નેશનલ

‘પીધેલા પર્યટકોને હોટલ પરત મુકી જવાશે, જેલભેગા નહિ કરાય…’, હિમાચલના સીએમનું મોટું નિવેદન

હિમાચલ પ્રદેશ: “જો કોઇ પર્યટક વધુ ઝૂમી જાય તો તેને હવાલાતમાં ન મોકલતા, તેમને હોટલમાં મુકી આવી આરામથી સુવડાવી દેજો. તેમને મનમાં એવું ન થાય કે તે એન્જોય કરવા આવ્યો હતો પરંતુ સજા ભોગવી રહ્યો છે.” આ શબ્દો છે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદરસિંહ સુખુના. ક્રિસમસના લોંગ વિકેન્ડ સહિત ન્યુયરની રજાઓ માટે હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, એવામાં સીએમ સુખુએ એક મોટું નિવેદન આપ્યું છે.

હિમાચલ પ્રદેશમાં રૂ. 47.36 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી સંજૌલી-ધલ્લી ટનલના ઉદ્ઘાટન કાર્યક્રમ તથા શિમલામાં આયોજીત ‘વિન્ટર ફેસ્ટીવલ’નો શુભારંભ મુખ્યપ્રધાન સુખવિંદરસિંહ સુખુના હસ્તે થયો હતો. જે આગામી 5 જાન્યુઆરી સુધી ચાલશે. આ કાર્યક્રમ દરમિયાન ટુરિઝમને વેગ આપવા હિમાચલની તમામ હોટલો તથા રેસ્ટોરાંને 24 કલાક ખુલી રાખવા સરકારે ધંધાર્થીઓને છૂટ આપી છે.


સીએમ સુખુએ જણાવ્યું હતું કે હિમાચલમાં ફરવા આવતા તમામ પ્રવાસીઓએ પણ શિસ્ત અને નિયમપાલન સાથે રજાઓ માણવી તથા પોલીસને પણ તેમણે સૂચન કર્યું હતું કે જો પીધેલી હાલતમાં પર્યટકો પકડાય તો તેમને જેલભેગા કરવાને બદલે તેમને તેમની હોટલમાં મુકી આવવા.


હિમાચલ પ્રદેશમાં ગત ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું હતું. એવામાં શક્ય છે કે રાજ્યના અર્થતંત્રને કુદરતી આપત્તિને કારણે જે નુકસાન થયું છે, તેની ભરપાઇ કરવા ટુરિઝમની પ્રવૃત્તિને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. હાલ અંદાજે 40 થી 50 હજાર જેટલા પ્રવાસીઓ સમગ્ર હિમાચલમાં ફરવા આવ્યા હોવાનું અનુમાન છે. કુલુ-મનાલી, નૈનિતાલ સહિત અનેત જગ્યાઓમાં પ્રવાસીઓની ભીડને પગલે ભારે ટ્રાફિકજામ તથા કલાકો સુધી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હોવાના અનનેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.


હિમાચલ પ્રદેશ વર્ષોથી શહેરની દોડભાગથી કંટાળીને શાંત, હરિયાળા વાતાવરણમાં પહાડોની વચ્ચે રજાઓ માણવા માટેનું લોકપ્રિય સ્થળ રહ્યું છે. રાજ્યને પ્રવાસનમાંથી થતી આવક અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપે છે. રાજ્યના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં 7.3% ફાળો પ્રવાસન ઉદ્યોગનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button