ઉદ્ધવ ઠાકરે માટે નારાયણ રાણેએ કર્યું વિવાદાસ્પદ નિવેદન
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીનો સમય નજીક આવ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના બે જૂથ પડતાં બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. શિંદે જૂથ અને અજિત પવાર જૂથ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાતા આ દરેક પક્ષોના નેતાઓ એકબીજા પર ટીકા કરી રહ્યા છે. ભાજપના નેતા નારાયણ રાણેએ શિવસેના ઉદ્ધવ જૂથના વડા ઉદ્ધવ ઠાકરેની ડાગળી ચસકી ગઈ છે એવું નિવેદન આપ્યું હતું.
ભાજપ સત્તામાં આવ્યા બાદ રામ મંદિરના નિર્માણ કાર્ય શરૂ થયું, તે હવે પૂરું થવા આવ્યું છે. રામ મંદિર કોણે બાંધ્યું છે તે ઉદ્ધવ ઠાકરે સિવાય દરેક દેશવાસીઓને ખબર છે. ઉદ્ધવ ઠાકરેને સારું કઈ દેખાતું નથી, એટ્લે હું કહું છું કે તેમની ડાગળી ચસકી ગઈ છે. તેઓ સત્તા પરથી દૂર થયા બાદ તેમને શું બોલવું જોઈએ તે સમજાતું નથી એવું કહી રાણેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર કોની મિલકત છે કે? એવો પ્રશ્ન કર્યો હતો. ઠાકરેના આ પ્રશ્નનો જવાબ આપતા રાણેએ કહ્યું હતું કે રામ આ ભગવાન છે, તે ભાજપની મિલકત નથી. રામની યાદ ભાજપે રાખી અને મંદિર ભાજપે બનાવ્યું હવે લોકોએ નક્કી કરવું જોઈએ કે રામ મંદિરનો શ્રેય કોને આપવો જોઈએ. ઠાકરેએ આ બાબતે કઈ બોલવાની જરૂર નથી.
2024ની લોકસભાની ચૂંટણીમાં શિવસેના ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપી શરદ પવાર જૂથ એક સાથે મળીને ઈન્ડિયા ગઠબંધનથી ચૂંટણીમાં ઉતરવાના છે. એ બાબતે રાણેએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન ચૂંટણી હારવા માટે તૈયાર છે. તેમને લોકોનો સાથ મળશે નહીં. હાલમાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં શું થયું તે સામે છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના એક પણ સભ્ય ચૂંટાઈને આવશે નહીં. અમે કોઈને પૈસા દઈને કરવામાં આવેલા સર્વેમાં માનતા નથી. લોકસભા ચૂંટણીમાં અમારો જ વિજય થશે એવો વિશ્વાસ રાણેએ વ્યક્ત કર્યો હતો.