ટોપ ન્યૂઝનેશનલવેપાર

ભારતીય રૂપિયો ગ્લોબલ કરન્સી બનવા તરફ: ક્રૂડ ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચુકવણી કરવામાં આવી

નવી દિલ્હી: ભારતીય રૂપિયો હવે ગ્લોબલ ચલણ બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારતે યુનાઇટેડ અરબ અમીરાત(UAE) પાસેથી ખરીદેલા ક્રૂડ ઓઈલ માટે પ્રથમ ચુકવણી રૂપિયામાં કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારત અન્ય ઓઈલ સપ્લાયર દેશો સાથે પણ સમાન રીતે રૂપિયામાં ચુકવણી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો અમલ કરવો એ એક લાંબી અને જટીલ પ્રક્રિયા છે અને તેના માટે કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું નથી.

જાહેર ક્ષેત્રની ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) પાસેથી 10 લાખબેરલ ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી હતી. આ સિવાય રશિયાથી આયાત થતા ક્રૂડ ઓઈલનો અમુક હિસ્સો પણ રૂપિયામાં ચૂકવવામાં આવ્યો છે.


એક અધિકારીએ કહ્યું, ‘અમારે ધ્યાનમાં રાખવું પડશે કે ઓઈલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરવાથી ખર્ચમાં વધારો ન થાય અને બિઝનેસને કોઈપણ રીતે નુકસાન ન થાય. જ્યાં રકમ વધારે નથી ત્યાં રૂપિયામાં સોદો કરવામાં બહુ સમસ્યા નથી. પરંતુ જ્યારે દરેક ક્રૂડ ઓઈલ જહાજની કિંમત લાખો ડોલર હોય છે, ત્યારે સમસ્યાઓ ઉભી થાય છે.’ અધિકારીએ વધુમાં, જણાવ્યું હતું કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ડોલરની માંગ ઘટાડવામાં મદદ કરશે અને વૈશ્વિક નાણાકીય કટોકટી ભારતીય અર્થતંત્ર પર ઓછી અસર કરશે.


અત્રે ઉલ્લેખનીય છે કે ભારત તેની 85 ટકાથી વધુ ઓઈલની જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. આ માટે મોટા પાયે ડોલરમાં ચૂકવણી કરવામ આવે છે. ગયા વર્ષથી ભારતે ઓઈલની ખરીદી માટે ડોલરને બદલે રૂપિયામાં ચૂકવણી કરવાની સિસ્ટમ શરૂ કરી છે. રિઝર્વ બેંકે પણ આ દિશામાં જરૂરી પગલાં લીધાં છે. ભારતે જુલાઈમાં યુએઈ સાથે રૂપિયામાં ચુકવણી માટે કરાર કર્યો હતો.


ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવેલા સંસદીય સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ક્રૂડ ઓઇલનું પેમેન્ટ ભારતીય રૂપિયામાં કરવાની દિશામાં પ્રગતિ અનુમાન પૂર્વકની નથી રહી. આના પર અધિકારીઓએ સ્વીકાર્યું કે નાણાકીય વર્ષ 2022-23માં સ્થિતિ એવી જ રહી હતી પરંતુ આ વર્ષે ઓઈલનો કેટલોક બિઝનેસ રૂપિયામાં થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button