યુનિફોર્મ સિવિલ કોડનો આખા દેશમાં અમલ થવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લોકસભાની ચૂંટણી નજીક આવી એ સાથે જ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો પાછો ગાજ્યો છે. ઉત્તરાખંડની ભાજપની સરકાર લાંબા સમયથી રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનું વાજું વગાડ્યાં કરે છે. એ માટે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ સમિતિ પણ બનાવી છે. આ સમિતીએ હજુ પોતાનો અહેવાલ નથી આપ્યો પણ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દાવો કર્યો છે કે, આવતા મહિને જસ્ટિસ દેસાઈ સમિતિનો અહેવાલ મળતાં જ ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાગુ કરી દેવાશે.
ધામીના કહેવા પ્રમાણે, જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ સમિતિએ અહેવાલનો ડ્રાફ્ટ લગભગ તૈયાર છે અને જેવો અમને સોંપાશે કે તરત વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા સહિતની પ્રક્રિયાઓનું પાલન કરીને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દઈશું કેમ કે ઉત્તરાખંડની પ્રજાએ યુનિફોર્મ સિવિલ કોડ માટે અમને જનાદેશ આપ્યો છે. આ કારણે સરકાર બનતાં જ પહેલી કેબિનેટમાં ૨૭ મે, ૨૦૨૨ના રોજ જસ્ટિસ દેસાઈના વડપણ હેઠળ સમિતિની રચના કરાઈ હતી. આ સમિતીએ લોકોને મળીને અને સૂચનોના આધારે અંતિમ અહેવાલ તૈયાર કરી દીધો છે.
ધામીની વાતમાં કેટલો દમ છે તેની ખબર મહિનામાં પડી જશે તેથી એ વિશે ચર્ચા કરવાનો અર્થ નથી, પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ માત્ર ઉત્તરાખંડમાં જ કેમ કરવા માગે છે, આખા દેશમાં કેમ નહીં ? કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી, અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરનું નિર્માણ અને દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ એ ૩ ભાજપના મુખ્ય મુદ્દા હતા.
આ પૈકી કાશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી થઈ ગઈ અને અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરનું નિર્માણ પણ પૂરું થવામાં છે. હવે માત્ર યુનિફોર્મ સિવિલ કોડનો અમલ બચ્યો છે ત્યારે ભાજપે આખા દેશમાં તેનો અમલ કરવાની તત્પરતા બતાવવી જોઈએ. તેના બદલે ભાજપ ઉત્તરાખંડ જેવા નાના રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કેમ કરી રહ્યો છે?
ભાજપ લોકસભાની ચૂંટણીમાં પોતે યુનિફોર્મ સિવિલ કોડ લાવવા મુદ્દે ગંભીર છે એવું બતાવવા માટે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવા માગતો હોય એવું બને પણ ભાજપે એ વિચાર પડતો મૂકવો જોઈએ. તેના બદલે આખા દેશમાં એક સાથે જ તેનો અમલ કરવો જોઈએ.
આમ પણ આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની પ્રક્રિયા શરૂ કરી જ દેવાઈ છે. કેન્દ્રીય કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સામાન્ય લોકો, પ્રજાના હિતમાં કામ કરતી સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનોને મંતવ્યો મંગાવી લીધાં છે. આ મંતવ્યોના આધારે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય તેમ છે. તેમાં સમય લાગી શકે પણ તેનાથી બહુ ફરક પડતો નથી. આ દેશે આઝાદી પછી ૭૫ વર્ષ યુનિફોર્મ સિવિલ કોડ વિના કાઢ્યાં જ છે એ જોતાં હજુ થોડાક મહિના કે વરસ પણ ખેંચાશે તો કોઈ ફરક પડવાનો નથી પણ એક સાથે આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ થશે તો એક સ્ટ્રોંગ મેસેજ જશે.
