ધર્મતેજ

ભગવાન ઇસુ કહે છે કે જેમને માનવમાં ભગવાન નહીં દેખાય તે જીવનમાં ઘણું ચૂકે છે

માનસ મંથન -મોરારિબાપુ

ભગવાનના રૂપને સમજવું હોય તો, દરેક અક્ષરના ત્રણ-ત્રણ અર્થો સમજવા જોઈએ. ‘ભ’ નો અર્થ ભજન. ભજનનો અર્થ છે વિશ્ર્વાસ,ભરોસો. શ્રદ્ધા આપણે જેને કહીએ છીએ. ભરોસો ત્રણ પ્રકારનો હોય છે. જે વ્યક્તિને પોતાના મન પર પૂરો ભરોસો છે એ ભગવાનના દ્વાદશ લક્ષણોમાંથી એક છે. આ બહુ અઘરું છે. માનસ જવાબ આપે છે-‘રઘુબંસીન કર સહજ સુભાવુ’ ‘મન કુપંથ પર ચલહી ન કાઉ’ માનસમાં રામ બોલ્યા છે કે, મને મારા મન પર ભરોસો છે. એટલે રામ ભગવાન છે. જીસસને પોતાના મન પર ભરોસો છે, બુદ્ધ, સૌને પોતાના મન પર ભરોસો છે એટલે ભગવાન છે. આપણા મન પર જો આપણો ભરોસો હોય તો આપણે પણ ભગવાન. ગંગાસતી કહે છે, ‘મેરુ રે ડગે પણ જેનાં મનડાં ન ડગે પાનબાઈ…’ વ્યાખ્યા તો સહેલી છે, પણ અનુભવ શું કહે છે ? ગીતાએ મન પર બહુ કામ કર્યું છે. ભગવાન કૃષ્ણ કહે છે, કોનું મન ત્યાગના શિખર પર પહોંચ્યું છે ? અકુશળ કર્મમાં દ્વેષ નથી અને કુશળ કર્મમાં આસક્તિ નથી તે ત્યાગની ચરમસીમા છે. મન પર જેને ભરોસો છે તે ભગવાન છે.

હું અને તમે આ વાત પર હોમવર્ક કરીએ છીએ. હું રામાયણ પર હાથ રાખી કહું છું કે, આ કોઈ ઉપદેશ નથી, વાર્તાલાપ છે. ઉપદેશ તો મહાપુરુષો આપે. શું આપણે એક મંત્ર, એક બુદ્ધપુરુષ પર કે, એક શરણાગતિ પર ટકેલા છીએ ખરા ? કે ભટકીયે છીએ ? ખૂબ જ અઘરું છે. પણ વાત તો કરીએ, વિચાર તો કરીએ ! શક્ય છે કે આમાંથી કંઇક બને. બીજું સૂત્ર. વચન પર ભરોસો, બોલનારાને પોતાના વચન પર ભરોસો છે, ત્યારે તે ભગવાન છે. અથવા તો જે બુદ્ધપુરુષ પર ભરોસો મુક્યો હોય તેના વચનો પર વિશ્ર્વાસ. ત્રીજું સૂત્ર છે, કર્મ વિશ્ર્વાસ. જે કર્મ વાવ્યું છે તે ઉગશે. મને ને તમને એવો પાકો વિશ્ર્વાસ હોવો જોઈએ કે આપણાં કર્મોનું ફળ મળશે.

‘ગ’ નો અર્થ વ્યાસપીઠ કરે છે, ગર્વ. જેનામાં ત્રણ પ્રકારનો ગર્વ નથી, તે ભગવાનની પદવીને યોગ્ય છે. જેનામાં તમોગુણનો ગર્વ નથી, રજોગુણનો ગર્વ નથી કે સત્વનો ગર્વ નથી તે ભગવાન છે. ધન, વૈભવ, ઘરેણાં, પદ-પ્રતિષ્ઠા, મોટી મોટી પ્રવૃત્તિઓ-આ નો જેને ગર્વ નથી તે ભગવાન છે. કોઈ બહુ સંપન્ન વ્યક્તિ હોય અને સારું ખાય, સારી રીતે રહે પણ જો તેનો તેને ગર્વ ન હોય તો તેની આલોચના ન કરાય, કારણ કે તે ભગવત યાત્રા કરે છે. સામર્થ્ય હોવા છતાંય જેણે તમોગુણી ગર્વ નથી કર્યો તે હાફપેન્ટમાં, કે પેન્ટમાં પણ ભગવાન છે. હું સાધુ છું, સરળ છું, સહજ છું, દુનિયામાં કોઈનું અહિત નથી કરતો, એવો ભાવ, વિચાર, સત્વગુણી અહંકાર છે. આ પણ જેનામાં નથી તે ભગવાન છે.

‘વ’ એટલે વાત્સલ્ય. પ્રેમની શરૂઆતમાં ક્યારેક ને ક્યારેક કામના હોય છે. પ્રેમ મોટો પદાર્થ છે, પણ જે પ્રેમની આપણે વાત કરીએ છીએ તેના આરંભમાં વાસના હોય છે. મા ને બાળક માટે વાત્સલ્ય જ હોય છે. ગુરુને શિષ્ય માટે વાત્સલ્ય જ હોય છે. ભગવાન ભક્ત વત્સલ છે. સંતપુરુષ, બુદ્ધપુરુષ દુનિયાને વાત્સલ્ય આપે છે.

‘ન’ નો અર્થ કરું છું નજર, દ્રષ્ટિ. ત્રણ પ્રકારની દ્રષ્ટિ. જ્યાં ઉર્ધ્વીકરણ હશે ત્યાં ભગવાનની પદવી મળશે. આ રામાયણે શીખવ્યું છે. શરૂઆતમાં તો દેહદ્રષ્ટિ હશે. પહેલાં નજર દેહ પર જાય. રામના જીવનકાર્ય પર કોઈ વિરોધ ઉઠાવી શકે, નજર પર નહીં. ત્રણ પ્રકારની દ્રષ્ટિ. દેહદ્રષ્ટિ, દિવ્યદ્રષ્ટિ અને દયાળુ દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ ફક્ત દેહ સુધી જ છે ! જે દ્રષ્ટિ કેવળ દેહ પર ન ટકે પણ દિલ સુધી પહોંચે તે દિવ્યદ્રષ્ટિ છે. સૌન્દર્યને જોવામાં કશુંય ખોટું નથી, પરંતુ દેહ પર ટકનારી દ્રષ્ટિ દુન્યવી છે. રામજીએ પુષ્પવાટિકામાં સીતાજીને જોયા. જાનકીજીએ મર્યાદા સાથે રામના સૌન્દર્યને જોયું, પણ દ્રષ્ટિ દિલ સુધી પહોંચે છે. પણ એ દિલમાં દયા ન હોય તો ? ભાવનગરના શાયર નાઝિર લખે છે, “જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વિનાના સાગરની નાઝિરને જરૂર નથી. દેહથી દિલ અને દિલથી દયા સુધી જયારે દ્રષ્ટિ પહોંચશે ત્યારે વ્યક્તિ ભગવદ્પણાની યાત્રા તરફ કદમ માંડે છે.

 મારી દ્રષ્ટિએ આ જેનામાં પડ્યું છે તે ભગવાન છે. અહીં કોણ ભગવાન નથી ? પોણા ભાગનું વિશ્ર્વ જીસસને ભગવાન માને છે, ત્યારે મને ભગવાન શબ્દના કંઇક આવા અર્થો સુઝે છે. આપણને દ્વિભુજ રૂપી માનવમાં ભગવાન દેખાય. માનવમાં ભગવાનનું દર્શન આપણને નજીક પડશે. બે હાથથી ખૂબ કમાઓ, ત્યાં સુધી તમે અડધા ભગવાન છો. ચાર હાથથી વ્હેંચશો ત્યારે પૂરા ભગવાન છો.

મારા શ્રાવકો, ભગવાન ઇસુની સ્મૃતિ સાથે જોડાયેલી રોમની આ કથાનું કેન્દ્ર છે ભગવાન, માનવ ભગવાન. જેને માનવમાં ભગવાન નહીં દેખાય તે ચૂકે છે. બોરીમાં પડેલાં ઘઉંનું મહત્ત્વ નથી, એ ઘઉંમાંથી લોટ થાય, અને ગરીબ-છેવાડાના માણસ સુધી પહોંચે તેમાં ઘઉંની સાર્થકતા છે. મંદને મધ્યમ કરે, મોહવશને નેહવશ કરે અને કુટિલ હૃદયને સરળ હૃદય કરે તે ભગવાન.

(સંકલન : જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button