નશામુક્ત ગુજરાત અભિયાન સંદર્ભે રાજકોટમાં NDPS આરોપી મેન્ટર પ્રોગ્રામ યોજાયો
રાજકોટ: હાલ ગુજરાત રાજ્યમાં મોટાભાઈ નશાકારક પદાર્થોનું સેવન થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ જ્યારે પકડાઈ રહ્યું છે ત્યારે તે ચિંતાનો વિષય છે જ. રાજકોટ ખાતે નશામુક્ત ગુજરાતના નિર્ણયને સાર્થક કરવા માટે ગુજરાત ડીજીપીના સીધા માર્ગદર્શન નીચે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ હેડ ક્વાટર ખાતે NDPS આરોપી મેન્ટર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
લગભગ સવાસો લોકો જે ભૂતકાળમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા હતા કે નશો કરતા હતા તેવા લોકોએ આ સેમિનારમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમ્યાન નશો એક સ્વયંમનો વિનાશ છે તેવો પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો.
પ્રોફેસર મીનુ જસદણવાળાના સહયોગથી રાજકોટ શહેર પોલીસ દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત લોકોને ફિલ્મ દ્વારા અને મોટિવેશનલ વાતો દ્વારા ભવિષ્યમાં નશાકારક પદાર્થ થી કેવી રીતે દૂર રહેવું અને સમાજમાં સારા કાર્યો કરવા તથા કુટુંબને કઈ રીતે સાથ અને સહકાર આપી સમાજમાં સારા કાર્યો કરવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ડ્રગ્સ નાબુદી અભિયાન અંતર્ગત NDPS આરોપી મેન્ટર પ્રોગ્રામ દરમિયાન ભૂતકાળના આરોપીઓને કાર્યક્રમ વિશે પૂછતા સકારાત્મક પ્રત્યુતર મળ્યા હતા. તેમના કહેવા પ્રમાણે રાજકોટ NDPSના કેસમાં અગાઉ આરોપીઓ પકડાયા હતા તેમનામાં પરિવર્તન આવે તેની સમજ અપાઈ તેનાથી તેમની સમજણશક્તિમાં પરિવર્તન આવ્યું છે.
શહેરના 133 આરોપીને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બોલાવીને પ્રોફેસર મીનુ જસદણવાળા પાસે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
તમામ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ડ્રગ્સ વહેંચતુ કોઈ જણાઈ તો શહેર પોલીસનો સંપર્ક કરવા પોલીસ કમિશ્નરની અપીલ સકારાત્મક અભિગમ સાથે તમામ લોકોએ સ્વીકારી હતી. નશાની આદત પાડવા માટે એક મોડેસ ઓપરેન્ડી અસ્તિત્વમાં છે તે મુજબ શરૂઆતમાં કિશોરાવસ્થા તથા યુવાવસ્થાના લોકોને ટાર્ગેટ બનાવી અને મફતમાં નશો કરવા માલ આપે છે અને જ્યારે નશાના આદિ બની જાય છે ત્યારે મોટી રકમના બદલામાં નશાકારક પદાર્થો વહેંચવામાં આવે છે અને પૈસાની જરૂરિયાત ઊભી થતા આગળ જતા આવા જ લોકો ડ્રગ્સ વેચવાના રેકેટમાં ફસાઈ છે એટલે યુવા પેઢી એ તથા ખાસ કરીને મા બાપે બાળકોનું ખૂબ ધ્યાન રાખવું પડે તેવી હાલની પરિસ્થિતિ છે.