નેશનલ

જે. પી. નડ્ડા સહિત ભાજપ આગેવાનોએ દિલ્હીમાં ચર્ચની લીધી મુલાકાત

નવી દિલ્હી: દેશભરમાં ક્રિસમસની ઉજવણીના માહોલ વચ્ચે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સેક્રેડ હાર્ટ કેથેડ્રલ કેથોલિક ચર્ચ પહોંચ્યા હતા. નડ્ડા ક્રિસમસની પ્રેયરમાં સામેલ થયા હતા અને પ્રભુ ઇશુ સંબંધિત કથા સાંભળી તેની ઝાંખી પણ નિહાળી હતી. તેમની સાથે અન્ય ઘણા ભાજપ નેતાઓ પણ જોડાયા હતા.

નવી દિલ્હી સ્થિત ગોલ ડાકખાના વિસ્તારમાં આ ચર્ચ આવેલું છે. જે. પી. નડ્ડા સહિત સ્થાનિક ભાજપ નેતાઓ ચર્ચમાં પ્રભુ ઇસુની પ્રાર્થનામાં સામેલ થયા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે.


ચર્ચથી બહાર આવ્યા બાદ નડ્ડાએ કહ્યું હતું કે “મેં પ્રભુ ઇસા મસીહા પાસેથી આશીર્વાદ લીધા હતા. આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ ઇસુ આપણા માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. તેમણે માનવતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આજે તેમને અને તેમના પાસેથી મળેલી શીખ યાદ કરવાનો દિવસ છે. હું તમામ લોકોને અનુરોધ કરીશ કે તેમની પાસેથી પ્રેરણા લઇએ. તેમણે સમાજ અને લોકોને સદ્ભાવના, શાંતિના માર્ગ પર ચાલવાની શીખ આપી છે.” તેમ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું.


“આપણે પ્રભુ ઇસુએ બતાવેલા માર્ગ પર ચાલવું પડશે. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં દેશ-દુનિયામાં માનવતા, શાંતિ અને વિકાસ માટે કામ કરવું પડશે. આ દ્વારા જ આપણે પ્રભુ ઇસુ પ્રત્યે આદરભાવ બતાવી શકીશુ. હું મારા તથા પક્ષની તરફથી લોકોને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવું છું.” નડ્ડાએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button