‘એન્ટી હિરો’ છાંટવાળુ વ્યક્તિત્વ ધરાવતા સેલિબ્રિટી શા માટે વધુ લોકપ્રિય હોય છે?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
હમણા રિલિઝ થયેલી એનીમલ ફિલ્મ ભારે ધૂમ મચાવી રહી છે. એનીમલના બંને પાત્રો એટલે કે રણબીર કપુર અને બોબી દેઓલને ફિલ્મમાં અતિ હિંસક અને માફિયા જેવા બતાવ્યા હોવા છતાં સામાન્ય ફિલ્મ ચાહક બંને પાત્રો પાછળ દિવાના બની રહ્યા છે.
થોડા વર્ષો પહેલાં ચાના કપમાં તોફાન આવી ગયું હતું. એક વેબસાઇટ પર પ્રશ્નોત્તરી દરમ્યાન એક ક્રિકેટ ચાહકે વિરાટ કોહલીને કહ્યું કે એને આપણા દેશના ક્રિકેટરો કરતાં વિદેશના ક્રિકેટરો વધુ પસંદ છે. આ સાંભળીને ઉશ્કેરાયેલા કોહલીએ પેલાને અસ્સલ કોહલી સ્ટાઈલમાં વળતો ફટકો મારતા સંભળાવી દીધું કે, ‘તો પછી તું ભારતમાં શા માટે રહે છે, વિદેશ જઈને જ રહેને!’
કોહલીના આ રોકડિયા જવાબથી કોહલીના ચાહકો અને રાષ્ટ્રવાદીઓ ગેલમાં આવી ગયા હતા. જ્યારે લિબરલોએ કોહલીની વિકેટ ખેરવવા સોશ્યલ મિડિયા પર વિધવા વિલાપ કરી મુક્યો હતો! આમ છતાં કોહલીની લોકપ્રિયતા એક ટકો પણ ઘટી નહીં,
વિરાટ કોહલી હંમેશા જ વિવાદાસ્પદ રહ્યો છે. ફિલ્ડ પર વિરોધી ટીમના સભ્યો સાથે ગાળાગાળી કરવી, અમ્પાયરનો નિર્ણય પસંદ નહીં આવે તો મોઢુ બગાડવું, ચાહકો પર ગુસ્સે થઈ જવું અને અનુષ્કા શર્મા વિશેના પત્રકારો દ્વારા પૂછાતા અંગત સવાલો સામે ઘુરકીયા કરવા! ક્રિકેટમાં રાજકારણ રમવા બાબતે પણ કોહલી ખાસ્સો ચર્ચાસ્પદ રહ્યો છે. પોતાના માનીતા રવિ શાસ્ત્રીને કોચ બનાવવા માટે અને અનિલ કુંબલેને કોચપદેથી હટાવવા માટે કોહલીએ જે તમામ દાવ ખેલ્યા હતા એમાંથી રીઢા રાજકારણી પણ ઘણુ શીખી શકે !
બીજી તરફ શાંત, ઠરેલ, સૌમ્ય, વિવેકી, રાહુલ દ્રવિડ છે. રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ જ્યારે રિઝર્વબેન્કના ગર્વનરને ઠરેલતાથી વર્તવાની સલાહ આપી ત્યારે રાહુલ દ્રવિડનો દાખલો આપ્યો હતો.
