વાહ આ ખેડૂતોના ખેતરની રક્ષા ખુદ વનના રાજા અને તેનો પરિવાર કરે છે
ઊનાઃ ઘરની કે ખેતરની રક્ષા કરવા શ્વાન રાખવામાં આવે છે, પણ સાસણ ગીર વિસ્તારમાં આવેલા આ ગામના ખેડૂતોએ તેમના ખેતરોની રક્ષા માટે બીજા કોઈને નહીં પણ વનના રાજાને રાખ્યા છે. સાવજ અને તેના પરિવાર આખા ગામના ખેતરોની રક્ષા કરે છે.
સાસણ ગીર એશિયાટીક લાયન્સ માટે જાણીતું છે અને અહીં સિંહ જોવા લાખો લોકો આવે છે. સિંહો અહીં મોટા વન વિસ્તારમાં ફેલાયેલા છે. આ સાથે તેઓ ખેતર અને વાડીઓમાં પણો જોવા મળતા હોય છે. આવું જ એક ગામ છે જે ઊનાના પાસે આવેલું છે અમોદ્રા. આ ગામમાં પાંચથી છ સિંહ, સિહણ અને તેમના બચ્ચા રહે છે અને જાણે ગ્રામજનો સાથે તેમની દોસ્તી હોય તેમ અહીં જ વસવાટ કરે છે.
આ સિંહો ક્યારેય ખેડૂતોને કે તેમના ઢોરઢાંખરને રંજાડતા નથી. લગભગ સાતેક વર્ષથી તેમનો વસવાટ છે પણ કોઈ આવો કિસ્સો બન્યો નથી,. ઉલટાનું તેઓ તેમના ખેતરમાં ઉગતા કપાસ, મગફળી, જીરૂં, શેરડી,તલ,અને શાકભાજી નાં કરેલાં વાવેતરનાં ઊભા કૃષીપાકો ને જંગલી ભૂંડ, રોઝડા, નિલગાયથી બચાવે છે. સિંહોના રાખોપાને લીધે આ જાનવરો અહીં ફરકતા નથી. અહીંયા સિંહ ખેતરોમાં ફરતા હોય છે અને શ્રમિકો પોતાનું કામ કરતા હોય છે. આંબાના બગીચામાં તેઓ લટારો મારતા હોય છે અને પરિવાર સાથે આરામ ફરમાવતા હોય છે.
આ સિંહો ગામમાં આવી ઢોર મારી મિજબાની માણે છે અથવા બીજે ક્યાય જઈ શિકાર કરી લાવે છે, પરંતુ અહીંના વિસ્તારમાં તે ક્યારેય કોઈ શિકાર કરતા નથી. ગામના સરપંચ અજીતભાઈ મોરીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે સિંહ અને માણસો બન્ને એકબીજાનું રક્ષણ કરે છે.
અમને ગૌરવ છે કે અમારી સીમનો રખેવાળ સાવજ છે. અમોદ્રા સીમ માં જમીન ધરાવતાં ખેડૂત પ્રિય સિંહ મોરી એ વાત કરતા જણાવ્યું હતું કે સિંહ પરીવાર નાં વસવાટ ને ખેડૂતો નાં રખેવાળ ગણાવ્યા હતા અને સીમ વિસ્તારમાં જંગલી ભૂંડ રોઝડા નિલગાય જેવાં પ્રાણી ઘુસી ઉભાં કૃષીપાકો નું ભેલાણ કરી નુકસાન કરતા હોય છે, પરંતુ સિંહ પરીવારનાં વસવાટનાં કારણે જંગલી પ્રાણીઓ ખેતરોમાં ઘુસતા ડર અનુભવે છે. આ વન્ય પ્રાણીનાં રખોપાએ ખેડૂતોને નુક્શાન કરતાં પ્રાણીથી ખેતરોની રક્ષા થાય છે. સિંહથી ખેડૂતો ને જરા પણ ડર લાગતો નથી. જંગલના રાજા સાવજ સાથે અમે દોસ્તી કરી લીધી છે અને સિંહ પરીવારો પણ ખેડૂતો સાથે ગાઢ સંબંધ રહેલો હોય તેમ દોસ્તી નિભાવી રહ્યા છે.