ભાયખલાની જેલમાં હવે કેદીઓ ઉઠાવી શકશે આ સુવિધાનો લાભ…
મુંબઈઃ કેદીઓને જેલમાં પડી રહેલાં તણાવને દૂર કરવા માટે જેલ પ્રશાસન દ્વારા એક અલગ પ્રકારનો જ નવતર પ્રયોગ કરવાની પહેલ કરવામાં આવી છે. જેલમાં હવે એફએમ રેડિયો સેન્ટર શરૂ કરવામાં આવશે.
જેલના એડિશનલ ડીજી અમિતાભ ગુપ્તાએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે મુંબઈની ભાયખલા જેલમાં શનિવારથી આ અનોખા ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ મહરાષ્ટ્રની અન્ય જેલમાં પણ આ પ્રકારના એફએમ રેડિયો સેન્ટર શરૂ કરવામાં આવશે.આ સેન્ટરમાં બીજું બધું જ હશે, પણ રેડિયો નહીં હોય. એની જગ્યાએ જેલમાં દર થોડાક અંતર પર મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવશે.
ગુપ્તાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જેલમાં આવનાર દરેક કેદીના મનમાં હંમેશા બેચેનીના ભાવ જોવા મળે છે અને તે પોતાના પરિવાર, ભવિષ્ય અને પોતાના કેસને લઈને નેગેટિવ હોય છે. પરિણામે તેમને સકારાત્મકતા તરફ લઈ જવા માટે જેલમાં અમે લોકોએ એક રેડિયો સેન્ટર શરૂ કર્યું છે. હાલમાં એક મહિલા કેદી શ્રદ્ધા ચૌગુલેને ભાયખલા જેલની રેડિયો જોકી બનાવવામાં આવી છે.
તબક્કાવાર દરેક કેદીઓને મોકો આપવામાં આવશે. જેથી અંડરટ્રાયલ રેડિયો જોકી જ્યારે જમાનત પર બહાર જાય ત્યારે બીજો કેદી રેડિયો જોકીનો રોલ નિભાવી શકે. સવારે સાતથી સાંજે 8 વાગ્યા સુધી ભક્તિ ગીત, ભજન અને અધ્યાત્મિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. બપોરે 12થી 3 વાગ્યા સુધી કેદીઓનો આરામનો સમય હોય છે, ત્યારે એમની ફરમાઈશ પર હિંદી, મરાઠી ફિલ્મી ગીત વગાડવામાં આવશે.
દરેક બેરેકની બહાર એક બોક્સ મૂકવામાં આવશે. કોઈ પણ કેદી એ બોક્સમાં પોતાના નામ સાથે એ ગીતની લાઈન અને પોતાનું નામ લખીને ચિઠ્ઠી બોક્સમાં નાખી શકે છે જે એને સાંભળવું છે. રેડિયો જોકી પાસે આ ફરમાઈશ મોકલવામાં આવશે અને ત્યાર બાદ કેદીના નામ સાથે એનું મનપસંદ ગીત ઓનએર કરવામાં આવશે.