આમ છતાં ફક્ત લોકપ્રિયતા જ નહીં, બ્રાન્ડ વેલ્યુની દૃષ્ટિએ પણ વિરાટ કોહલી દરેક ક્રિકેટરથી આગળ રહ્યો. ઘડિયાળો, મોટરકારો, જુતા, મોટરબાઇક્સ, કપડાં, હેલ્થફૂડ, હેડફોનથી માંડીને ટૂથબ્રશ … જેવી પ્રોડકટ્નાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોહલી દર વર્ષે કરોડો રૂપિયા કમાયો. ૨૦૧૮માં ‘ફોર્બ્સ’ મેગેઝિનની યાદીમાં વિશ્વના એક સૌથી વધુ કમાનાર રમતવીર તરીકે એનું નામ આવ્યું હતું. છેલ્લા વર્ષમાં બ્રાન્ડ એન્ડોર્સ કરીને ૨૪ કરોડ અમેરિકન ડોલર કમાયો છે. દેશની એક સૌથી આકર્ષક સ્ત્રી સાથે એણે લગ્ન કર્યા છે. યુવાનો અને યુવતીઓ એની પાછળ પાગલ છે, પછી ભલે એ કાનમાં કીડા પડે એવી ગાળો જાહેરમાં બોલતો હોય ! મતલબ કે દ્રવિડ જેવી સંપૂર્ણ વ્હાઇટ નહીં, પરંતુ થોડી ગ્રે પર્સનાલિટી.
વિરાટ કોહલી તો ખરેખર ક્રિકેટ જગતનો ‘હિરો’ છે જ, પરંતુ એના વ્યક્તિત્વમાં ‘એન્ટી હિરો’ની પણ કેટલીક છાંટ હોવાથી એ વધુ એકસાઇટીંગ લાગે છે ?
બીજી તરફ વ્યાપક ફલક પર જોઇશું તો પણ આ બાબત ઊડીને આંખે વળગશે. રિલિઝ થયેલી બે બાયોપિક (આત્મકથાનક) ફિલ્મો વિશે જ વાત કરીએ. ફિલ્મસ્ટાર સંજય દત્તની જીંદગી પરથી બનેલી ફિલ્મ ‘સંજુ’એ ૩૦૦ કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો હતો. જો સંજય દત્તની જીંદગીમાં ડ્રગ્સ, ૩૦૦ થી વધુ સ્ત્રીઓ, ઘાતક હથિયાર, જેલવાસ અને અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો ન હોત તો દર્શકોને એની જીંદગી વિશે જાણવા આટલી ઉત્કંઠા હોત ખરી ? શું ભવિષ્યમાં ધારો કે આમિર ખાનની જીંદગી પર ફિલ્મ બને તો લોકોમાં ‘સંજુ’ ફિલ્મ વખતે જોવા મળેલું એવું એક્સાઇટમેન્ટ જોવા મળે ખરું ? મરાઠી નાટ્યજગતમાં પહેલા સુપર સ્ટાર ડેા. કાશીનાથ ઘાણેકરની જીંદગી પરથી બનેલી અદ્ભુત મરાઠી ફિલ્મ ‘આણી ડેા. કાશીનાથ ઘાણેકર’ પણ દર્શકો તેમજ વિવેચકોએ ભરપુર માણી. ડેા. કાશીનાથ ખૂબ જ મૂડી અને ટેમ્પરામેન્ટલ હતા. દારૂ, સિગરેટ અને સ્ત્રીસંગતને કારણે એમની કારકિર્દીમાં ભારે ચઢાવ-ઊતાર આવ્યા. એક સમયે સમગ્ર મરાઠી રંગભુમિએ એમનો બહિસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. પોતાની દિકરીની ઊંમરની યુવતી સાથે તેઓ પ્રેમમાં પડ્યા અને પત્ની પણ છેવટે કંટાળીને એમને છોડી ગઈ. એક વખત તો ડેા. કાશીનાથે શો દરમિયાન સ્ટેજ પર જ એટલો દારૂપીને ભવાડો કર્યો કે દર્શકોએ થિયેટરમાં તોફાન કરી ભારે હંગામો કર્યો હતો. પ્રતિસ્પર્ધિ ડેા. શ્રીરામલાગુ જ્યારે પણ મળે ત્યારે એમને અપમાનિત કરવાની તક મૂકે નહીં. બીજી તરફ ’રાહુલ દ્રવિડ’ પ્રકારની જીવનપધ્ધતિ ધરાવતા ડેા. શ્રીરામલાગુની બાયોપિક હજી સુધી બની નથી, પરંતુ વિવિધ શેડ ધરાવતી જીંદગી જીવીને અકાળે મૃત્યુ પામનાર ડેા. કાશીનાથ ઘાણેકર પર બનેલી બાયોપિક મરાઠી ફિલ્મ રસીકોમાં ધૂમ મચાવી રહી છે !
