વર્ષ 2023ના રાજનૈતિક મુદ્દા જે ખુબ રહ્યા ચર્ચામાં
નવી દિલ્હીઃ સાલ 2023તેના અંતિમ પડાવ પર આવી ગયું છે અને સાલ 2024ને આવકારવા માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આખા વર્ષ દરમિયાન અનેક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા અને અનેક ગંભીર મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા, જેના પર ગણો વિવાદ પણ થયો. એ ઉપરાંત કેટલાક રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણી પણ યોજાઇ ગઇ. 2023માં ચૂંટણીના પરિણામો કેટલાક રાજકીય પક્ષો માટે નવી તકો લઈને આવ્યું તો ઘણા લોકો માટે સખત મહેનતનો સંદેશ પણ લઇને આવ્યું છે. તો ચાલો આજે આપણે જાણીએ 5 મોટા રાજકીય મુદ્દા જેની આ વર્ષે ખૂબ ચર્ચા થઈ હતી.
કલમ 370 દૂર કરવી કાયદેસર ગણાઇઃ
જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 17 ઑક્ટોબર, 1949ના રોજ અસ્થાઇ જોગવાઇ તરીકે ભારતીય બંધારણમાં સામેલ કરવામાં આવી હતી આ જોગવાઇ અનુસાર 5 ઑગસ્ટ, 2019માં કેન્દ્ર સરકારે આ કલમને નાબુદ કરી અને જમ્મુ-કાશ્મીરનું બે ભાગો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધું અને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર કલમ 370 હટાવવાના 4 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં 5 જજોએ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો અને દેશના માથએ કાળી ટીલી સમાન બંધારણની કલમ 370 ઇતિહાસ બની ગઇ
ગે મેરેજને કાનૂની માન્યતા નહીં આપીઃ
ભારતની સર્વોચ્ચ અદાલતે દેશમાં LGBTQ અધિકારો માટે ઝુંબેશ કરનારાઓને નિરાશ કરતા નિર્ણયમાં 17 ઓક્ટોબરે ગે લગ્નને કાયદેસર બનાવવાનો ઇનકાર કર્યો હતો અને સંસદને આ માટે કાયદો ઘડવાની જવાબદારી સોંપી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પણ સરકારને ગે સમુદાયના અધિકારોને જાળવી રાખવા અને તેમની સામેના ભેદભાવને સમાપ્ત કરવા વિનંતી કરી હતી.
રાહુલ ગાંધીના માનહાનિના કેસ પર SCનું વલણઃ
4 ઑગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે 2019માં યોજાયેલી એક રાજકીય રેલી દરમિયાન તેમની કથિત ‘મોદી’ ઉપનામની ટિપ્પણીથી સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર રોક લગાવી હતી. જ્યાં તેમને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી, જે બાદ તેમનું સંસદીય સભ્યપદ સમાપ્ત થઈ ગયું હતું. રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં ઘણો હોબાળો થયો હતો, પરંતુ અંતે નિર્ણય રાહુલ ગાંધીના પક્ષમાં ગયો હતો.
મનીષ સિસોદિયાની ધરપકડ:
દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, જેમને આમ આદમી પાર્ટીના નંબર 2 નેતા તરીકે જોવામાં આવતા હતા, તેમની 26 ફેબ્રુઆરીના રોજ દારૂ નીતિ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બાબત અરવિંદ કેજરીવાલ માટે મોટા ફટકા સમાન હતી. આ પહેલા AAPના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઓક્ટોબરમાં AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાએ તેમની સામેના આરોપોને ફગાવી દીધા છે અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર રાજકીય કારણોસર તેમને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. તે જામીન માટે કોર્ટનો સંપર્ક કરી રહ્યો છે પરંતુ હજુ સુધી તેને કોઈ રાહત મળી નથી.
મણિપુર હિંસા:
મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મેઈતી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ પર કેન્દ્રને ભલામણ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આદિવાસી સમુદાયો દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ આદેશને પગલે મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થી સંગઠન દ્વારા કાઢવામાં આવેલી વિરોધ રેલી બાદ મણિપુરના પહાડી રાજ્યમાં જાતિગત હિંસા ફાટી નીકળી હતી. જેને કારણે આ શાંત રાજ્યમાં અશાંતિ, હિંસા અને અંધાધુધી ફેલાઇ ગઇ હતી, જે હજુ પણ ચાલુ છે. મેઇતી અને કુકીઝ સમુદાય વચ્ચે હિંસક અથડામણમાં 180થી વધુ લોકો માર્યા ગયા હતા.