બોલો, આ કારણસર દક્ષિણ આફ્રિકાની મેચમાં જાડેજાને સ્થાન મળ્યું નહીં…
સેન્ચુરિયનઃ વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર પછી રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ સહિત અન્ય સિનિયર ક્રિકેટરની વાપસી થઈ હતી, પરંતુ ટોસ જીત્યા પછીની ટીમમાં પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહીં હોવાથી લોકોને આશ્ચર્ય થયું હતું.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી આજથી શરુ થઈ હતી. સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેને પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓ મેદાનમાં પરત ફર્યા હતા.
કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે રવિન્દ્ર જાડેજાનું નામ નહોતું. રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુર બંનેને ટીમમાં જગ્યા મળી પરંતુ જાડેજાનું નામ ન હતું. રોહિતે કહ્યું કે ઈજાની સમસ્યાને કારણે જાડેજા ટીમમાં નથી.
રોહિત શર્માએ કહ્યું હતું કે જાડેજાએ મેચના દિવસે કમરમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. તે પ્રથમ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. આજની મેચમાં આશ્ચર્ય બીજી વાતનું એ હતું કે ટોસ વખતે રોહિત શર્માએ નક્કી કર્યું નહોતું કે જો ટોસ જીતે તો શું લેશે બોલિંગ કે બેટિંગ. આમ છતાં ટોસ હાર્યા પછી પણ રોહિતે ખુશી વ્યક્ત કરી હતી.