થોડું આગળ વધીને તદ્દન બ્લેક અને તદ્દન વ્હાઈટ પ્રકારના વ્યક્તિત્વની વાત કરીએ તો પણ ઉપર જણાવી એ થિયરી એટલી જ સાચી પડે છે. મહાત્મા ગાંધીની આત્મકથા ‘મારા સત્યના પ્રયોગો ’નું વેચાણ રેકર્ડબ્રેક હોય તો એડોલ્ફ હિટલરની બાયોગ્રાફી ’મેઈ કામ્ફ ’નું વેચાણ પણ ખાસ કંઈ પાછળ નથી. લાખો યહુદીઓની નિર્દયપણે હત્યા કરનાર હિટલરની જીંદગી પરથી સેંકડો ફિલ્મો બની છે અને દર્શકોએ ખૂબ માણીને સફળ કરી છે. ત્યારે ગાંધીજીની જીંદગી પરથી બે ફિગરમાં પહોંચે એટલી ફિલ્મો પણ નથી બની અને એકાદને બાદ કરતાં વિશ્વસ્તરે કોમર્શિયલી ભાગ્યે જ કોઈ સફળ રહી છે.
કેટલાકને જાણીને નવાઈ લાગશે કે કોલમ્બિયાની સફરે આવનારા યાત્રીઓ કોલમ્બિયાના કુદરતી સૌંદર્ય, ઇતિહાસ કે ઐતિહાસિક સ્થળો જોવા કરતાં હજારો નિર્દોષ કોલમ્બિયનોની જ હત્યા કરનાર નાર્કોટેરરિસ્ટ પાબ્લો એસ્કોબારનાં રહેઠાણ, એણે જાતે બનાવેલી મહેલ જેવી ’જેલ ’ કે જે સ્થળેથી એણે કોકેઇનની દાણચોરી શરૂ કરેલી એ સ્થળો તગડી ફી ચૂકવીને, જોવાનુ વધુ પસંદ કરે છે! આ બધા સ્થળોની જાળવણી કરનારા અને બતાવવા માટે ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરનારા પણ ખાસ્સુ એવું કમાઈ લે છે!
લાલબહાદુર શાસ્ત્રી કે માર્ટિન લ્યૂથરકિંગના જન્મ કે મૃત્યુસ્થળનુ આકર્ષણ પાબ્લો એસ્કોબારના મેમોરિયલ સામે કંઈ નહીં ગણાય! હજી મોટી નવાઈની વાત છે કે, પાબ્લોના ‘શિકારા’ (ભાડૂતી હત્યારા) તરીકે ૩૦૦ થી વધુ નિર્દોષોની હત્યા કરનાર પોપેઇ નામના નાર્કોમાફિયાએ જેલમાંથી છુટ્યા પછી પોતાની યુટ્યુબ ચેનલ બનાવી છે. આ ચેનલમાં પોતે કરેલા કૂકર્મો વિશે ડંફાસ મારતો રહે છે અને ચેનલના લાખો લવાજમધારકો દ્વારા વર્ષે લાખો ડોલરની કમાણી કરતો રહે છે! વિશ્ર્વભરના પત્રકારોને ફી લઈને ઇન્ટરવ્યુ આપીને જે કમાણી કરે છે એ તો છોગામા!
સો વાતની એક વાત. માનવજાતના ઉદ્ભવથી અત્યાર સુધી કદાચ આપણા બધાને જ પ્રતિનાયકમાં કોઈ ખાસ મિસ્ટિક… રહસ્ય દેખાતું હશે? જેનો તાગ મેળવવા માટે તો આપણને તેઓ ખાસ ચુંબકિય નહીં લાગતા હોય?