આપણું ગુજરાત

ઉત્તર ગુજરાતમાં ૧૧.૬૭ લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ રવી વાવેતરને માફકસર ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. એક તરફ ઉત્તર ગુજરાતમાં ૧૦૦ ટકા કરતાં પણ વધુ શિયાળુ વાવેતર ખેડૂતોએ કરી દીધું છે, પરંતુ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૬થી ૧૭ ડિગ્રીની આસપાસ રહેતાં હજુ ઠંડી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ નથી.
પરિણામે ઘઉં, ચણા, વરિયાળી, જીરું સહિતના પાકને જોઈએ તેવી ઠંડી ન મળતાં ઉત્પાદન ઉપર અસર થવાની દહેશત ઊભી થઈ છે. પલટાયેલા વાતવરણને કારણે હાલ ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને પરોઢે ઝાકળ પડતાં રાયડો, વરિયાળી, દિવેલા, જીરું સહિતના વાવેતરમાં રોગચાળો આવવાની આશંકા ઊભી થઈ છે.

ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને તા.૨૦મી ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ હતી. આ વર્ષે પણ આ અઠવાડિયાથી તાપમાનનો પારો ગગડવાનો શરૂ થશે અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ
રહેલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧૬૭૮૦૫ હેક્ટરમાં રવી વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ ઘઉંનુ ૩.૧૮ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ, ખાતર અને દવાઓ તેમ જ મજૂરીનો ખર્ચ કરી શિયાળુ વાવેતર કરી દીધું છે, પરંતુ ભરશિયાળે ઠંડીમાં ઘટાડો અનુભવાતાં ચિંતા સર્જાઈ છે.

એક તરફ હજુ આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની અને કેટલાક વિસ્તારોમાં વાતાવરણ અસ્થિર થતાં કમોસમી વરસાદની પણ હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે ત્યારે ઉત્પાદનમાં અસર થવાની દહેશત ઊભી થઈ છે. ઉત્તર ગુજરાતમાં ૧૧.૬૭ લાખ હેક્ટરમાં વિવિધ રવી પાકોનું વાવેતર કરાયું છે.

ઉત્તર ગુજરાતમાં એક માત્ર મહેસાણા જિલ્લામાં અગાઉના વર્ષના વાવેતરની સરખામણીએ સરેરાશ ૯૦.૯૩ ટકા વાવેતર થયું છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૧૦૦ ટકા કરતાં વાવેતર કરવામાં આવ્યુ છે. પાટણ જિલ્લામાં ૧૦૮.૫૪ ટકા, સાબરકાંઠામાં ૧૦૬.૧૮ ટકા, અરવલ્લીમાં ૧૦૨.૦૧ ટકા અને બનાસકાંઠામાં ૧૦૧.૫૩ ટકા વાવેતર ગત તા.૧૬મી ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં થઈ ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button