આપણું ગુજરાતટોપ ન્યૂઝ

શૉકિંગઃ ફ્રાન્સમાં પકડાયેલા વિમાનમાં મહેસાણાના એજન્ટે મોકલેલા પેસેન્જરો મળ્યાના અહેવાલો

અમદાવાદઃ ખૂબ શૉકિંગ કહી શકાય તેવા સમાચાર ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે આવ્યા છે. ફ્રાન્સમાં માનવ તસ્કરીની શંકા સાથે પકડાયેલા વિમાનના તાર ગુજરાતના મહેસાણા સાથે જોડાયેલા હોવાનું મીડિયાના અહેવાલો જણાવે છે.

વ્યકિતગત કામે ભાડે લેવાયેલા અને લગભગ 300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય અમેરિકા જઈ રહેલા વિમાનમાં લગભગ 90થી 100 ગુજરાતીઓ હોવાની વાત બહાર આવતા ખળભળાટ મચ્યો છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતી ગુજરાત-મુંબઈની ગેંગના સભ્યો ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું પણ કહેવાય છે.

મહેસાણા જિલ્લામાં રહેતા એક એજન્ટ અને તેના સાથીનું નામ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે UAE ખાતે વ્યવસ્થા ગોઠવી છે. જોકે ગુજરાતમાંથી અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાંથી આ રીતે અમેરિકા કે કેનેડામાં ગેરકાયદે ઘુસણખોરી કર્યાના બનાવો બહાર આવતા રહે છે, પરંતુ આખું પ્લેન આ રીતે વિદેશની ધરતી પર ઉતારી દેવાયાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

આ પહેલા વાયા નિકારાગુઆ, મેક્સિકો લાઈનથી ઘૂસણખોરોને બે વાર ચાર્ટડ પ્લેનમાં મોકલ્યાની માહિતી પણ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

બે દિવસ અગાઉ રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાન્સના વેટરી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી હોવાની આશંકા ઓથોરિટીને હતી.

આ વિમાન સંયુક્ત આરબ અમિરાતથી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 પ્રવાસી હતા. ફ્રાન્સના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ -જુનાલ્કોએ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકા અથવા કેનેડામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશમાં જઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ તસ્કરીમાં દેશના અન્ય રાજ્યોની ગેંગ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 300થી વધુ પ્રવાસી ભરેલા વિમાનમાં 70 ટકા ભારતીય સામેલ છે. જેમાં 20 ટકા ગુજરાતીઓ હોવાની વાત મીડિયા અહેવાલ દ્વારા જાણવા મળી છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button