આમચી મુંબઈ

પિતા પણ પુત્રીની સંભાળ રાખવા સક્ષમ: હાઈ કોર્ટ

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બાળકોની સંભાળને લઈને એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જે રીતે માતા બાળકની સંભાળ રાખવામાં સક્ષમ હોય છે, પછી તે પુત્ર હોય કે પુત્રી. તેવી જ રીતે પિતા પણ બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ છે. તેથી ફક્ત જાતિના આધારે પિતાને તેની પુત્રીની સંભાળ રાખવા માટે અસમર્થ ગણવું સંપૂર્ણપણે અયોગ્ય છે. કોર્ટે વધુમાં કહ્યું કે અમે એ હકીકતને નજરઅંદાજ કરી શકીએ નહીં કે દીકરી બંને માતા-પિતાના સમર્થનને પાત્ર છે. માતા-પિતાનું રક્ષણ અને સંભાળ મેળવવી એ દીકરીનો મૂળભૂત માનવ અધિકાર છે. તેને આનાથી વંચિત ન રાખી શકાય.

આ રીતે કોર્ટે પત્નીને 15 દિવસમાં પુત્રીની કસ્ટડી પિતાને સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ પત્નીના વકીલે કોર્ટને તેના નિર્ણય પર છ અઠવાડિયા માટે રોક લગાવવા વિનંતી કરી હતી. જેથી તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે. આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેના નિર્ણય પર ચાર અઠવાડિયા માટે રોક લગાવી દીધી છે. આ સમયગાળા દરમિયાન પુત્રીની કસ્ટડી માતા પાસે રહેશે. કોર્ટે કહ્યું કે જો પત્ની તેની પુત્રી સાથે અમેરિકા જવા ઈચ્છે તો તે તેના વકીલ મારફતે પતિને જાણ કરી શકે છે. કોર્ટે પતિને પત્નીને દર મહિને 500 યુએસ ડોલર આપવાનો નિર્દેશ આપ્યો હતો, જે તેના અંગત ખર્ચ માટે હશે.

જસ્ટિસ રેવતી મોહિતે ઘરે અને જસ્ટિસ ગૌરી ગોડસેની ખંડપીઠે ગ્રીન કાર્ડ ધારક બાળકીના પિતાની અરજી પર સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો છે. ખંડપીઠે કહ્યું કે આ મામલામાં છોકરીના પિતાનો ઈરાદો સારો જણાઈ રહ્યો છે. માતા માટે અયોગ્ય રીતે તેની પુત્રીને તેના પિતાના સ્નેહથી વંચિત રાખવું યોગ્ય નથી. પત્ની અમેરિકા જવા માગતી નથી. આ આધાર પર એક પિતાને તેની પુત્રી પાસેથી છીનવી શકાય નહીં.

ભારતમાં પુત્રીને અમેરિકા લઈ જવાની પરવાનગી નકારવા માટે પતિ વિરુદ્ધ છૂટાછેડાની કાર્યવાહી માન્ય હોઈ શકે નહીં. અરજીમાં પતિએ તેની પાંચ વર્ષની પુત્રીને અમેરિકા લઈ જવાની પરવાનગી માગી હતી. 31 જાન્યુઆરી 2023ના રોજ માતા તેની પુત્રીને અમેરિકાથી મુંબઈ લઈ આવી હતી. થોડા સમય માટે પત્નીએ અમેરિકામાં રહેતા તેના પતિ સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો, પરંતુ બાદમાં જ્યારે પતિએ તેની માગણી પૂરી કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે તેની સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. અમેરિકન નાગરિકે દાવો કર્યો હતો કે તેની પત્નીનું તેના સાસરિયાઓએ બ્રેઈનવોશ કર્યું હતું. તેથી તે અમેરિકા પરત ફરવા તૈયાર નથી. પત્નીએ પુત્રીને ગેરકાયદેસર રીતે પોતાની કસ્ટડીમાં રાખી છે. દીકરીનો જન્મ અમેરિકામાં થયો હતો. તેથી તે અમેરિકન નાગરિક છે. અમેરિકા પરત ન ફરવા પાછળ પત્નીએ કોઈ નક્કર કારણ જણાવ્યું નથી. પત્નીએ તેના પતિના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button