ભારતના બંધારણે તમામ લોકોને સરખા ગણ્યા છે પણ સમાન સિવિલ કોડ નથી તેથી બધાં લોકો સરખાં નથી ગણાતાં. હાલમાં વિવિધ ધર્મ સમુદાય અને સંપ્રદાયોના લોકો માટે અલગ-અલગ નાગરિક કાયદા છે એ રાષ્ટ્રીય એકતાની ભાવનાથી વિરૂધ્ધ છે. ધર્મના આધારે બનાવાયેલા પર્સનલ લોના કારણે બંધારણે આપેલો સમાનતાનો અધિકાર હાંસીને પાત્ર બની ગયો છે. આખા દેશમાં એક સાથે યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવશે તો બંધારણનું ગૌરવ ફરી સ્થાપિત થશે ને દેશમાં સાચા અર્થમાં સમાનતા આવશે એ જોતાં થોડું મોડું ભલે થાય પણ યુનિફોર્મ સિવિલ કોડનો અમલ આખા દેશમાં એક સાથે થવો જોઈએ.
આખા દેશમાં એક સાથે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ બીજી રીતે પણ ભાજપ માટે મહત્ત્વનો છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ અસ્તિત્વમાં હતી ત્યારે ભાજપ સવાલ કરતો કે, એક દેશમાં બે કાયદા કઈ રીતે ચાલી શકે ? આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ રાજ્યોની ચૂંટણીના પ્રચાર વખતે મધ્ય પ્રદેશમાં સવાલ કરેલો કે, એક દેશમાં બે કાયદા કેવી રીતે ચાલી શકે?
આ વાત બિલકુલ સાચી છે. એક દેશમાં બે કાયદા ના જ ચાલી શકે. ઉત્તરાખંડમાં અલગ કાયદો હોય ને દેશનાં બીજાં રાજ્યોમાં અલગ કાયદો હોય એ ના ચાલી શકે એ જોતાં આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ જોઈએ.
મોદી સરકાર કેવો યુનિફોર્મ સિવિલ કોડ લાવશે એ ખબર નથી પણ આ યુનિફોર્મ સિવિલ કોડ સાચા અર્થમાં યુનિફોર્મ હોવો જોઈએ. યુનિફોર્મ સિવિલ કોડ સામે મુસ્લિમોને તો વાંધો છે જ પણ આદિવાસીઓનો પણ વિરોધ છે.
મોદીએ એક દેશમાં બે કાયદાની વાત કરી પછી નિવેદનના પગલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રાતોરાત બેઠક બોલાવીને યુનિફોર્મ સિવિલ કોડની હિલચાલ સામે વિરોધ કર્યો હતો. આદિવાસીઓના સંગઠન રાષ્ટ્રીય આદિવાસી એક્તા પરિષદે તો યુનિફોર્મ સિવિલ કોડના કારણે પોતાના રીતિ-રિવાજો ખતમ થઈ જશે એવો વાંધો લઈને યુનિફોર્મ સિવિલ કોડના સંભવિત અમલ સામે અરજી પણ કરી નાખી હતી.
આ સંજોગોમાં ભાજપ જે યુનિફોર્મ સિવિલ કોડ લાવે તેમાંથી આદિવાસીઓને બાકાત રખાશે એવી અટકળો ચાલી રહી છે. ભાજપ ખરેખર એવું કરશે કે નહીં એ ખબર નથી પણ એવું કરાય તો યુનિફોર્મ સિવિલ કોડનો મતલબ નથી ને ભાજપ કૉંગ્રેસ કરતાં અલગ સાબિત ના થાય. કૉંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ માટે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ના કર્યો. હવે ભાજપ આદિવાસીઓને રાજી રાખવા તેમને બાકાત રાખે તો એ પણ એક પ્રકારનું તુષ્ટિકરણ જ કહેવાય. આદિવાસીઓમાં પણ પુરુષને ચાર લગ્ન સહિતની છૂટછાટો છે ને એ બધા રિવાજો આદિવાસી મહિલાઓના અધિકાર છીનવે જ છે. હવે ભાજપ મુસ્લિમ મહિલાઓને થયેલો અન્યાય દૂર કરવા યુનિફોર્મ સિવિલ કોડ લાવતો હોય તો આદિવાસી મહિલાઓને થતો અન્યાય પણ દૂર કરવો પડે કે નહીં ?