નેશનલ

બે સંતાન સાથે ટ્રેનમાં ચડવા જતી મહિલાનો પગ લપસ્યો ને…

પટણાઃ અમુક ઘટનાઓ સાબિત કરી દેતી હોય છે કે ઈશ્વર જેની રક્ષા કરવા માગે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. કહેવાય છે જાકો રાખે સઈયાં કોઈ માર સકે ના કોઈ… બિહારના દાનાપુર રેલવે ડિવિઝનના બારહ રેલવે સ્ટેશન પર આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. અહીં એક માતા તેના બે બાળકો સાથે રેલવે ટ્રેક વચ્ચે પડી ગઈ હતી. આ દરમિયાન ટ્રેન ચાલવા લાગી. માત્ર 4-5 ઈંચના અંતરેથી એક પછી એક અનેક બોગી પસાર થઈ હતી. આ દરમિયાન મહિલા તેના બાળકને તેની છાતી પાસે પકડીને પડી રહી હતી.

જ્યારે લોકોએ મહિલા અને તેના બાળકોને રેલવે ટ્રેક પર પડેલા જોયા તો તેઓ ડરી ગયા. સદનસીબે મહિલા અને તેના બાળકો સુરક્ષિત હતા. ધીમે ધીમે આખી ટ્રેન પસાર થઈ ગઈ. આ પછી લોકોએ તરત જ મહિલા અને તેના બે બાળકોને ત્યાંથી બહાર કાઢી હૉસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા.


વાસ્તવમાં બેગુસરાયનો રહેવાસી એક પરિવાર દિલ્હી જવા માટે બારહ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં ભાગલપુરથી દિલ્હી જતી વિક્રમશિલા એક્સપ્રેસ શનિવારે સાંજે બારહ સ્ટેશન પહોંચી હતી. ટ્રેનમાં ભારે ભીડ હતી. સ્ટેશન પર હાજર લોકો પણ તેમાં ચઢવા લાગ્યા.

ટ્રેનમાં ચડતી વખતે મહિલા તેના બે બાળકો સાથે પ્લેટફોર્મ પરથી લપસી ગઈ અને ટ્રેન અને પાટાની વચ્ચે ફસાઈ ગઈ. લોકો મહિલા અને તેના બાળકોને બહાર કાઢવા જાય ત્યાં તો ટ્રેન ચાલુ થઈ ગઈ ને બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. એક પછી એક બોગી પસાર થઈ અને લોકોએ આશા છોડી દીધી, પણ ઈશ્વરે આપેલું જીવન તેના સિવાય કોઈ છીનવી શકતું નથી.

ટ્રેન પસાર થયા પછી જોયું તો મા પોતાના સંતાનોને છાતીસરસા ચાંપી પડી હતી. ત્યાર બાદ મહિલા અને તેના બાળકોને બહાર કાઢવામાં આવ્યા. ત્રણેય સલામત અને સ્વસ્થ હતા. લોકોએ તાત્કાલિક ત્રણેયને સારવાર માટે મોકલી આપ્યા હતા.

જોકે આ ઈશ્વરની કૃપા કહેવાય બાકી પ્રવાસીઓએ પણ ટ્રેન ચડતા સમયે સાવધાની રાખવી જોઈએ, જેથી જીવ કે શરીરનું કોઈ અંગ ખોવાનો વારો ન આવે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button