ધર્મતેજ

‘ગીતા’ની ઝીણી પણ ઉપયોગી વાતો

ગીતા અભ્યાસ -હેમુ ભીખુ

ગીતા વિશે ઘણું કહેવાયું છે. ગીતાની કેટલીક બાબતો વિશે તો અપાર માત્રામાં, જુદા જુદા સ્વરૂપે વાતો થઈ ચૂકી છે. મા ફલેષૂ કદાચન કે સંભવામિ યુગે યુગે વિષય પર અસંખ્ય પુસ્તકો લખાઈ ચૂક્યા છે, અને હવે તો યુ-ટ્યૂબ પર પણ એટલી જ માત્રામાં ક્લિપો આવી ચૂકી હશે.્ આ યોગ્ય પણ છે. એ સર્વ વિદિત છે કે ગીતાના સારના હાર્દમાં આ વાત વણાયેલી છે, અને તેથી તેની ચર્ચા મહત્તમ થવી પણ જોઈએ. સાથે સાથે સમજવાની એ વાત છે કે ગીતામાં એ સિવાય પણ જ્ઞાનની અપાર સંભાવનાઓ સમાવી લેવાઈ છે.

ગીતા એ માનવ ઇતિહાસની એવી ઘટના છે કે જ્યાંથી દરેક માનવીને તેના જીવન માટે અને તેના આધ્યાત્મિક વિકાસ માટે પણ કંઈને કંઈ મળી રહે. અહીંથી કોઈ નિરાશ થઈને ન જાય. પોતાની રુચિ, પોતાની ભૂખની માત્રા તથા પોતાની જે તે સમયની જરૂરિયાત અનુસાર અહીં માર્ગદર્શન મળી શકે છે.

ગીતાના આધાર સમી મહત્ત્વની બાબતો પર તો ચર્ચા થતી જ રહી છે. તેથી અહીં એવી ઈચ્છા થાય છે કે આ લેખમાં પ્રમાણમાં જેની ઓછી ચર્ચા થાય છે તે બાબતોનો ઉલ્લેખ કરીએ. ગીતા નામની ઘટનામાં દરેક શબ્દનું પોતાનું મહત્વ છે અને તે દરેક શબ્દથી વિચાર કરવાની એક સાત્ત્વિક પરંપરા શરૂ થઈ શકે છે. ગીતાના જ્ઞાનનો વ્યાપ સમજવા માટે ઓછી ચર્ચાતી બાબતો વિશે પણ થોડું ચિંતન કરવું જરૂરી છે.

ગીતાના અઢારમાં અધ્યાયમાં જ્યારે કોઈપણ કાર્ય સિદ્ધ થવાના કારણો શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને જણાવવામાં આવે છે ત્યારે તેઓ સાંખ્ય દર્શનના સિદ્ધાંતનો સહારો લે છે. શ્રીકૃષ્ણ સ્વયં પોતાની વાત કહી શક્યા હોત, પણ સાંખ્ય દર્શનનો ઉલ્લેખ કરીને કંઈક એવું સૂચન કરવામાં આવે છે કે અન્ય શાસ્ત્રોનું વાંચન પણ જરૂરી છે. તેવી જ રીતે જ્યારે ચોથા અધ્યાયમાં વધુ જ્ઞાન માટે જ્ઞાનીન: – અન્ય જ્ઞાનીની સેવા કરી, તેમને દંડવત પ્રણામ કરી, તેમને પ્રશ્ર્ન પૂછવાની જે વાત કરાઈ છે તેનાથી કંઈક એવો સંદેશો મળે છે કે ગીતાના જ્ઞાન ઉપરાંત પણ અન્ય જ્ઞાનીઓ સાથેનો સત્સંગ પણ ઇચ્છનીય છે. એમ લાગે છે કે શ્રીકૃષ્ણ અહીં એવું કહેવા માગે છે કે, ગીતા સમજવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિએ અન્ય શાસ્ત્ર પણ વાંચવા જોઈએ અને જેમણે યથાર્થ જ્ઞાન મેળવ્યું છે તેમની સાથે પ્રશ્ર્નોત્તરી પણ કરવી જોઈએ.

ત્રીજા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે અજ્ઞાનથી જે લોકો જે તે કાર્ય સાથે સંલગ્ન થતા હોય તેમની બુદ્ધિમાં ભેદ ઊભો ન કરવો. આમ તો ગીતા એ જ્ઞાન વહેંચવાનું માધ્યમ છે, પણ જ્યારે આ પ્રકારની વાત કરવામાં આવે ત્યારે એમ માની શકાય કે; જો પરિણામ આવવાની સંભાવના જ ન હોય કે સમજાવવાના પ્રયત્નથી વધારે નકારાત્મકતા ઊભી થવાની હોય કે લાંબા ગાળે, જે તે કાર્યના પરિણામથી કોઈ અસર જ ઊભી થવાની ન હોય; તો બુદ્ધિભેદ ઊભો કરવો ઇચ્છનીય નથી.

ચોથા અધ્યાયમાં જ્યારે શ્રીકૃષ્ણ કહે છે કે મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે, ત્યારે એક પ્રશ્ર્ન થાય કે શ્રીકૃષ્ણ તો વિષ્ણુના આઠમાં અવતાર છે. તો પછી અનેક જન્મો થઈ ચૂક્યા છે એ વાત ક્યાંથી આવે. અહીં સમજવાની વાત એ છે કે દરેક કલ્પમાં દ્વાપરયુગ આવે – ત્રેતાયુગ આવે. તેથી જો સમગ્રતામાં જોવામાં આવે તો જણાશે કે શ્રીકૃષ્ણના તથા શ્રીરામના અનેક જન્મ થઈ ચૂક્યા છે. અહીં સમગ્રતમાં સમયનો વ્યાપ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તેવી જ રીતે જ્યારે બીજા અધ્યાયમાં સત્યનો અભાવ નથી અને અસત્યનું અસ્તિત્વ નથી એમ જણાવવામાં આવે ત્યારે પણ પ્રશ્ર્ન થાય. વાસ્તવમાં અને ખાસ કરીને કળિયુગમાં અસત્યનો પ્રભાવ તો જોવા મળે જ છે. પરંતુ એમ જણાય છે કે, અહીં પણ સમયને સમગ્રતામાં જોવાનું સૂચન છે, જ્યારે આપણે સમગ્ર કલ્પના સમયગાળાનુ કે એક કરતાં વધારે કલ્પના સમયગાળાનું ચિંતન કરીએ તો જણાશે કે અંતે તો સત્યનું જ અસ્તિત્વ રહે છે. આ પ્રકારની વાતોનો સમાવેશ કરીને ગીતાકાર કદાચ આપણને, આપણી મર્યાદાથી ઉપર ઊઠીને સમયને તેની સંપૂર્ણતામાં સમજવો જરૂરી છે, એમ કહેવા માંગે છે.

સત્તરમાં અધ્યાયમાં જ્યારે ત્રણ પ્રકારના તપ, ત્રણ પ્રકારની શ્રદ્ધા વગેરેની વાત થાય છે ત્યારે ત્રણ પ્રકારના ખોરાકની પણ વાત કરવામાં આવે છે. આધ્યાત્મના પુસ્તકમાં ખોરાકનો આ પ્રકારના ઉલ્લેખ માટે કેટલાકને પ્રશ્ર્ન હોઈ શકે. અહીં એ સ્થાપિત કરવામાં આવે છે કે જેટલી શ્રદ્ધાની સાત્વિકતા જરૂરી છે તેટલી જ દાનની સાત્વિકતા જરૂરી છે અને તેટલી જ ખોરાકની સાત્ત્વિકતા જરૂરી છે. અહીં એમ જણાવવા પ્રયત્ન કરાયો છે કે, પ્રમાણમાં ભૌતિક ગણાતી બાબતો કે ઇન્દ્રિયોના વિષય ગણી શકાય તેવી બાબતો પણ સૂક્ષ્મ ભાવને અસર કરી શકે છે. બધું જ પરસ્પર સંકળાયેલું છે.
ચોથા અધ્યાયમાં જ્યારે કર્મ, અકર્મ અને વિકર્મનો ઉલ્લેખ થાય છે ત્યારે કર્મ અને અકર્મની તો વ્યાખ્યા સ્થાપિત કરી દેવાય છે, પરંતુ વિકર્ણની વાત તો ઘણી પછી આવે છે. આનાથી એમ સ્થાપિત થાય છે કે, કઈ વાત ક્યારે કહેવી અને કઈ વાત કહેવા માટે કેવા પ્રકારની ભૂમિકા બાંધવાની જરૂર છે, તેની સમજ બહુ જરૂરી છે. આમ પણ ગીતાના વિચારો એક શૃંખલામાં વ્યક્ત થયા છે. અર્જુનવિષાદ યોગથી શરૂ થયેલ વાત મોક્ષ-સંન્યાસ યોગ પર અટકે છે. આ એક તર્કબદ્ધ પ્રવાસ છે. જે પ્રમાણે આ માર્ગ નિર્ધારિત થયો છે – જે હેતુથી આ માર્ગ નિર્ધારિત થયો છે, તેની સફળતા માર્ગના ક્રમ ઉપર પણ આધારિત છે. કઈ વસ્તુ ક્યારે કહેવાય તે સમજવી જરૂરી છે.

પ્રશ્ર્ન એ પણ થાય કે અર્જુનની જગ્યાએ દુર્યોધનને ભગવતદ્ ગીતા કહેવાઈ હોત તો શું મહાભારતનું યુદ્ધ નિવારી શકાયું હોત. એમ પણ પ્રશ્ર્ન થઈ શકે કે શ્રીકૃષ્ણ તો અર્જુનને ઓળખતા જ હતા અને તેમણે એ વિચારી જ લીધું હશે કે યુદ્ધ ભૂમિમાં અર્જુન વિષાદયોગથી ગ્રસ્ત થશે. તો પછી તેમણે દુર્યોધનને, કે અર્જુનને પહેલેથી જ કેમ ના સમજાવ્યું. આનો જવાબ પણ ગીતામાં જ છે. કોઈપણ કાર્યની સફળતા માટે; સાધન, ક્રિયાઓ અને દૈવ ઉપરાંત અધિષ્ઠાન અને કર્તા પણ મહત્ત્વના છે. કર્તા તરીકે દુર્યોધન યોગ્ય હતો અને અર્જુન માટે યોગ્ય અધિષ્ઠાન કુરુક્ષેત્રની ભૂમિ અને યુદ્ધ પહેલાનો સમય જ હતો.

આવી અસંખ્ય વાતો ગીતામાં કહેવાય છે. ગીતાના હાર્દ સમી બાબતોની સાથે આ બાબતોનું પણ એટલું જ મહત્ત્વ છે. કદાચ રોજિંદુ જીવન જીવવા માટે આવી પ્રમાણમાં નાની ગણી શકાય તેવી બાબતો વધારે મહત્ત્વની બની શકે.

સમજવાની વાત એ છે કે શ્રીકૃષ્ણએ જ ઉદ્ધવજીને પણ એક ગીતા કહી હતી. આપણે જેની વાત કરીએ છીએ તે ભગવદ્ ગીતા છે, અને ઉદ્ધવજીને કહેવાયેલી ઉદ્ધવ ગીતા છે. જે વાત ભગવદ્ ગીતામાં છે એ વાત ઉદ્ધવ ગીતામાં નથી. બંનેના સંદર્ભ જુદા છે, બંનેના શ્રોતા જુદા છે, બંનેનો હેતુ જુદો છે અને બંનેમાં શ્ર્લોકની સંખ્યા પણ જુદી જુદી છે. તે છતાં પણ બંને એક ચોક્કસ પ્રકારના જ્ઞાનનો પ્રસાર કરે છે. અહીં સમજવાની વાત એ છે કે બંને સંદર્ભિક હોવા છતાં બંને એક પ્રકારે સનાતન સત્યને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. એમ સમજાય છે કે સત્ય એ સંદર્ભથી ઉપરની વાત છે.

ગીતા વિશે કહીએ તેટલું ઓછું છે. ગીતા વિશે જે પણ કહેવાય તે ગીતાને સંપૂર્ણતામાં રજુ કરવા પણ અસમર્થ નથી. ગીતાને સંપૂર્ણતામાં સમજવી જ શક્ય નથી. ગીતાએ જીવનનું એવું કાવ્ય છે કે જેના દરેક અક્ષરમાં આધ્યાત્મ વણાઈ ગયું છે. મહાભારતના યુદ્ધને એક તક તથા બહાનું ગણી શ્રીકૃષ્ણએ માનવ જાતની સમક્ષ જ્ઞાનનો એક વિશાળ સાગર સર્જી દીધો છે. આપણા હાથની ક્ષમતા પ્રમાણે જેટલું આચમન લઈ શકાય તેટલું પી લેવાનું. મોટી મોટી વાતો સાથે જે ઝીણું ઝીણું કંતાયુ છે તે ઓઢી લેવાનું. ગીતાનું વિશાળ સત્ય માનવીની પહોંચની બહાર છે. આ વિશાળ સત્યના નાના નાના ભાગ તરીકે નાના નાના સત્ય પામી શકાય તો પણ ધન્યતા અનુભવી.

જે ખબર છે તે તો ખબર જ છે, જે વાંચેલું છે તે તો જાણમાં જ છે, તેનાથી આગળ શું શું છે તે વિષે પણ જિજ્ઞાસા હોવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button