બીએમસી ‘એક્શન મોડ’માં; 5,572 ત્યજી દેવાયેલા વાહનો કર્યા જપ્ત!

મુંબઇઃ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પર અવરોધ ઉભો કરતા ત્યજી દેવાયેલા વાહનોને જપ્ત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 5,572 ત્યજી દેવાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. બીએમસી દ્વારા સ્વચ્છ અને સુંદર મુંબઈ માટે નવા નિયમો જારી કરવામાં આવ્યા છે જે મુજબ મ્યુનિસિપલ કમિશનર ડો. ઈકબાલ સિંહ ચહલે સંબંધિત આસિસ્ટન્ટ કમિશનરો અને વોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને ત્યજી દેવાયેલા વાહનોને જપ્ત કરવાના આદેશો આપ્યા છે.
મુંબઇના રસ્તાઓ પહેલેથી જ સાંકડા છે અને એમાં બંને તરફ લોકો વાહન પાર્કિંગ કરી દેતા હોય છે, જેને કારણે વાહનચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડે છે. હવે મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ વહીવટીતંત્ર દ્વારા રસ્તાની બાજુમાં મુકાયેલા અને ટ્રાફિકને અડચણરૂપ બનેલા વાહનોને ઉપાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નગરપાલિકાને ત્યજી દેવાયેલા વાહનો અંગે મોટી સંખ્યામાં ફરિયાદો મળી રહી છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ નગરપાલિકા પ્રશાસનને આ અંગે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે કારણ કે આવા વાહનો ટ્રાફિકમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. જે બાદ નગરપાલિકા પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવે. જપ્ત કરાયેલા વાહનોને સંબંધિત વિભાગની કચેરીઓના ડમ્પિંગ યાર્ડમાં રાખવામાં આવ્યા છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ પ્રતિસાદ ના મળે, તો જપ્ત કરાયેલા વાહનોની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી હરાજી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં હરાજી પ્રક્રિયા દ્વારા પાલિકાની તિજોરીમાં રૂ.4,70,81,979ની આવક જમા થઇ છે.