કુસ્તી મહાસંઘને બરખાસ્ત કરવાના નિર્ણય વિશે ઉદ્ધવે મોદી સરકાર પર કર્યા આ પ્રહાર
મુંબઈઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ રાજકીય પક્ષો હવે ફૂલ સ્વિંગમાં કામ કરી રહ્યા છે. આથી દરેક ઘટના બાદ આરોપ-પ્રત્યારોપનું બજાર ગરમ રહેશે. તાજેતરમાં કેન્દ્ર સરકારે કુસ્તી મહાસંઘને બરખાસ્ત કરવાનો મોટો નિર્ણય લીધો છે ત્યારે આ અંગે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારને બાનમાં લીધી છે.
થોડા મહિનાના સંઘર્ષ બાદ કેન્દ્ર સરકારે કુસ્તીબાજોને થોડી રાહત આપતા બ્રિજભૂષણ સિંહને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ પદ પરથી હટાવ્યા હતા. જો કે, ફેડરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બ્રિજભૂષણ સિંઘની પ્રમુખ તરીકે તાત્કાલિક નિમણૂકને પગલે કુસ્તીબાજોમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી. બજરંગ પુનિયાએ વડાપ્રધાનના આવાસની બહાર તેમને લખેલા પત્ર પર તેમનો પદ્મ પુરસ્કાર આપ્યો હતો. પરિણામે, કેન્દ્રીય રમત મંત્રાલયે કુસ્તી મહાસંઘને વિસર્જન કરવાનો નિર્ણય લેવો પડ્યો.
સંજય સિંહ માત્ર બ્રિજભૂષણના સ્પેશિયલ એજન્ટ નહોતા, પરંતુ તેટલા જ વિવાદાસ્પદ પણ હતા. કુસ્તી મહાસંઘમાં આ પરિવર્તન ન્યાય માટે લડતા કુસ્તીબાજો માટે ‘પંત ગેલા, રાવ લઢ્લે’ જેવો ઘાટ હતો. પરંતુ હવે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર જાગી છે અને નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહની સાથે નેશનલ રેસલિંગ ફેડરેશનનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો છે. જો લોકસભાની ચૂંટણી પહેલા થોડો સમય હોત, તો કદાચ મોદી સરકાર કુસ્તીબાજોના આંદોલનને લઈને ગંભીર થયા ન હોત તેવી ટીકા સામનાના અગ્રલેખમાં કરવામા આવી છે.
તેમણે એમ પણ લખ્યું છે કે કુસ્તી સંઘનું વિસર્જન ખેલાડીઓને સંપૂર્ણ ન્યાય તો ન કહેવાય પણ રાહત કહી શકાય. એક વર્ષથી ઊંઘતી હોવાનું નાટક કરતી મોદી સરકાર લોકસભાની ચૂંટણીના કારણે જાગી ગઈ છે. ઠાકરે જૂથે એમ પણ કહ્યું છે કે કુસ્તીબાજોએ બૂમો પાડવાનું ચાલુ રાખવું પડશે જેથી મોદી સરકારના કાનના પડદા જે થોડું સાંભળતા થયા છે તે પાછા બહેરા ન થઈ જાય.
અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 25 વર્ષથી ભાજપ સાથે ચૂંટણી લડી રહેલી શિવસેના વર્ષ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ અલગ થઈ હતી અને એનડીએમાંથી પણ બહાર નીકળી હતી. તે બાદ વર્ષ 2022માં શિવસેનામાં મોટું ભંગાણ પડ્યું અને એકનાશ શિંદેએ વિધાનસભ્યો અને સાંસદસભ્યો સહિત ભાજપ સાથે હાથ મિલાવી મહારાષ્ટ્ર સરકારમાં સત્તામાં આવી ગયા અને હાલમાં શિંદે રાજ્યના મુખ્ય પ્રધાન છે. હવે ફરી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શિવસેના (ઠાકરે)જૂથ માટે અસ્તિત્વની લડાઈ છે અને આ ચૂંટણીના પરિણામો તેમની ભવિષ્યનો ક્યાસ કાઢશે તે નક્કી છે.