શું સાન્તાક્લોઝ સાત સત્રમાં સ્મોલકેપમાં વીંટળી બીગ ગીફ્ટની લહાણી કરશે?
કરંટ ટોપિક – નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે વિગત વર્ષ ખૂબ જ લાભદાયી રહ્યું અને ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોએ તો ઘણાં ઇન્વેસ્ટર્સને ન્યાલ કરી દીધાં. જોકે આજકાલ નિષ્ણાતો કે વિશ્લેષકો કે રિસર્ચ હેડ કે બ્રોકર પાસેથી એક જ સલાહ મળી રહી છે કે સ્મોલ કેપ અને મિડકેપથી દૂર રહીને લાર્જકેપ પર ધ્યાન આપો.
આ પરિદૃશ્યમાં કોઇ તમને એમ કહે કે, સાન્તાક્લોઝ આગામી 7 ટે્રડિગ દિવસોમાં સ્મોલકેપ રોકાણકારો માટે આશ્ચર્યજનક ભેટ આપી શકે છે, તો કેવું લાગે! નિષ્ણાતોનો એક વર્ગ એવું માને છે કે સેન્ટા રેલી સામાન્ય રીતે ડિસેમ્બરના છેલ્લા પાંચ ટે્રડિગ દિવસોમાં અને જાન્યુઆરીના પ્રથમ બે દિવસોમાં શેરના ભાવમાં ઉછાળા સાથે સંકળાયેલી હોય છે, કદાચ નિફ્ટીમાં આગળ પાછળ થઇ શકે, પરંતુ સ્મોલકેપ્સ મોટેભાગે ઉપરોક્ત સમયગાળામાં રોકાણકારોને નિરાશ નથી કરતાં.
પાછલા 11 વર્ષમાં આ સાત દિવસના સમયગાળા દરમિયાન નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સની કામગીરીનો અભ્યાસ દર્શાવે છે કે ડિસેમ્બરના અંતિમ પાંચ ટે્રડિગ દિવસ અને જાન્યુઆરીના પ્રથમ બે દિવસ દરમિયાન ઇન્ડેક્સે દર વર્ષે સકારાત્મક વળતર આપ્યું છે. આ સંદર્ભે ગયા વર્ષની સિઝનની સાન્ટા રેલી તાજેતરના સમયમાં શ્રેષ્ઠ હતી, કારણ કે સ્મોલકેપ બેરોમીટર ઉપરોક્ત સાત દિવસમાં સાતેક ટકા જેવો ઉછળ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ પાછલા 11 વર્ષમાં આ સમયગાળા દરમિયાન ક્યારેય નેગેટીવ ઝોનમાં બંધ થયો નથી.
આમ આ સમયગાળા દરમિયાન સ્મોલકેપ્સમાં સાન્ટા રેલી પર ધ્યાન આપવું જોઇએ, એમ જણવાતા એક એનલિસ્ટે કહ્યું હતું કે, સ્મોલકેપ્સની જેમ જ નિફ્ટીના બ્લુચિપ શેર પણ પાછલા 22માંથી 19 વર્ષમાં સકારાત્મક વળતર આપવાનો ટે્રક રેકોર્ડ ધરાવે છે.
આમ, ડેટા માનવા માટેનું એક મજબૂત કારણ સૂચવે છે કે આ વર્ષે પણ ઇન્ડેક્સ આ વલણ ચાલુ રાખી શકે છે. જો કે, એ ખાસ નોંધવું જોઈએ કે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ઇન્ડેક્સમાં પહેલેથી જ તીવ્ર વધારો જોવા મળ્યો છે અને આપણે બુધવારે એક નાનો કરેક્શન પણ જોયું છે. આ બાબત અવગણીને ખોટું જોખમ પમ ના લઇ શકાય.
ટોચના ચાર્ટિસ્ટે કહ્યું હતું કે કોન્સોલિડેટીવ તબક્કામાં ફસાયેલો ઇન્ડેક્સ આગામી સાત સત્રો માટે 21,000 થી 21,600ની વ્યાપક શ્રેણીમાં ટે્રડ કરી શકે છે. બુધવારના તીવ્ર ઘટાડા છતાંપસંદગીના શેરો અને ઇન્ડેક્સમાં હજુ પણ વધુ પડતી લેવાલી જોવા મળે છે, જે સાન્ટા રેલીની આશાને વધુ ટેકો આપે છે.
વાસ્તવમાં મિડ અને સ્મોલકેપ સેગમેન્ટના વધુ પડતા મૂલ્યાંકન ચિતા ઉપજાવે એવા છે. રિટેલ ઇન્વેસ્ટર્સનો ઉત્સાહ અને મિડ અને સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત પ્રવાહ આ તેજીને આગળ ધપાવે છે, જે એક જોખમી તબક્કો જણાય છે. બજારની આ વ્યાપક રેલી લાંબા સમય સુધી ચાલુ રહે એવું લાગતું નથી. એ વાતનું ધ્યાન રહે કે, સલામતી એ વળતર જેટલી જ મહત્વપૂર્ણ બાબત છે. નિ:શંકપણે, સલામતી હવે લાર્જ કેપ્સમાં છે. આગળ જતાં લાર્જકેપ મિડ અને સ્મોલકેપ કરતાં વધુ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.