નેશનલ

પ્રિયંકા ગાંધીની ભૂમિકા શું રહેશે કૉંગ્રેસમાંઃ જાણો જયરામ રમેશે શું કહ્યું?

નવી દિલ્હીઃ તાજેતરમાં જ કૉંગ્રેસે લોકસભા માટે નેતાઓને જવાબદારી આપી છે, તેમાં ઉત્તર પ્રદેશની જવાબદારી અવિનાશ પાંડેયને આપી છે. તેમના નામની ઘોષણા થતાં જ રાજ્યના પ્રભારીપદ પરથી પ્રિયંકા ગાંધીની બાદબાકી થઈ ગઈ હોવાની વાત સાફ છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં પ્રચારમાં પ્રિયંકાએ ભાગ લીધો હોવા છતાં ધાર્યું પરિણામ આવ્યું નથી ત્યારે હવે પક્ષમાં સોનિયાપુત્રીની ભૂમિકા શું રહેશે તે અંગે પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું હતું. જોકે તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં, પરંતુ તેમણે કહ્યું કે છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મધ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકાની ભૂમિકા હતી. ભવિષ્યમાં પણ તેઓ મહત્વની ભૂમિકા પક્ષ માટે અદા કરશે.

આ સાથે તેમણે 28 ડિસેમ્બરે નાગપુરમાં હૈ તૈયાર હમ નામની મેગા રેલી યોજવાની અને આવનારી લોકસભાની ચૂંટણીના પ્રચારનો શંખનાદ કરવાની વાત કરી હતી. આ સાથે ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને તમામ પક્ષ સકારાત્મક વાત કરે છે અને મન ખોલીને ચર્ચા ચાલી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


અધ્યક્ષ જગદીપ ધનખરના પત્રને અવગણવા અંગે રમેશે કહ્યું કે, રાજ્યસભાના અધ્યક્ષે 2-3 પત્ર લખ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પણ તે પત્રોના જવાબ આપ્યા છે. તે દિલ્હીની બહાર છે. ખડગે આગામી 2-3 દિવસમાં અધ્યક્ષને મળશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની લડાઈ અધ્યક્ષ વિરુદ્ધ નથી પરંતુ શાસક પક્ષ વિરુદ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button