ વયના વ્યક્તિ જ દારૂનું સેવન કરી શકશે. અન્ય રાજ્યના અને વિદેશી નાગરિકોને પરમિટ અપાશે. દારૂનું સેવન કરતા વ્યક્તિએ જરૂરી દસ્તાવેજ રાખવા પડશે તેમ જ સમગ્ર વિસ્તાર સીસીટીવી
સર્વેલન્સમાં રહેશે. લાઇસન્સ જે સ્થળનું મંજૂર હોય ત્યાં સેવન કરી શકાશે. જેમાં અન્ય સ્થળે દારૂનું સેવન કરી શકાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની પીવાની છૂટ આપતા માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૭ લોકોએ ગિફ્ટ સિટી કલબની મેમ્બરશિપ મેળવી હોવાનું જ જાણવા મળ્યું છે. હવે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવન માટે જરુરી એસઓપી તૈયાર કરવામાં આવશે. જેમાં ગૃહ વિભાગના મુખ્ય સચિવ, ગાંધીનગર કલેકટર અને નશાબંધી આબકારી વિભાગના મુખ્ય અધિકારીની કમિટી તૈયાર કરવામાં આવી છે. આવતી કાલથી ગિફટ સિટીમાં દારૂના સેવન અને વેચાણ બાબતે બેઠકો શરૂ થશે. જેમાં કેટલાંક મુદાઓ તૈયાર કરવામાં આવ્યા છે તે મુદ્દા આધીન ચર્ચા કરવામાં આવશે. આવતી કાલે બેઠકમાં ચર્ચા થનાર કેટલાંક મુદ્દાઓ જાહેર કરવામાં આવ્યા છે. એસઓપી નક્કી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. દરમિયાન લાઇસન્સ ધારક લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટધારક જો કાયદો, નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.