વેપાર

રાજકીય અને આર્થિક સ્થિરતાને ટેકે ડિસેમ્બરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટીમાં રૂ. ૫૭,૩૦૦ કરોડ ઠાલવ્યા

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી બૉન્ડની યિલ્ડમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે રાજકીય સ્થિરતા અને આકર્ષક આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેતા ગત ડિસેમ્બર મહિનામાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૫૭,૩૦૦ કરોડ ઠાલવ્યા છે અને આ સાથે જ આ વર્ષમાં તેઓનું રોકાણ રૂ. ૧.૬૨ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. સેક્ટર અનુસાર એફપીઆઈની ફાઈનાન્સિયલ સર્વિસીસ ઉપરાંત ઑટો, કેપિટલ ગૂડ્સ અને ટેલિકોમ ક્ષેત્રમાં લેવાલી જોવા મળી છે.

વધુમાં આગામી વર્ષે અમેરિકા ખાતે વ્યાજદરમાં ઘટાડો થતાં વર્ષ ૨૦૨૪માં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીમાં વધારો થવાની શક્યતા જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે વ્યક્ત કરી હતી. વધુમાં અમેરિકી બૉન્ડની યિલ્ડમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે પણ એફપીઆઈનાં વ્યૂહમાં બદલાવ જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અને વર્તમાન ડિસેમ્બર મહિનામાં ગત ૨૨મી ડિસેમ્બર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ-એફપીઆઈ)ની ભારતીય ઈક્વિટીમાં રૂ. ૫૭,૩૧૩ કરોડની ચોખ્ખી લેવાલી રહી છે, જે આ વર્ષમાં અત્યાર સુધીમાં માસિક ધોરણે જોવા મળેલો સૌથી વધુ આંતરપ્રવાહ રહ્યો છે.

આ પૂર્વે ગત ઑક્ટોબર મહિનામાં રૂ. ૯૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. તે પહેલા ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રૂ. ૩૯,૩૦૦ કરોડ પાછાં ખેંચ્યા હોવાનું ડિપોઝીટરીઝે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

ભારતીય સ્ટોક માર્કેટમાં એફપીઆઈનાં વધેલા મજબૂત પ્રવાહ માટે ઘણાં કારણો છે. જેમાં ખાસ કરીને રાજકીય સ્થિરતા અને ભારતીય બજારોમાં જોવા મળેલા સકારાત્મક વલણનો સમાવેશ થતો હોવાનું મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાનાં એસોસિયેટ ડિરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવાએ જણાવતા ઉમેર્યું હતું કે દેશમાં જોવા મળી રહેલી મજબૂત આર્થિક વૃદ્ધિ આકર્ષક કોર્પોરેટ આવક અને હારબંધ આવેલા આઈપીઓએ એફપીઆઈને ભારતમાં રોકાણની તકો શોધવા માટે આકર્ષીત કર્યા છે.

વધુમાં ડિપોઝીટરીઝની આંકડાકીય માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં એફપીઆઈનો ડેબ્ટ માર્કેટમાં આંતરપ્રવાહ રૂ. ૧૫,૫૪૫ કરોડનો રહ્યો હતો. આ પૂર્વે ઑક્ટોબરમાં રૂ. ૬૩૮૧ કરોડનો અને નવેમ્બર મહિનામાં રૂ. ૧૪,૮૬૦ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button