10માં અને 12માં ધોરણ માટે સીબીએસઇ બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
મુંબઈ: મહારાષ્ટ્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની દસમી અને બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની છે. એક જાન્યુઆરી 2024થી દસમી અને બારમાં ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે અને 19 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી 12માં ધોરણની બોર્ડ પરીક્ષા અને ત્યારબાદ 15 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ 2024 દરમિયાન 12માં ધોરણની પરીક્ષાઓ લેવામાં આવશે.
સીબીએસઇ દ્વારા રાજ્યની દરેક શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવા માટે વિદ્યાર્થીઓને દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવાનો આદેશ આપ્યો છે. બોર્ડ પરિક્ષાની માહિતી દરેક વિદ્યાર્થી તથા તેમના વાલીઓને પણ આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરવામાં આવે.
બોર્ડ પરીક્ષામાં બેસનાર અપંગ વિદ્યાર્થીઓ માટે શાળાની ઇમારતની યોગ્ય રચના હોવી જોઈએ જેથી તેમને વર્ગમાં પહોંચવા કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવો આદેશ રાજ્યની દરેક શાળાઓને આપવામાં આવી છે. આ વર્ષે 10માં અને 12માં ધોરણમાં પ્રશ્ન પેપરના ફૉમેટમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.
સીબીએસઇના 10માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ 19 ફેબ્રુઆરી 2024એ સંસ્કૃતના પેપર સાથે શરૂ થશે ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ હિન્દી, 26 ફેબ્રુઆરીએ અંગ્રેજી, બે માર્ચ 2024એ વિજ્ઞાન, ચાર માર્ચના રોજ હોમ સાયન્સ, સાત માર્ચે સામાજિક વિજ્ઞાન, 11 માર્ચે ગણિત અને છેલ્લે 13 માર્ચે માહિતી તંત્રજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. 12માં ધોરણની પરીક્ષાઓના કલા, વાણિજ્ય અને વિજ્ઞાન આ ત્રણેય સ્ટ્રીમની પરીક્ષાઓનું સમયપત્રક સીબીએસસીની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યું છે.