સ્પોર્ટસ

જો રોહિત શર્મા માનશે ગાવસ્કરની સલાહ તો દ. આફ્રિકામાં ભારત……

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ઇન્ડિયાની દ. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માને કેટલીક ખાસ સલાહ આપી છે. સુનીલ ગાવસ્કરે ભારતીય કેપ્ટન રોહિત શર્માને દ. આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા મેન્ટલ એડજસ્ટમેન્ટ કરવાની ખાસ સલાહ આપી છે. 26 ડિસેમ્બરથી ભારત દ. આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા મેદાનમાં ઉતરશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો હશે. સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપમાં આક્રમક રવૈયો અપનાવ્યો હતો, પણ દ. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિતે તેનો અપ્રોચ સંપૂર્ણ રીતે ચેન્જ કરવો પડશે. રોહિત શર્મા વિશ્વ કપ ફાઇનલ બાદ પોતાની પહેલી કોમ્પિટિટિવ મેચ રમશે અને સેંચુરિયન સુપરસ્પોર્ટ પાર્કમાં રમાનાર આ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરશે. હાલમાં તો એવું લાગી રહ્યું છે કે ભારતના કેપ્ટન વિશ્વ કપ ફાઇનલની હારની નિરાશામાંથી બહાર આવી ગયા છે. હાલમાં તેઓ પહેલી ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે.

વર્લ્ડ કપમાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં હતા અને ટોપ ઓર્ડરમાં તેમણે આક્રમક બેટિંગ કરી હતી. રોહિતે 125ના સ્ટ્રાઇક રેટથી 597 રન બનાવ્યા હતા, જેને કારણે સેમિફાઇનલ અને ફાઇનલ સહિતની મોટા ભાગની મેચોમાં ભારતને સારી શરૂઆતનો લાભ મળ્યો હતો. તેમણે સામેની ટીમના બોલરો પર હાવી થઇને શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો, પણ સુનીલ ગાવસ્કરને લાગે છે કે દ. આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માએ તેમનો આક્રમક અભિગમ બદલવો પડશે. રોહિત માટે સૌથી પહેલા અને સૌથી મહત્વનો પડકાર પોતાની માનસિક સ્થિતિને ટેસ્ટ મેચની સ્થિતિમાં લાવવાની રહેશે. અગાઉ તેઓ વન-ડે ફોર્મેટમાં બેટિંગ કરી રહ્યા હતા, જેમાં તેમણે આક્રમક ભૂમિકા નિભાવવાનું નક્કી કર્યું હતું અને પહેલી દસ ઓવરમાં બની શકે તેટલા વધુ રન મેળવવાની કોશિશ કરી હતી. વિશ્વ કપ માટે તેમની આ આક્રમકતા યોગ્ય પણ હતી, પણ હવે રોહિતે પોતાનો અભિગમ સંપૂર્ણપણે બદલવો પડશે. હવે તેમણે આખા દિવસ માટે પીચ પર ટકી રહેવા માટે વિચારવું પડશે. જો તેઓ આખો દિવસ બેટિંગ કરશે તો સ્પષ્ટ રીતે તેમના શોટ્સની રેન્જ સાથે તેઓ 150થી વધુ રન બનાવવામાં સફળ રહેશે અને તો ભારત 300 પ્લસ કે 350 પ્લસનો સ્કોર કરી શકશે, એમ ગાવસ્કરે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button