મહારાષ્ટ્ર માટે આવ્યા બેડ ન્યૂઝ, નવા વર્ષમાં પાણીની વિકટ સ્થિતિના એંધાણ
મુંબઈ: આગામી નવા વર્ષમાં રાજ્યમાં પાણીની તંગીનું સંકટ વધુ વકરવાની શક્યતા છે. રાજ્યના ડેમોમાં માત્ર ૬૩ ટકા જ પાણીનો સ્ટોક બાકી રહ્યો છે અને છત્રપતિ સંભાજીનગર વિભાગમાં સૌથી ઓછો ૩૬.૭૧ ટકા પાણીનો સંગ્રહ છે.
ઝડપથી ઘટી રહેલા પાણીના સ્ટોકને કારણે રાજ્યના નાગરિકોને નવા વર્ષમાં પાણીની તંગીની કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના ડેમોમાં પાણીનો સંગ્રહ લગભગ ૨૦ ટકા ઓછો છે. બીજી તરફ મુંબઈને પાણી પૂરું પાડતા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ છે, જેમાં લગભગ ૭૮ ટકા પાણીનો સંગ્રહ હજુ પણ ઉપલબ્ધ છે.
રાજ્યના અનેક ભાગોમાં ઓછા વરસાદને કારણે ચોમાસા બાદ જ પાણીની તંગીનું સંકટ ઊભું થયું હતું. રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ માહિતી મુજબ પાણીની તંગીને કારણે ૩૬૬ ગામડાઓમાં ૩૮૯ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ આંકડાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં મોટા, મધ્યમ અને નાના ડેમોમાં પાણીનો સંગ્રહ ઓછો થઈ રહ્યો છે.
નાગપુર વિભાગના કુલ ૩૮૩ ડેમમાં ૬૮.૩૬ ટકા પાણીનો સંગ્રહ છે. સૌથી વધુ પાણીનો સંગ્રહ કોંકણ પ્રદેશમાં છે, જેમાં થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ વિસ્તારોના ડેમનો સમાવેશ થાય છે. રાજ્યમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક હોવા છતાં મુંબઈને પાણી પહોંચાડતા ડેમમાં પાણીનો સંગ્રહ પ્રમાણમાં સંતોષકારક છે.
શહેરને પાણી પૂરું પાડતા વૈતરણા (૯૭.૧૩ ટકા), ભાટસા (૭૭.૫૫ ટકા), મોડકસાગર (૬૬.૭૫ ટકા), મધ્ય વૈતરણા (૪૬.૪૮ ટકા) અને તાનસા (૭૮.૨૪ ટકા) ડેમોમાં સરેરાશ ૭૮ ટકા જેટલા પાણીનો સંગ્રહ છે, જેના કારણે હાલમાં મુંબઈકરોને પાણીની તંગીની કોઈ સમસ્યા નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં આ કટોકટી સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.