આપણું ગુજરાત

પીએમ સ્વનિધિ યોજના નાના માણસો માટેની મોટી યોજના: અમિત શાહ

જનકલ્યાણ: અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓની સાથે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (પીટીઆઈ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન સમારંભને સંબોધતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે જણાવ્યું કે, કોરોનાની મહામારી સમયે દેશના નાના વેપારીઓ, ફેરિયાઓના પડી ભાંગેલા ધંધા-વ્યવસાયોને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે અને નાના શેરી ફેરિયાઓ અને વેપારીઓને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓને ક્રમશ: ૧૦, ૨૦ અને ૫૦ હજાર રૂપિયાની કાર્યશીલ મૂડી કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવે છે. તેમના ગેરંટર વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનામાં સૌથી ઓછું એનપીએ જોવા મળ્યું છે. એટલે કે મોટાભાગની લોન પરત કરવામાં આવી રહી છે, જે નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓની પ્રામાણિકતાની સાબિતી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર પીએમ સ્વનિધિ યોજનાના લાભોના વિતરણમાં દેશભરમાં સૌથી પ્રથમ ક્રમે છે. શહેરમાં ૧,૫૫,૧૦૬ શેરી ફેરિયાઓ અને નાના વેપારીઓની અરજી મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ૧,૪૮,૫૦૩ લાભાર્થીઓને ૧૮૬.૬૮ કરોડની લોન ચૂકવવામાં આવી છે. સમયસર લોન પરત કરવાથી સાત ટકા વ્યાજની સબસીડી લાભાર્થીને મળે છે. એટલું જ નહિ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી વાર્ષિક રૂ. ૧૨૦૦ કેશબેક પણ લાભાર્થીઓને મળે છે.

આ યોજના અંતર્ગત અરજી કરનાર ૪૫ ટકા લાભાર્થીઓ મહિલાઓ છે. દેશમાં ૪૦ લાખથી વધુ ફેરિયાઓ આજે ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા છે. તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૬૦ કરોડ ગરીબોના જીવનધોરણ ઉપર આવ્યા છે. ત્રણ કરોડ લોકોને ઘર, ચાર કરોડ લોકોને વીજળી, ૧૦ કરોડ લોકોને ગેસ જોડાણ, ૮૦ કરોડ લોકોને મફત અનાજ, ૧૨ કરોડ ખેડૂતોને પ્રત્યેકને રૂ. ૬ હજાર વાર્ષિક સહાય, ૬૦ કરોડ લોકોને ૫ લાખ સુધીની આરોગ્ય સહાય મળી છે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં જોડવા સરકાર પ્રયાસરત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ઠપ્પ થયેલા ધંધા રોજગારને પુનર્જીવિત કરવા અને ખાસ કરીને નાના વેપારીઓને ફરી બેઠા કરવા માટે પીએમ સ્વનિધિ યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૫.૫ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૭૦૦ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button