ધર્મતેજ

જેઓ અવતાર હોય તેઓ અવતાર જેવા લાગે નહિ, કારણ કે તેઓ અંધાર પછેડો ઓઢીને આવ્યા હોય છે

જીવનનું અમૃત -ભાણદેવ

શ્રીરામકૃષ્ણદેવ
દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવદવતાર છે. સમજવી-સ્વીકારવી મુશ્કેલ લાગે એવી આ વાત છે, પરંતુ સત્ય છે, અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી, કારણકે સત્ય સ્વયં પ્રતિષ્ઠિત છે. તેઓ અવતાર જેવા લાગતા નથી. જેઓ અવતાર હોય તેઓ અવતાર જેવા લાગે નહિ, કારણ કે તેઓ અંધાર પછેડો ઓઢીને આવ્યા હોય છે. તેઓ પોતાના ભગવત્-સ્વરૂપને છુપાવી રાખે છે. અવતાર અવતાર જેવા દેખાય કે ન દેખાય, પરંતુ અવતાર હોય તે અવતાર જ હોય અને ગમે તેવો મહાન દેખાય તોપણ જીવ એ જીવ જ છે.

છતાં અવતારની કેટલીક લાક્ષણિકતા છે. અવતારની કેટલીક નિશાનીઓ છે, જેને આધારે આપણે અવતારને અવતાર તરીકે ઓળખી શકીએ. અવતાર પોતાની ભગવતાને છુપાવી રાખે છે છતાં તે કેટલાક સંકેતો પણ આપે છે જેને આધારે આપણને તેમનો ભગવદવતાર તરીકે પરિચય મળે છે.

શ્રીરામકૃષ્ણદેવમાં એવું શું છે જેને લીધે આપણે તેમને ભગવદવતાર તરીકે સ્વીકારી શકીશે? માત્ર શંકાએ? માત્ર શંકાને સહારે સત્ય સુધી પહોંચી શકાય તેમ નથી. શ્રદ્ધાને સહારે ચાલીએ તો સત્ય સુધી પહોંચી શકાય છે.

૧. અવતારની બાબતમાં મોટા ભાગે એવું જોવા મળે છે કે ભગવાન અવતાર ધારણ કરવાના હોય ત્યાર પહેલાં તેમનાં માતાપિતાને ભગવદવતરણનો અણસાર મળે તેવા પ્રસંગો તેમના જીવનમાં બને છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રી ચૈતન્ય મહાપ્રભુ આદિ અવતારોનાં માતાપિતાના જીવનમાં, અવતરણ પહેલાં અને પછી પણ, અવતરણનો અણસાર મળે તેવા પ્રસંગો નોંધાયા છે.

શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાય તથા તેમનાં માતા શ્રી ચંદ્રાદેવીને આવા અનુભવો થયાનું નોંધાયું છે. પિતા ખુદ્દીરામ રામકૃષ્ણદેવના જન્મ પહેલાં થોડા સમયે ગયાધામની યાત્રાએ ગયા હતા. ગયા તો ગદાધર વિષ્ણુનું ધામ છે. પિંડદાન તર્પણ શ્રાદ્ધાદિ ક્રિયાઓ પૂરી કર્યા પછી ગયાધામમાં જ એક રાત્રે ખુદીરામજીને સ્વપ્નમાં શ્રીવિષ્ણુનાં દર્શન થયાં. ભગવાન શ્રીવિષ્ણુએ ખુદીરામને કહ્યું. “હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. સરળ હૃદયના ભક્ત ખુદીરામજી આ સાંભળીને પ્રસન્ન થયા. પણ તુરત બોલી ઊઠ્યા, “ના! પ્રભુ, હું ગરીબ માણસ છું. આપની સેવાપૂજા ઉચિત રીતે ન કરી શકું અને સેવાપૂજા ઉચિત રીતે ન થાય તો મને દોષ લાગે! ભગવાને કહ્યું, “ખુદીરામ! તમે મૂંઝાશો નહિ તમે મને ભાવપૂર્વક જે કાંઇ ધરાવશો તેનાથી પ્રસન્ન રહીશ. આટલું કહી ભગવાન શ્રીકૃષ્ણ અંતર્ધાન થઇ ગયા. ખુદીરામજી આ અસાધારણ ઘટનાનો આનંદ લઇને પોતાને ઘેર કામારપુકુર પાછા ફર્યા. તેમને લાગ્યું કે કોઇ દિવ્યપુરુષ તેમને ઘેર જન્મ ધારણ કરશે.

આ જ અરસામાં શ્રીરામકૃષ્ણદેવનાં માતા શ્રી ચંદ્રાદેવીને પણ અસાધારણ અનુભૂતિઓ થવા લાગી. એક વાર માતાજીને એવો અનુભવ થયો કે કોઇ એક જ્યોતિર્મય દિવ્યપુરુષ તેમની સાથે તેમની પથારીમાં છે. આ અનુભવ ચંદ્રાદેવીને, ખુદીરામજી ગયાધામ ગયેલા ત્યારે થયેલો. જ્યારે ખુદીરામજી ગયાધામથી પાછા ફર્યા ત્યારે તેમણે આ વાત તેમને કહી હતી.

વળી આ જ દિવસોમાં એક વાર માતા ચંદ્રાદેવી મહાદેવના મંદિરની સામે ઊભાંઊભાં ધનીની સાથે વાત કરતાં હતાં ત્યારે મહાદેવજીના સંગમાંથી એક દિવ્યજ્યોતિ બહાર નીકળીને મંદિરમાં છવાઇ ગઇ. પછી આ જ્યોતિ વાયુની જેમ મોજા આકારે તેમના તરફ ધસી રહી છે એ જોઇને તેઓ ધનીને વાત કરવાની વિચાર કરે છે તેવામાં તે જ્યોતિ એકદમ આવીને તેમને વીંટળાઇ ગઇ અને બળપૂર્વક તેમનામાં પ્રવેશ કરવા લાગી. તેઓ મૂર્છિત થઇ ગયાં અને ધનીની સારવારથી થોડી વારે ભાનમાં આવ્યાં.

આ ઉપરાંત ચંદ્રાદેવીને અનેક દેવદેવીઓનાં દર્શન પણ થવા લાગ્યાં. સ્વભાવથી જ પ્રેમાળ ચંદ્રાદેવીને પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ હતો જ; પરંતુ આ દિવસોમાં તેમનો પ્રેમ, તેમનું વાત્સલ્ય અનેક ગણાં વધી ગયાં હતાં. તેમણે આ બધી વાતો શ્રી ખુદીરામજીને કરતાં સમજું ખુદીરામજી સમજી ગયા કે ભગવાનકૃપા કરીને તેમને ઘેર અવતાર ધારણ કરશે. તેમણે ચંદ્રાદેવીને આ અનુભવો કોઇને ન કહેવાની શિખામણ આપી અને બંને રઘુવીર પર ભરોસો રાખી શાંતિથી દિવસો નિર્ગમન કરવા લાગ્યાં.

આ પછી યથાસમયે શ્રી ચંદ્રાદેવીએ રામકૃષ્ણદેવને જન્મ આપ્યો.

૨. શ્રીરામકૃષ્ણદેવની અસાધારણ સાધના અને અસાધારણ અનુભૂતિ જોતાં એવું લાગ્યા વિના રહેતું નથી કે કોઇ સામાન્ય જીવમાં આમ થવું સંભવે નહિ સામાન્ય જીવની ચેતના આટલો ભાર ઝીલી શકે નહિ. આ સ્વરૂપની અનેકવિધ સાધનાઓ અને અધ્યાત્મક્ષેત્રની આટલી વ્યાપક અને અનેકવિધ અવસ્થાઓ અને અનુભૂતિઓ માત્ર અવતારમાં જ શક્ય બને છે.

શ્રીરામકૃષ્ણદેવની બાલભાવે માતૃઉપાસના, સખીભાવની સાધના, દાસીભાવની સાધના, વાત્સલ્યભાવની સાધના, અનેકવિધ તાંત્રિક સાધનાઓ, અદ્વૈતવેદાંત મતની સાધના, મુસ્લિમ ધર્મની સાધના, ખ્રિસ્તી ધર્મની સાધના આદિ અનેકવિધ સાધનાઓ, આટલું વ્યાપક વૈવિધ્ય અને દરેક સાધનમાર્ગમાં તીવ્ર ગતિથી આધ્ય સુધી પહોંચવું- આ બધું જોતાં એમ લાગ્યા વિના રહે નહિ કે તેઓ કોઇ સામાન્ય જીવ નથી. સામાન્ય જીવમાં આમ થવું સંભવે નહિ. આ બધાં લક્ષણો સામાન્ય જીવચેતનાનાં નહિ, પરંતુ ભાગવતચેતનાનાં છે.

માત્ર સાધના જ નહિ, પરંતુ રામકૃષ્ણદેવની આધ્યાત્મિક અનુભૂતિની વ્યાપક્તા, વૈવિધ્ય અને ઊંચાઇ જોઇને પણ આશ્ર્ચર્યચકિત થઇ જવાય છે. આટલી સર્વાંગ સંપૂર્ણ અને અનેક પરિમાણોથી યુક્ત વિરલ આધ્યાત્મિક અનુભૂતિ અને સર્વોચ્ચ અવસ્થા સામાન્ય જીવ માટે શક્ય નથી. સામાન્ય જીવનું શરીર અને તેની ચેતના આટલું પામી પણ ન શકે અને ઝીલી પણ ન શકે.
શ્રીરામકૃષ્ણદેવ છ માસ પર્યંત લગભગ નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. સામાન્ય જીવનું શરીર આ અવસ્થામાં એકવીશ દિવસથી વધુ ટકતું નથી છ માસ સુધી આ અવસ્થામાં રહેવું અને પાછા સામાન્ય ચેતનામાં આવવું એ અસાધારણ ઘટના છે, જે સામાન્ય જીવ માટે શક્ય નથી.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે જેમ રાજાનો કુંવર મહેલના સાતે માળ પર યથેચ્છ વિહરી શકે છે. તેમ ઇશ્ર્વરકોટિ પુરુષ ચેતનાના દરેક સ્તર પર વિહરી શકે છે. સામાન્ય જીવ માટે તેમ થવું શક્ય નથી. શ્રીરામકૃષ્ણદેવ ચેતનાની દરેક ભૂમિકામાં યથેચ્છ વિહરી શક્તા. નિર્વિકલ્પ સમાધિ, સગુણ સાકારનાં દર્શન, જગદંબા સાથે સીધો સંપર્ક- વાતચીત, ભાવસમાધિ- આ બધી આધ્યાત્મિક અવસ્થાઓ તેમના જીવનનો સ્વાભાવિક ભાગ બની ગઇ હતી. આ બધાં લક્ષણો દ્વારા તેમની ભગવત્તાનો પરિચય મળે છે.

૩. યોગેશ્ર્વરીદેવી (ભૈરવી બ્રાહ્મણી)એ શ્રીરામકૃષ્ણદેવને સૌપ્રથમ ભગવદવતાર જાહેર કર્યા. તેમણે વૈષ્ણવમતના ગ્રંથોમાંથી અવતારનાં લક્ષણો શોધીને તે બધાં લક્ષણો શ્રીરામકૃષ્ણદેવમાં છે તેમ સાબિત કરી બતાવ્યું. મથુરબાબુએ એ અંગે વિચારણા કરવા માટે વિદ્વાનોની એક સભા બોલાવી. યોગેશ્ર્વરીદેવીએ વિદ્વાનોની આ સભા સમક્ષ સાબિત કરી બતાવ્યું કે શ્રીરામકૃષ્ણદેવ ભગવદવતાર છે. એટલું જ નહિ પણ ઉપસ્થિત વિદ્વાનોએ તેમની આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો.

૪. શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય અને રામકૃષ્ણલીલા પ્રસંગના લેખક શ્રી શારદાનંદજીએ નોંધ્યું છે કે શ્રીરામકૃષ્ણદેવ અનેક વાર કહેતા કે જે રામ, જે કૃષ્ણ તે જ શ્રીરામકૃષ્ણ. વળી તેઓ કહેતા કે જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ આ શરીરમાં (તેમના શરીરમાં) આવેલ છે. એક વાર શ્રીરામકૃષ્ણદેવ નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)ને કહેલું કે જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ અને તે પણ વેદાંતની રીતે નહીં. વેદાંત મત મુજબ તો જે કાંઇ છે તે બધું બ્રહ્મા છે લમૃ ઈાંલ્મર્ડૈ રૂૄસ્ત્ર તેથી જીવમાત્રને બ્રહ્મા માનવામાં કશો બાધ નથી. શ્રીરામકૃષ્ણ આ અર્થમાં અવતાર છે તેમ નહિ, પરંતુ અવતાર એક વિરલ અને રહસ્યપૂર્ણ ઘટના છે. જીવનું બ્રહ્મસ્વરૂપ હોવું એ તો જીવનમાત્રને લાગુ પડે છે, પરંતુ પરમાત્માનું માનવશરીર ધારણ કરી અહીં પૃથ્વી પર આવવું- અવતરવું એ તદ્દન ભિન્ન ઘટના છે અને શ્રીરામકૃષ્ણ આ ભગવદવતરણના અર્થમાં અવતાર છે.

શ્રીરામકૃષ્ણ સત્ય અને નમ્રતાની મૂર્તિ હતા. તેથી અતિ શંકાશીલ પુરુષ સિવાય કોઇ એમના શબ્દોની સચ્ચાઇમાં શંકા સેવે નહિ. એમના શબ્દો પણ એક પ્રમાણ છે. તેથી એમના આ શબ્દો દ્વારા પણ તેઓ ભગવદવતાર હતા તેમ સમજાય છે.

૫. નવદ્વીપની યાત્રા દરમિયાન ગંગાપાર કરતી વખતે શ્રીરામકૃષ્ણદેવને બે કિશોરોનાં દર્શન થયાં. આ બંને કિશોરો તે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી નિત્યાનંદજી હતા. બંને ધીમેધીમે શ્રીરામકૃષ્ણદેવની નજીક આવ્યા અને આખરે તેમના શરીરમાં સમાઇ ગયા. આ અનુભૂતિ દ્વારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીરામકૃષ્ણદેવની અભિન્નતા સિદ્ધ થાય છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવદવતાર છે અને તે જ ફરીથી શ્રીરામકૃષ્ણ સ્વરૂપે આવ્યા હતા એમ આ અનુભૂતિનો અર્થ છે.

૬. ભગવદવતારમાં બે ચેતનાઓ હોય છે. એક માનવચેતના અને બીજી ભાગવતચેતના. શ્રીરામકૃષ્ણદેવમાં આ બંને ચેતનાઓનાં દર્શન થાય છે. મોટા ભાગે તેઓ માનવચેતનામાંથી વ્યવહાર કરતા અને ભક્તભાવમાં રહેતા, પરંતુ અનેક વાર તેઓ ભાગવતચેતનામાં પણ રહેતા અને એ રીતે વ્યવહાર પણ કરતા. આ અવસ્થામાં તેઓ પૂજા માટેનાં ફૂલો અને બિલ્વપત્રો પોતાના મસ્તકે ચડાવતા, જગદંબાના શયનના પાટ પર બેસતા. જગદંબાને ધરવા માટે બનાવેલો ભોગ. જગદંબાને ધરાવ્યા વિના પોતે જ આરોગતા. આ બધા પ્રસંગો દ્વારા તેમનામાં રહેલાં ભાગવતચેતનાનો પરિચય મળે છે, જે માત્ર અવતારમાં જ શક્ય છે.

૭. ભગવાન પોતાના ભક્તોને મળવા આતુર હોય છે. ભક્તો જ ભગવાનના સગાં છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં તેમનું પોતાના ભક્તો પ્રત્યે આ પ્રકારનું વલણ જોવા મળે છે. માએ તેમને બતાવી દીધેલું કે હવે ભક્તો આવશે. તેઓ અગાશી પર ચડીને બૂમો પાડીને ભક્તોને બોલાવતા અને તેમને મળવા માટે અત્યંત આતુર બની જતા. વળી ભક્તોના આગમન વખતે તેઓ ઓળખી જતા કે અમુક વ્યક્તિ તેમના નિજમંડળમાંની એક છે કે નહિ. અવતાર તેમના નિજમંડળ સહિત આવે છે. શ્રીરામકૃષ્ણદેવ પણ પોતાના નિજમંડળ સહિત આવ્યા છે. તેમનો આ પરિવાર અને પરિવારના સભ્યો પ્રત્યે તેમના પ્રેમ- આ બધા દ્વારા તેમના ભગવદવતાર હોવાના સંકેતો મળે છે.

૮. સંપૂર્ણ કામવિજય માત્ર ભગવદવતારમાં જ શક્ય છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રી વ્યાસભગવાને કહ્યું છે કે નારાયણઋષિ વિના આ સંસારમાં એવો કોણ છે જેને કામનું બાણ કદી વાગ્યું ન હોત? અહીં નારાયણઋષિનો ઉલ્લેખ ઉપલક્ષણથી કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ભગવદવતાર સમજવાના છે. એટલે કે સંપૂર્ણ કામવિજય માત્ર ભગવદવતારમાં જ સંભવે છે. શ્રીરામકૃષ્ણદેવમાં આ સ્વરૂપનો સંપૂર્ણ કામવિજય જોવા મળે છે. તેઓએ પોતાના સહધર્માચારિણી શ્રી મા શારદામણિદેવી સાથે છ માસ સુધી એક જ શય્યામાં શયન કર્યું હતું અને એક ક્ષણ માટે પણ તેમનું મન ચલાયમાન થયું ન હતું. આ સ્વરૂપનો કામવિજય સામાન્ય જીવ માટે શક્ય નથી. તેમની આ અવસ્થા દ્વારા તેમની ભગવતાનો પરિચય મળે છે.

જો કોઇ વ્યક્તિ ઇચ્છે તો આ બધાં પ્રમાણોના વિરોધમાં દલીલો કરી શકે છે. કેમ કે આ પ્રમાણો દ્વારા તેમને અવતાર તરીકે સમજી શકાય છે, પરંતુ આ કે અન્ય કોઇ પણ પ્રમાણોથી અવતારને પણ અવતાર તરીકે સિદ્ધ કરી બતાવવાનું કાર્ય દુષ્કર છે. આધ્યાત્મિક સત્યોના વૈજ્ઞાનિક પુરાવા અને તાર્કિક સાબિતી મળી શકે નહિ તેથી કોઇ પણ વ્યક્તિ અવતારને અવતાર તરીકે સ્વીકારવા કે ન સ્વીકારવા માટે હર પળે સ્વતંત્ર છે. અવતારને તો તેઓ જ સમજી-સ્વીકારી શકે જેમના પર કૃપા કરીને અવતાર પોતે જ તેમને પોતાનું સ્વરૂપ બતાવે. જેમની સમક્ષ અવતાર પોતે જ પોતાનો અંધારપછેડો દૂર કરે તે જ અવતારને અવતાર તરીકે જાણી શકે છે અને સ્વીકારી શકે છે. માત્ર બુદ્ધિ દ્વારા અવતારને કોઇ સમજે શકે નહિ, કોઇ સમજી શક્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button