હવે પાટનગર દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનો કોલ મળતા પ્રશાસન હરકતમાં
નવી દિલ્હી: મુંબઈમાં આરબીઆઈ સહિત અન્ય બેંકોમાં બોમ્બ રાખ્યા હોવાના ધમકીભર્યા કોલ પછી પાટનગર દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી નજીક બોમ્બ વિસ્ફોટના કોલને કારણે દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
પાટનગર દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયલ એમ્બેસીના પાછળ આવેલા એક પ્લોટમાં વિસ્ફોટ કરવાનો ફોન કર્યો હતો. બોમ્બ વિસ્ફોટ કરવાનો કોલ મળ્યા પછી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઈઝરાયલ એમ્બેસી નજીક વિસ્ફોટ કરવાનો કોલ મળ્યા પછી ફાયરબ્રિગેડ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં કંઈ સંદીગ્ધ મળ્યું નથી. આ મુદ્દે મંગળવારે દિલ્હીના અગ્નિશામકને એક અજાણી વ્યક્તિએ ફોન કરી ઈઝરાયલ એમ્બેસીના પાછળ આવેલા એક પ્લોટમાં વિસ્ફોટ થયો હોવાની માહિતી આપી હતી. સાંજના છ વાગ્યાના સુમારે કોલ મળ્યા પછી પોલીસ અને પ્રશાસન એલર્ટ થઈ ગયું હતું અને ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી. પણ કોઈ માહિતી ન મળતા આ બોગસ કૉલ કરનારાની તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઈઝરાયલ એમ્બેસીના પાછળના એક પ્લોટમાં વિસ્ફોટનો અવાજ ત્રણ-ચાર લોકોને આવ્યો હતો, પણ આ બ્લાસ્ટ કઈ રીતે થયો હતો તેની કોઈ માહિતી મળી નથી. આ બ્લાસ્ટ અવાજ પાછળનું કારણ જાણવા માટે પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે.