ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન પાછો ફર્યો દક્ષિણ આફ્રિકા, જાણો આજે શું કર્યું મેદાનમાં?
સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ટવેન્ટી-20 મેચ, વન-ડે મેચ પછી ટેસ્ટ સિરીઝ રમાડવામાં આવશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.
સાઉથ આફ્રિકા સામેની 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ચૂક્યો છે. કોહલી અગાઉ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા બાદ કેટલાક પારિવારિક કારણોસર ઘરે પરત ફર્યો હતો, પરંતુ તે ફરીથી ટીમ સાથે જોડાયો છે અને આજે પ્રેક્ટિસ કરતા પણ જોવા મળ્યો હતો.
આ સમય દરમિયાન તેણે ફાસ્ટ બોલરો સામે પ્રેક્ટિસ કરી હતી. આ સિવાય તે પ્રેક્ટિસ દરમિયાન હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે પણ વાતચીત કરી હતી. પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ઑફ-સ્ટમ્પની બહાર જતા બોલને છોડવા પર કેન્દ્રિત કર્યું હતું.
દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી અને ઝડપી પરિસ્થિતિમાં વિકેટ પર ટકી રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પ્રેક્ટિસ દરમિયાન કોહલીએ પણ કેટલાક આક્રમક શોટ ફટકાર્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ તેની સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
ભારત અને આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ 26થી 30 ડિસેમ્બર વચ્ચે સેન્ચુરિયનમાં સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાશે. ભારતીય સમયાનુસાર બપોરે દોઢ વાગ્યે શરુ થશે, જ્યારે બીજી ટેસ્ટ ત્રીજીથી સાતમી જાન્યુઆરી કેપટાઉનમાં રમાડવામાં આવશે, જે બપોરે બે વાગ્યે શરુ થશે.
ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કે.એસ. ભરત, મહોમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન અને પ્રસિદ્ધ કૃષ્ણાને સમાવેશ કર્યા છે.