સલીમ કુત્તાના પેરોલ પર કોની સહી હતી? સંજય રાઉતે ઉપસ્થિત કર્યો સવાલ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે પોતાની નાશિકની મુલાકાત દરમિયાન સુધાકર બડગુજર અને સલીમ કુત્તાની પાર્ટીના પ્રકરણ પર સત્તાધારી પાર્ટીની જોરદાર ટીકા કરતાં એવો સવાલ કર્યો હતો કે સલીમ કુત્તાને પાર્ટી કરવા માટે પેરોલ આપવાના આદેશ પર કોની સહી હતી?
તેમણે એવો દાવો કર્યો હતો કે આ પાર્ટી ભાજપના પદાધિકારી દ્વારા આયોજિત કરવામાં આવી હતી. વ્યંકટેશ મોરેની પાર્ટીમાં બડગુજરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યા સંબંધિત ગુનેગાર (કુત્તા)ને પેરોલ કોણે આપ્યા હતા? ગૃહપ્રધાન કોણ હતા? આ બધી બાબતોની તપાસ કરશો તો બધી સચ્ચાઈ બહાર આવશે.
તેમમે એમ પણ કહ્યું હતું કે તે એટલો ભયંકર ગુનેગાર હતો કે બોમ્બસ્ફોટનો આરોપી હતો. તેને જેલમાંથી કોની સહીને આધારે છોડવામાં આવ્યો હતો તેની તપાસ ખુદ ભાજપે કરવી અને પછી અમારી તરફ અંગુલિનિર્દેશ કરવો.
વ્યંકટેશ મોરે આજે પણ ભાજપનો નાશિકનો પદાધિકારી છે. તેણે જ સર્વપક્ષી પાર્ટીનું આયોજન કર્યું હતું. આવી પાર્ટીમાં જવું અને ત્યાં બેસીને ચર્ચા કરવી આપણી સંસ્કૃતિ છે. ભાજપમાંના સલીમ કુત્તાના સહકારીએ જે સવાલ કર્યા છે, તેમણે પહેલાં પોતાના તરફ નજર કરવી એમ કહેતાં તેમણે ભાજપના નેતા નિતેશ રાણેની ટીકા કરી હતી.