આમચી મુંબઈમહારાષ્ટ્ર

કૉંગ્રેસના વિધાનસભ્ય બરતરફ: સંખ્યામાં એકનો ઘટાડો

મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન સુનિલ કેદારને રાજ્ય વિધાનસભામાંથી ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. નાગપુર જિલ્લા મધ્યવર્તી સહકારી બેંક (એનડીસીસીબી)માં ભંડોળની ગેરરીતિના કેસમાં અદાલતે તેમને સજા કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આની સાથે રાજ્ય વિધાનસભામાં કૉંગ્રેસનું સંખ્યાબળ 45થી ઘટીને હવે ફક્ત 44 થઈ ગયું છે.

રાજ્ય વિધાનમંડળ સચિવાલય દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા ગેઝેટ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સુનિલ કેદારને સજા થઈ તે દિવસથી એટલે કે 22 ડિસેમ્બરથી બંધારણની જનપ્રતિનિધિત્વ અંગેના કાયદાની કલમોને આધારે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુનિલ કેદારનો સાવનેર મતદારસંઘ તેમની સજાના દિવસથી જનપ્રતિનિધિત્વ વિહીન જાહેર કરવામાં આવ્યો છે.

નાગપુરની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા શુક્રવારે કેદાર અને અન્ય પાંચ લોકોને બેંકમાં નાણાંની ગેરરીતિ માટે દોષી જાહેર કરીને પાંચ વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.

આ કેસ 2002ની સાલનો હતો.

પાંચ વખત વિધાનસભ્ય બનેલા કેદારને કારાવાસની સાથે રૂ. 10 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે.

વિધાનસભ્યપદ રદ કરવાની શું ઉતાવળ હતી: કૉંગ્રેસ

ભાજપના વિધાનસભ્ય-સંસદસભ્યને એક ન્યાય વિપક્ષીને બીજો એવી ટીકા કરી

મુંબઈ: કૉંગ્રેસના નેતા સુનિલ કેદારનું વિધાનસભ્ય પદ રદ કરવામાં આવ્યું તેની આકરી ટીકા કરતાં કૉંગ્રેસે કહ્યું હતું કે ભાજપના વિધાનસભ્યો-સંસદસભ્યોને ગેરલાયક ઠેરવવાનો વારો આવે છે ત્યારે તેમને કાયદાની જોગવાઈઓમાં રહેલા છીંડાને ગોતીને બચાવવામાં આવે છે. કાયદા કરતાં કોઈ મોટું નથી, પરંતુ સત્તાધારી ભાજપના વિધાનસભ્યો-સંસદસભ્યો માટે એક ન્યાય અને વિપક્ષી નેતાઓ માટે બીજો ન્યાય એવી પદ્ધતિ અત્યારે જોવા મળી રહી છે. સુનિલ કેદાર સંબંધે અદાલતે ચુકાદો આપ્યો છે તેનું અમે સન્માન જ કરીએ છીએ, પરંતુ તેમનું વિધાનસભ્ય પદ આટલી ઉતાવળે રદ કરવાની શું આવશ્યકતા હતી? એવો સવાલ મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવક્તા અતુલ લોંઢેએ કર્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપના વિધાનસભ્ય-સંસદસભ્યોને અદાલત કોઈ પ્રકરણમાં દોષી ઠેરવે તો તેમને અપીલ કરવાની તક આપવામાં આવે છે. સત્તાધારી પક્ષ તેમનું સભ્યપદ બચાવવા માટે બધા જ પ્રયાસો કરે ચે, પરંતુ વિપક્ષી જનપ્રતિનિધિને આવી તક ન આપતાં 24 કલાકમાં ગેરલાયક ઠેરવીને નિવાસસ્થાન છોડવાની ફરજ પાડવામાં આવે છે. કૉંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીની સજાને સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થગિતી આપવામાં આવ્યા બાદ સંસદસભ્ય પદ ફરી બહાલ કરવામાં આવ્યું હતું. જ્યારે મુઝફ્ફરનગરના ભાજપના વિધાનસભ્ય વિક્રમ સૈની અને સંસદસભ્ય કાંકરિયાને સજા કરવામાં આવ્યા બાદ આવી કાર્યવાહી તત્કાળ કરવામાં આવી નહોતી, પરંતુ સુનિલ કેદારના પ્રકરણમાં તત્કાળ કાર્યવાહી કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત