નકલી ટોલનાકા કાંડ સંદર્ભે કડવા પાટીદાર યુવક મંડળના રોષનો ભોગ બનતા જયરામ પટેલ
રાજકોટઃ આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે પ્રેસ અને મીડિયા સમક્ષ આવ્યા હતા. વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને એફઆઇઆરમાં પણ તેનું નામ છે તો ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટમાંથી જયરામ પટેલે જવાબદારી સ્વીકારી અને નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ, જેથી કરી અને સમાજમાં એક દાખલો બેસે.
બોગસ ટોલનાકું પકડાયું ત્યારે જયરામ પટેલે મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે એ જગ્યાના માત્ર માલિક છીએ અમે તે જગ્યા ભાડે આપી છે.જેથી બોગસ ટોલનાકુ ચાલે છે તેમાં અમારી સંડોવણી નથી, પરંતુ આ વાતમાં ક્યાંય લોજિક દેખાતું નથી, કારણ કે કોઈપણ પાર્ટીને તમે જગ્યા ભાડે આપો પછી તે જગ્યા પર શું પ્રવૃત્તિ ચાલે છે અને તે પણ જ્યારે સરા જાહેર ચાલતી હોય અને માલિકને ખબર ન હોય તેવું તો કેમ બને?
આવા સંજોગોમાં કડવા પાટીદાર સમાજનું નામ ખરાબ થતું હોય અને ખોડલધામ ટ્રસ્ટ નિર્વિવાદ ટ્રસ્ટીઓને લઈ અને ચાલતું હોય તો જયરામ પટેલે પોતાના દીકરાનું નામ એફઆઇઆરમાં આવતું હોય ત્યારે જવાબદારીપૂર્વક વર્તી અને રાજીનામું આપવું જોઈએ તેવું યુવક મંડળ માગણી કરી રહ્યું છે. આવતી તારીખ 6ના રોજ ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટની એક મિટિંગનું આયોજન થયું છે તેમાં એક વાત એવી પણ છે કે કદાચ જયરાજ પટેલ કોઈ કારણસર રાજીનામું આપી પણ દે.પરંતુ જો રાજીનામું નહીં દે તો કડવા પાટીદાર યુવક મંડળ મીટીંગ રેલી ધારણા પ્રદર્શન અને સભા જેવા કાર્યક્રમો દ્વારા જયરામ પટેલનો વિરોધ કરશે.આજરોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જ્યારે આવ્યા છે ત્યારે તમામ પટેલ અગ્રણીઓ હાજર રહેવાના છે. પરંતુ સૂત્રો જણાવે છે કે જયરામ પટેલને આડકતરી રીતે કહેવાય ગયું છે કે તમારે હાજર ન રહેવું.
એટલે કદાચ તે હાજર નહીં રહે. સમગ્ર મામલામાં એક વાત નક્કી છે કે ક્યાંક રાજકીય દોરી સંચાર પણ થતો હોવો જોઈએ. આ એ જ કડવા પાટીદાર સમાજ છે જેને મોરબી જુલતાપુલ પ્રકરણમાં ઓરેવા ગ્રુપના અગ્રણી જ્યારે જેલમાં છે ત્યારે તેના જામીન માટે રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ટ્રસ્ટના લેટરપેડનો ઉપયોગ કરી સરકારને ભલામણ કરી હતી. કે જયસુખ પટેલને જામીન પર છોડવામાં આવે તેવી ભલામણ કરવી, પરંતુ આ તો ન્યાયિક પ્રક્રિયા હોય આવી માગણીઓ અસર કરતા રહેતી નથી.તેના માટે હાઇકોર્ટનો સહારો લેવો પડે. હવે જોઈએ આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણ કેવા રાજકીય રંગે રંગાઈ છે.