37 હજાર આહિરાણીઓએ પારંપરિક પહેરવેશમાં મહારાસ રમી રચ્યો રેકોર્ડ!
દેવભૂમિ દ્વારકા: ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં આજે એક ઇતિહાસ રચાયો છે. એકસાથે 37 હજાર જેટલી આહિરાણીઓ વહેલી સવારે નંદગામ પરિસર ખાતે એકત્ર થઇને મહારાસ રમ્યા હતા અને અનોખો રેકોર્ડ સર્જ્યો હતો. આ મહારાસ દરમિયાન આહીર સમાજના અનેક મહાનુભાવો એકત્રિત થયા હતા. માયાભાઇ આહીર, સભીબેન આહીર જેવા લોકગાયકોની ઉપસ્થિતિમાં જામનગરના સાંસદ પૂનમ માડમે પણ અન્ય આહીર બહેનો સાથે રાસ રમ્યા હતા.
સવારે 8 વાગ્યાથી રાસ રમવાની શરૂઆત થઇ હતી જે સતત દોઢ કલાક સુધી ચાલ્યા હતા. રાસમાં ઉપસ્થિત રહેવા માટે દુનિયાભરમાંથી આહીર સમાજના ભાઇબહેનો દ્વારકા પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન પણ યોજાયું હતું અને એ પછી ગ્રાઉન્ડની મધ્યમાં ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
એકસરખો પારંપરિક પહેરવેશ, માથે લાલ ચૂંદડી, ગળામાં સોનાના દાગીના ધારણ કરી 37 હજાર આહીરાણીઓ રાસમાં હિલોળા લેતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. રાસ પૂર્ણ થયા બાદ વિશ્વશાંતિ માટે રેલી કાઢવામાં આવી હતી. શંકરાચાર્યના પ્રતિનિધિઓ દ્વારા શાંતિસંદેશ આપવામાં આવ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતા એ જગવિખ્યાત વાયકા છે. એક કથાનક મુજબ આજથી 500થી વધુ વર્ષો પહેલા ભગવાન શ્રીકૃષ્ણ કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે રાસ રમવા ઢોલી સ્વરૂપે આવ્યા હતા તેવી પણ કથા પ્રચલિત છે. શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની પત્ની ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઇ હતી. તેની સ્મૃતિમાં યાદવકુળના આહીરાણીઓ દ્વારા રાસ રમી તેમને અંજલિ આપવામાં આવી હતી.
અખિલ ભારતીય યાદવ સમાજ, આહીરાણી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હજારો આહીરાણીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.