શરદ પવારે અજિત પવારને આપ્યો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બારામતીમાં શરદ પવારના વલણ અંગે અનેક પ્રશ્ર્નો ઉભા કરનારા અજિત પવારને સોમવારે એનસીપીના સ્થાપક શરદ પવારે જવાબ આપ્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે શરદ પવારે 38મા વર્ષે બળવો કર્યો હતો, જ્યારે અમે તો આવું કરવા માટે 60-62 વર્ષ રાહ જોઈ હતી. અજિત પવારની આ ટીકાનો જવાબ આપતાં શરદ પવારે સોમવારે પુણેમાં કહ્યું હતું કે અમારા સમયે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવતા હતા. નિર્ણય લીધા પછી તેમાં ફરિયાદ કરવાની તક રહેતી નહોતી. પાર્ટીનું નિર્માણ કોણે કર્યું, પાર્ટીના સ્થાપક કોણ છે તે લોકોને ખબર છે, એમ પણ કહ્યું હતું.
શરદ પવારે કહ્યું હતું કે છેલ્લા 10-15 વર્ષથી બારામતી અને ત્યાંના કામમાં મેં ધ્યાન આપ્યું નથી. પંચાયત સમિતિ, સાકર કારખાના, અન્ય સંસ્થા પર કોણે રહેવું? કોણે ક્યાંની જવાબદારી સ્વીકારવી? આ બધામાંથી એકેય નિર્ણય મેં લીધા નથી. નવી પેઢીએ આગળ આવીને કામ કરવું જોઈએ એવું મને લાગતું હતું. તેથી છેલ્લા 10 અથવા તેના કરતાં વધુ વર્ષ એકેય બાબત પર ધ્યાન આપ્યું નથી એનો અર્થ એવો થાય છે કે હું અવરોધ ઊભા કરવાના કામ કરતો નથી.
અમે જે કર્યું હતું તે બળવો નહોતો. અમારા સમયમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવતા હતા. યશવંતરાવ ચવ્હાણ સિનિયર નેતા હતા. તેમની વિચારધારા કઈ છે તે અમને ખબર હતી. અમે ચર્ચા કરીને નિર્ણય લીધો હતો. નિર્ણય લીધા પછી તેમાં કોઈ ફરિયાદ નહોતી. પાર્ટી અને લોકોએ પીઠબળ આપ્યું હતું. પાર્ટીની નિર્મિતી, સંસ્થાપક કોણ છે તે લોકોને ખબર છે. આના પર વધુ બોલવાની આવશ્યકતા નથી, એમ પણ તેમણે કહ્યું હતું.