રાયગડના માણગાંવમાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત: ત્રણ જણની ધરપકડ
અલીબાગ: રાયગડ જિલ્લાના માણગાંવમાં પોલીસે જિલેટિન સ્ટિક્સ અને ડિટોનેટરનો જથ્થો જપ્ત કર્યો હતો અને આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ વિઠ્ઠલ રાઠોડ, વિક્રમ ગોપાલદાસ જાટ અને રાજેશ યાદવ તરીકે થઇ હોઇ મુખ્ય સૂત્રધારની શોધમાં પોલીસની ચાર ટીમ તૈયાર કરવામાં આવી છે. આ વિસ્ફોટકો શા માટે લાવવામાં આવ્યાં હતાં, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું.
માણગાંવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પાટીલને માહિતી મળી હતી કે માણગાંવ તાલુકામાં વિસ્ફોટકો લાવવામાં આવી રહ્યા છે. આથી પોલીસ ટીમે રવિવારે માણગાંવ-નિઝામપુર માર્ગ પર નાકાબંધી કરીને એક ટેમ્પોને શંકાને આધારે આંતર્યો હતો. ટેમ્પોચાલકને તાબામાં લઇને પૂછપરછ કરાતાં 1,500 કિલો વજનના જિલેટિન સ્ટિક્સના 50 બોક્સ અને 70 કિલો વજનના ડિટોનેટરના ચાર બોક્સ ટેમ્પોમાં હોવાનું જાણવા મળ્યું હતું.
આ વિસ્ફોટકો પાલી ખાતેની એક વ્યક્તિએ આપ્યા હતા અને તે પુણેથી લાવવામાં આવ્યા હતા, એવું પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું. પોલીસે ત્યાર બાદ અન્ય બે જણની પણ ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.