અમારી પાસે ચાર વડા પ્રધાનપદના ઉમેદવાર: સંજય રાઉતનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની આગામી ચૂંટણી માટે ઈન્ડિયા આઘાડી પાસે વડા પ્રધાનપદનો ઉમેદવાર જ ન હોવાની ટીકા થઈ રહી છે. સોમવારે એનસીપીના નેતા અજિત પવારે એવું નિવેદન કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ દેખાતો નથી. આનો જવાબ આપતાં શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે ઈન્ડિયા આઘાડી પાસે એક નહીં ચાર નેતાઓ એવા છે જે વડા પ્રધાન બની શકે છે.
મહાયુતિ પાસે છેલ્લા દસ વર્ષથી એક જ ચહેરો છે, પરંતુ ઈન્ડિયા આઘાડીની સરકાર આવશે તો ચારમાંથી કોઈપણ વડા પ્રધાન બની શકે છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખર્ગે અને ઉદ્ધવ ઠાકરેમાંથી કોઈપણ વડા પ્રધાન બની શકે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રકાશ આંબેડકરની સાથે ચર્ચા ચાલી રહી છે. 24-24 એ તેમનો પહેલાથી પ્રસ્તાવ છે. વંચિતને સન્માનભેર સામેલ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીનો પરાજય નહીં થાય તો બધાએ તિહાર જેલમાં જવું પડશે એવું પ્રકાશ આંબેડકરનું માનવું છે. બાબાસાહેબનો વારસો જાળવી રહ્યા હોવાથી તેઓ અમારી સાથે જ છે, એમ રાઉતે કહ્યું હતું.
મંદિરમાં જનારા ભક્ત હોય છે, પરંતુ નરેન્દ્ર મોદી મંદિરમાં જનારા એકમાત્ર વીઆઈપી છે. ભગવાન વિષ્ણુના 13મા અવતાર પ્રભુ શ્રીરામને આંગળી પકડીને મંદિરમાં લઈ જઈ રહ્યા છે એવા પોસ્ટરો તેમણે લગાવ્યા છે. અમે સામાન્ય તરીકે રામજન્મભૂમિ આંદોલનમાં જોડાયા હતા ત્યારે અત્યારના વીઆઈપી ક્યાં હતા? બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે આ લોકો ક્યાં ભાગી ગયા હતા? બાળ ઠાકરેએ આગળ વધીને જવાબદારી લીધી હતી, એમ પણ તેમણે કહ્યું હતું.